if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શરૂઆતની સંસ્થાઓ

તમે પૂછયું કે : ‘વર્તમાન વિશ્વમાં અસ્તિત્વ ધરાવનારી અનેક પ્રકારની ધર્મદીક્ષા આપનારી સંસ્થાઓ વિશે તમે શું માનો છો ?’ એનો ઉત્તર એ છે કે આપણે ખોટી રીતે દોરવાઈ જવું ના જોઈએ. જો તમે મને પાણીનો પ્યાલો આપવા માગતા હો તો સૌથી પહેલાં તો તમારી પોતાની પાસે એ પ્યાલો હોવો જોઈએ. એવી સંસ્થાઓના સંસ્થાપકો કે સંચાલકો જો સાચા સદગુરુ કે પૂર્ણ પુરુષો નથી હોતા તો એમના ઉપદેશો તથા પુસ્તકોની અસરકારકતા એટલી બધી નથી લાગતી. ઉપદેશોની પાછળ ઉપદેશકોના જીવનનું પ્રેરક પીઠબળ હોવું જોઈએ. સ્વાનુભૂતિનો રણકો હોવો જોઈએ. અત્યાર સુધી મેં કોઈ સાચા સદગુરુને સંસ્થા ચલાવતા કે ધંધો કરતા નથી જોયા. એનો વિચાર કરો એટલે તમારા પ્રશ્નનો પ્રત્યુત્તર તમને આપોઆપ મળી રહેશે.

આત્મસાક્ષાત્કારના માર્ગના અંતરાયો

રમણ મહર્ષિએ જણાવ્યું છે કે અંતરાયો તમારું ચંચળ, વિષયોમાં વિહરનારું મન અને પ્રતિકૂળ જીવનપદ્ધતિ છે. અહંકાર અને સ્થૂળ શરીર સાથેનો અધ્યાસ અવિદ્યાના મૂળરૂપ છે. એમને લીધે સાધક આત્મિક પંથમાં પ્રવેશીને આત્મવિચારનો આધાર નથી લઈ શકતો.

‘મારું નામ આ છે. હું આટલી ઉંમરનો, આવા દેખાવનો, આવા હોદ્દાવાળો, આ દેશનો, આવો વ્યવસાય કરનારો છું. હું જન્મ્યો છું ને મરવાનો છું.’ આત્મવિચારનો અંતિમ ઉત્તર પામતાં પહેલાં એવી બધી અહંતા-મમતાનો અંત આવવો જોઈએ.

એક યોગીએ જણાવ્યું : ‘પરમાત્માને સર્વસમર્પણ કરનારા સાધકનો આત્મા અનંત પરમાત્મામાં મળી જાય છે.’

એ જ માર્ગ છે.

પ્રાર્થના

કોઈ કહેશે, હું ખ્રિસ્તી અને આસ્તિક છું. મારાથી ધ્યાન નથી થઈ શકતું, કેવળ પ્રાર્થના થઈ શકે છે. મારે માટે ક્યી પ્રાપ્તિની શક્યતા છે ?

સૌ એકસરખી પ્રાપ્તિ કરી શકે છે. પરંતુ એને માટેના માર્ગો જુદા જુદા છે. જુદા જુદા ધર્મોના સંતપુરુષોનાં જીવનનું અધ્યયન કરવાથી સમજાય છે કે એ બધા ઈશ્વરના પ્રેમની અને આત્મસાક્ષાત્કારની દૃષ્ટીએ જોતાં ભ્રાતૃભાવથી જોડાયેલા છે. આપણી પ્રાર્થનાઓ નિઃસ્વાર્થ હોવી જોઈએ. પોતાની સૃષ્ટિને કેવી રીતે ચલાવવી તેનું જ્ઞાન આપણા કરતાં ઈશ્વરને ઘણું વધારે છે. એ સંબંધમાં એમને આપણાં સૂચનોની આવશ્યકતા નથી રહેતી. તમારી પોતાની ચેતનાને પરિપૂર્ણ કરવાના પ્રયત્ન કરો. આપણો આદર્શ એ જ છે.

