મારા પર અમેરીકાથી અને બીજેથી આવતા પત્રોમાં મોટે ભાગે નીચેના પ્રશ્નો પૂછવામાં આવતા :
‘ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ ઉપદેશેલી ધ્યાન-પદ્ધતિઓમાંથી કઈ વિશિષ્ઠ ધ્યાનપદ્ધતિ મહર્ષિના આશ્રમની ધ્યાનપદ્ધતિ સાથે મળતી આવે છે ?’
અથવા
‘આપણે આત્મજ્ઞાનના માર્ગનું અનુસરણ કરતા હોઈએ ત્યારે આપણી પોતાની જાત પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ ?’
એ પ્રશ્નોના જે પ્રત્યુત્તરો મને રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં પ્રાપ્ત થયા તેના થોડાક અંશોને મારા પત્રવ્યવહારમાંથી અહીં આપી રહ્યો છું. એટલા માટે કે એવા જ પ્રશ્નો જેમને સતાવતા હોય તેમને માટે એ પ્રત્યુત્તરો ઉપયોગી થઈ શકે.
રમણ મહર્ષિ શ્રી શંકરાચાર્ય મહારાજના વિવેકચૂડામણિ ગ્રંથનાં ખૂબ જ વખાણ કરતા. અનેક હિંદુઓ અરુણાચલના સંત રમણ મહર્ષિને તત્વજ્ઞાનના સર્વોત્તમ સંદેશ આપતા ગ્રંથ વિવેકચૂડામણિના લેખક શ્રી શંકરાચાર્યના અવતાર માને છે. એ મહાન સર્વોત્તમ ગ્રંથના કેટલાક શ્લોકોને એમના અર્થના રૂપમાં રજૂ કરું છું.
શ્લોક ૪૦૯
જ્ઞાની પુરુષ સમાધિમાં પોતાના હૃદયમાં પરમ જ્ઞાન સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, અનુપમ, પૂર્ણ મુક્ત, અક્રિય, કાલાતીત, પવિત્ર, કર્તાભાવથી પર અને સર્વવ્યાપક પરમાત્માને અનુભવે છે.
શ્લોક ૨૫૫
તું જાતિ, દુન્યવી જ્ઞાન, પરિવાર, નામ, રૂપ, ગુણો તથા ક્ષતિઓ સર્વથી મુકત છે અને દેશ, કાલ તેમ જ જુદા જુદા પદાર્થોથી પર છે એ સત્યનો સાક્ષાત્કાર કરી લે.
શ્લોક ૨૫૬
અનુભવ કર કે તું તે બ્રહ્મ છે જે સર્વોત્તમ છે, વાણીથી વર્ણવી શકાય નહિ તેવા છે. તો પણ જે દિવ્ય દૃષ્ટિથી જાણી શકાય છે. એ પરમ પવિત્ર એક, અનન્ય, સનાતન ચૈતન્ય છે.
શ્લોક ૨૫૭
સ્વાનુભવથી સમજી લે કે તું તે જ બ્રહ્મ છે જે ક્ષુધા, તૃષા, લોભ, ભ્રાંતિ, વિકાર ને મૃત્યુથી પર છે; જેમને યોગીઓ સમાધિદશામાં પોતાના હૃદયમાં અનુભવે છે. એ ઈન્દ્રિયોથી, મન અને બુદ્ધિથી અનુભવી શકાય તેમ નથી.
શ્લોક ૨૫૮
અનુભવ કર કે તું તે જ બ્રહ્મ છે જે જગતના મૂળાધાર છે, સ્વતંત્ર છે, સત્યાસત્યથી અલગ, અવિભક્ત, મનથી પર, અચિંતનીય છે.
શ્લોક ૨૬૦
અનુભવ કર કે તું તે બ્રહ્મ છે જે સર્વ પ્રકારના ભેદભાવથી રહિત છે, જે અપરિવર્તનશીલ છે, તરંગો વગરના સાગરની પેઠે અવિકારી અને અચળ છે, અવિભક્ત અને કાર્યકારણભાવથી પર છે.
શ્લોક ૨૬૧
સ્વાનુભવથી સમજી લે કે તું તે બ્રહ્મ છે જે કેવળ એક માત્ર સત્ય છે, અનેકવિધ જગતના કારણ કહેવામાં આવ્યા છે, બીજાં કારણોનો નાશ કરે છે, અને સર્વતંત્ર સ્વતંત્ર છે.
શ્લોક ૨૬૩
સમજી અને અનુભવી લે કે તું તે બ્રહ્મ છે, તે સનાતન સત્ય કે પરમ તત્વ છે, જે જુદાં જુદાં નામ, રૂપ, ગુણ, રંગવાળા જગતમાં પ્રકટ થાય છે તો પણ સોનાના અનેકવિધ અલંકારોની અંદરના સોનાની પેઠે અધિકારી, અચળ અને એક છે.