પ્રાર્થના સંબંધી સંત ફ્રાન્સિસના વિચારો કે ભાવો આ રહ્યા :

‘પ્રભુ, મને તમારી શાંતિનું સાધન બનવા દો. જયાં તિરસ્કાર હોય ત્યાં પ્રેમનું સિંચન કરવા દો. કોઈ હાનિ કરે તો તેને ક્ષમા કરવા દો. શંકા હોય ત્યાં વિશ્વાસ પેદા કરવા દો. નિરાશા હોય ત્યાં આશા, અંધકાર હોય ત્યાં પ્રકાશ પાથરવા દો. શોક હોય ત્યાં આનંદનું અવતરણ કરવા દો.’

‘હે પ્રભુ, એવા આશીર્વાદ આપો કે આશ્વાસન લેવાને બદલે હું બીજાને આશ્વાસન આપું; મને કોઈ સમજે કે ના સમજે તો પણ હું બીજાને સમજી શકું; પ્રેમ પામવા કરતાં પ્રેમ કરું. કારણ કે આપનારને જ મળે છે. ક્ષમા આપવાથી જ ક્ષમા પામી શકાય છે. મૃત્યુ પામવાથી જ અમર જીવનમાં જન્મી શકાય છે.’

ગુરુની કૃપા

રમણ મહર્ષિએ જણાવ્યું છે કે એ કૃપા એટલી બધી સૂક્ષ્મ છે કે એને વાણીથી વર્ણવાનું કામ કઠિન છે. આપણા કરતાં એ મહાપુરુષનો અનુભવ એ વિશે ઘણો વધારે હતો. એટલા માટે શબ્દો દ્વારા જેને ના સમજાવી શકાય તેને શબ્દો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. મહર્ષિ સદા જણાવતા કે આધ્યાત્મિક ઉન્નતિની અમુક અવસ્થાએ પહોંચ્યા પછી કૃપા પોતાની મેળે જ કામ કરે છે. એ કૃપાને વાણીમાં વ્યક્ત કરવાનો અર્થ એને મન દ્વારા મૂલવવાનો થાય છે. સદગુરુ પોતાના શિષ્યનું જે ખાસ ધ્યાન રાખે છે તે શિષ્ય સાથેના એમના સવિશેષ સંબંધનું પરિચાયક હોય છે. એમના એવા સવિશેષ ધ્યાનને માટે આપણે તૈયાર રહીએ. એને માટે બને તેટલા યોગ્ય બનીએ.

સમર્પણ

આત્મવિકાસના ક્ષેત્રમાં સમર્પણની આવશ્યકતા ઘણી મોટી છે. સાધક જ્યારે સમજે છે કે આત્માના અનંત અગાધ અર્ણવ પર એનું પોતાનું વ્યક્તિત્વ તો માત્ર તરંગ બરાબર છે ત્યારે એનો બધો જ અહંકાર ઓગળી જાય છે. એ પરમાત્માને અથવા એમના પ્રતિનિધિ જેવા સદગુરુને સમર્પિત થવાની તૈયારી કરે છે.

પ્રેમ

પ્રેમને પારસ્પરિક આકર્ષણના વિશ્વવ્યાપક સામર્થ્ય તરીકે વર્ણવવામાં આવે છે. પ્રેમ દ્વારા આપણે અસત્યમાંથી સત્યમાં અને અનિત્યતામાંથી નિત્યતામાં પ્રવેશી શકીએ છીએ. આત્મસાક્ષાત્કારના મંગલમય માર્ગે આગળ વધનારો સાધક સારી પેઠે સમજે છે કે પોતાને પ્રેમના એ પવિત્ર પરિબળની કેટલી બધી આવશ્યકતા છે !  એ પવિત્ર પરિબળથી કેટલાંય વિઘ્નો દૂર થશે.

પ્રેમના સંબંધમાં સંત પોલના આ શબ્દોને ખાસ યાદ કરવા જેવા છે :

‘મારામાં ભવિષ્ય કથન કરવાની શક્તિ છે, હું જ્ઞાનવિજ્ઞાનનાં સઘળાં રહસ્યોને સુચારુરૂપે સમજું છું ને જ્ઞાનને પામ્યો છું. મારામાં પર્વતોને હલાવવાની શક્તિ હોય પરંતુ જો દાન કે પ્રેમની વૃત્તિ ના હોય તો મારું મૂલ્ય કશું જ નથી.’