શ્લોક ૨૬૪
સમજી અને અનુભવી લે કે તું તે જ બ્રહ્મ છે જે કેવળ છે, પરમ પ્રકાશવાન છે, સર્વ વ્યાપક, એક, સર્વ સામાન્ય, પરમ સત્ય, પરમાનંદ સ્વરૂપ, અનંત, અવિનાશી છે.
એ શ્લોકોમાં વિચારો અને ભાવોનાં કેટલાં ઊંચા, ઉદાત્ત, સર્વોત્તમ શિખરોને સર કરવામાં આવ્યાં છે ? એમની પ્રેરણા અનોખી છે.
આત્મજ્ઞાનનો અભ્યાસી સમજવા માંડે છે કે એના વ્યક્તિત્વમાંથી જીવનના પરમ પ્રકાશ પરમાત્મા પ્રકાશી રહ્યા છે. પરંતુ એ પોતે એ પ્રતિબિંબ નથી. એ પ્રતિબિંબ અથવા વ્યક્તિત્વ દ્વારા વધારે ને વધારે પ્રકાશ પ્રકટ થઈ શકે એ માટે એની પૂરતી સંભાળ રાખવી જોઈએ અને એને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મસાક્ષાત્કાર થયા પછી અહંભાવની નિતાંત નિવૃત્તિ કરવી જોઈએ. એવી નિવૃત્તિથી સાચી સ્વતંત્રતાની પ્રાપ્તિ થાય છે. આધારનું કામ જ્યારે પૂરું થાય છે ત્યારે એને ગૌણ ગણવામાં આવે છે. પરંતુ એ બધું તો સ્વાનુભવ પછી જ શક્ય બને છે. કેવળ વિચારો, ભાવો, સિદ્ધાંતો અથવા આદર્શોનું પોપટપારાયણ કરવાથી એ વસ્તુ શક્ય નથી બનતી. સ્વાનુભૂતિ જ સર્વોત્તમ શિક્ષા કે દીક્ષા છે.
કોઈ પણ સંજોગોમાં અંતરમાં એક વાતને અંકિત કરી રાખવી જોઈએ : સમાધિની પ્રાપ્તિ અથવા સત્યના સાક્ષાત્કારને માટે એકાગ્ર અને સુવ્યવસ્થિત મનની આવશ્યકતા રહે છે. સમાધિની સાધનામાં અંતરાયો ઊભા થાય તો તે સૂચવે છે કે મન હજુ શાંત નથી થયું. એવું મન ફરી પાછું સક્રિય બને છે અને અધુરા સંયમનો નાશ નોતરે છે.
*
સદગુરુની સંનિધિમાં કેવું વલણ અખત્યાર કરવું જોઈએ ?
સદગુરુની અથવા મહાપુરુષની સંનિધિમાં મનને શાંત રાખવાનું સૌથી વધારે ઉપયોગી છે. એવી રીતે શાંત રહેવાથી હૃદયનું દ્વાર ઊઘડી જાય છે ને સદગુરુ એની અંદર પ્રવેશે છે. મહર્ષિની સુખદ સંનિધિમાં બીજા કોઈને પણ સંનિધિ કરતાં મન અત્યંત સહેલાઈથી એકાગ્ર અને શાંત થતું. માનવો પોતપોતાના પંથ, મત કે સંપ્રદાયની પદ્ધતિ પ્રમાણે જુદી જુદી રીતે પ્રાર્થના કરતા તો પણ છેવટે તો એકસરખું જ પરિણામ પ્રાપ્ત થતું. ભગવાન રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં આપણો વ્યવહાર ખરેખર કેવો હોવો જોઈએ એ આપણને અંતઃપ્રેરણાની મદદથી સહેલાઈથી સમજાતું.
આત્મા અને દૃશ્યમાન જગત
એ વિશે મહર્ષિએ પોતે એમના ઉપદેશામૃતમાં વિસ્તારથી સમજાવ્યું છે. એમાં કશું ઉમેરવા જેવું નથી રહેતું. તો પણ એ વિષયને એક સામાન્ય ઉદાહરણનો આધાર લઈને સમજાવી શકાય.
પિયાનોને હાથમાં મોજાં પહેરીને વગાડનારા વાદકને વિલોકીને અજ્ઞાની માણસને એવું લાગે છે કે મોજાંનું ચામડું વાદકનાં હાથનો અંતર્ગત ભાગ છે. એને કળાકારની સાચી આંગળીઓ નથી દેખાતી. એવી રીતે જે લોકો આત્મા વિશે કશું જ નથી જાણતા તે લોકો જગતના પદાર્થોની સ્થૂળ બાહ્ય બાજુ સિવાય બીજું કશું નથી જોઈ શકતા. પરંતુ વાસ્તવિકતાને જાણનાર તો સમજે છે કે કલાકારનો હાથ ફરે છે ને સંગીત-સ્વરની સૃષ્ટિ કરે છે. એના વિના ચામડાનાં મોજાંની કિંમત કશી જ નથી.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)