સત્યનું પ્રતિબિંબ જ આપણને મદદ કરી શકે. પ્રેમ એવું પ્રતિબિંબ છે. પ્રેમનું સાધકને પ્રાપ્ત થતું ઉચ્ચોઉચ્ચ સર્વોત્તમ સ્વરૂપ એના સદગુરુ પ્રત્યેના પ્રેમમાં રહેલું છે. બારીબારણાં વિનાના ખંડમાં પ્રકાશ ના પહોંચી શકે તેવી રીતે ગુરુ પણ પ્રેમ વિનાના શિષ્યની પાસે - જો એવો કોઈ શિષ્ય હોય તો - નથી આવી શકતા. શિષ્ય પ્રેમ વિનાના હશે તો કાંઈ જ નહિ વળે કે કોઈ જ હેતુ નહિ સરે. એનું જીવન સર્વ પ્રકારની શંકાકુશંકાથી રહિત, એક આદર્શ ઉદાહરણરૂપ હોવું જોઈએ.’

સદગુરુ

તમે કહો છો કે સદગુરુ સિવાય માર્ગ નથી અને ભગવાન રમણ મહર્ષિનાં ચરણોમાં રહેતા મને તમે પૂછો છો કે એમની સુખદ સંનિધિમાં સત્યનો સાક્ષાત્કાર કેવી રીતે થાય છે ?  જો તમે અહીં આવીને રમણ મહર્ષિની સંનિધિમાં એમના કૉચની આગળ બેસો તો એવા પ્રશ્નને પૂછવાની આવશ્યકતા જ નહિ રહે. તમારી પાસે અરુણાચલ પર્વતના કેટલાક ફોટા છે. પરંતુ તે પર્વત પર ચઢવા માટે પૂરતા નથી. મહર્ષિની સંનિધિના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે.

મનનો સંયમ

‘મારું શરણ લો એટલે હું મનને શાંત કરીશ.’

- મહર્ષિના સદુપદેશમાંથી.

મહર્ષિના એ શબ્દો તમારા પ્રશ્નના સર્વોત્તમ ઉત્તરરૂપ છે. જ્યારે પણ મારું મન મહર્ષિના વિચારોમાં મશગૂલ બની જાય છે ત્યારે એ મનમાં બીજા બિનજરૂરી વિચારો પેદા થતા જ નથી. એટલા માટે કોઈ પ્રકારનો પ્રતિકૂળ કે વિરોધી વિચાર મારી ચેતનામાં જાગતો જ નથી. મનમાં પેદા થનારા અશાંત વિષમ વિચારોનું સ્થાન ઊંડી શાંતિએ લઈ લીધું છે. પરંતુ મહર્ષિએ ઉપદેશેલા ‘હું કોણ’ માર્ગના સુખદ સફળતાપૂર્વકના પ્રવાસ માટે મનની નીરવતા અથવા સંપૂર્ણ શાંતિની અનિવાર્ય રૂપે આવશ્યકતા છે. સ્વરૂપના સાક્ષાત્કારને માટે વિચારને શાંત કરી, મનબુદ્ધિને અતિક્રમીને, સમાધિમાં પ્રવેશવાનું ખૂબ જ જરૂરી છે. મહર્ષિએ કહ્યું છે કે સત્યનો સાક્ષાત્કાર સમાધિ દ્વારા જ થઈ શકે. સાધકે એ સમાધિની પ્રાપ્તિ કરવાનું ધ્યેય રાખવું જોઈએ. સમાધિનો પ્રત્યક્ષ અનુભવ થાય છે ત્યારે એ વિશેના અનેક ભ્રામક ભાવો તથા વિચારોનો અંત આવે છે.

*

જે ભારતથી દૂર વસતા અને ઈચ્છા હોવા છતાં મહર્ષિ પાસે પહોંચી શકતા નહોતા, એવા મારા મિત્રોમાંના કેટલાકની સાથેના પત્રવ્યવહારના અમુક અંશોને મેં ઉપરનાં અવતરણોમાં રજૂ કર્યા છે. એ અંશો સાધકોને ઉપયોગી થશે, એવી આશા છે.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.