મારી ચેતનાની ભૂમિકાઓ જુદે જુદે વખતે જુદી જુદી જાતની હતી. એ ભૂમિકાઓમાં નોંધપાત્ર ફેરફાર દેખાતો હતો. મારી ધ્યાનવસ્થા દરમિયાન હું અવારનવાર અસાધારણ એકતાનો અનુભવ કરતો પરંતુ પરંપરાગત જીવનપ્રવાહમાં પ્રસ્થાન કરતાં એ એકતાનો અંત આવતો. એને લીધે મને થોડીક ચિંતા થતી. પરંતુ એ ચિંતાનું કારણ મનની અંદર પેદા થનારી જુદી જુદી જાતની શંકાઓ હતું; એટલા માટે એ શંકાઓને દૂર કરવા મેં મારા અંતરજગતમાંથી પ્રકાશ પામવાને માટે અને મને થયેલા આધ્યાત્મિક અનુભવોના આધાર પર મજબૂત પાયાનું નિર્માણ કરવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. એ અનુભવોને શક્ય હોય તો મનની ભાષામાં અનુવાદિત કરવાની આવશ્યકતા હતી. મન પોતે કામચલાઉ જીવનવ્યવહારનું પ્રતિબિંબ પાડતું હોવાથી એની અંદર પેદા થનારાં પ્રતીકો અને તુલનાઓ વિચારોને વ્યક્ત કરવા માટેનાં સાધનો બની રહેતાં.
ધ્યાનાવસ્થામાં થયેલા મારા પૂર્વ-અનુભવોના પ્રકાશમાં મારે નીચેની ઉપમા આપવાની છે :
જુદાં જુદાં વ્યક્તિત્વો વૃક્ષનાં વિવિધ પર્ણો જેવાં છે : એ અનેકવિધ હોય છે તો પણ એમનું સામાન્ય જીવન વૃક્ષનું જ જીવન હોય છે. વૃક્ષનું જીવન એમના અસ્તિત્વનું મૂળ કારણ હોય છે. પર્ણો પેદા થાય છે, સુકાય છે અને છેવટે ખરી પડે છે. પરંતુ વૃક્ષ એ બધી ક્રિયા-પ્રતિક્રિયાથી અલિપ્ત જ રહે છે. વૃક્ષને કોઈ પર્ણ પ્રિય નથી હોતું. એ એમના કામચલાઉ અભિનયને જાણે છે પરંતુ પર્ણો વૃક્ષના જીવનકાળને જાણવાની શક્તિ ધરાવતાં નથી.
પર્ણોનું જીવન વૃક્ષથી અલગ થાય ત્યાં સુધી જ રહેતું હોય છે. જ્યાં સુધી એ પરિપક્વ ન બને ત્યાં સુધી વૃક્ષનો પરિત્યાગ કરી શકતાં નથી. પરિપક્વતા એ તેમના રૂપનું પરિવર્તન કહી શકાય.
પર્ણની દૃષ્ટિએ વિચારીએ તો એનું જીવન સીમિત હોય છે. એની શક્યતાઓ મર્યાદિત હોય છે અને એના સામાન્ય નસીબમાંથી એને ઉગારવાનું કાર્ય પણ કઠિન હોય છે. એને ભાગ્યે જ ખબર હોય છે કે વૃક્ષના જીવનને ચાલુ રાખવું અને એને માટે બીજાં પર્ણોની સાથે કામ કરી છૂટવું એ જ અગત્યનું હોય છે.
આપણી અલગતા વાસ્તવિક છે. આપણી પાસે જે કંઈ છે તે આપણું પોતાનું છે, એવું માનીને બીજાની આવશ્યકતાઓથી આપણે અલિપ્ત રહીએ છીએ એ ખરેખર કરુણ છે. વૃક્ષનાં પર્ણોની પેઠે, નક્કી કરેલા સમયે, આપણું સ્થૂળ શરીર સુકાશે અને નાશ પામશે. આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં મળી રહેશે. સાચું જીવન પરમાત્મામાં જ રહેલું છે.
મારા મનને હવે શાંતિ મળી કારણ કે એની પોતાની ભાષામાં સત્યનું પ્રતિપાદન કરવામાં આવેલું. પરમાત્માની સાથે આત્માની એકતા એ જ જીવન છે. અલગતાની ભ્રાન્તિ મરણ છે.
મહાપુરુષોમાં જે અહંકારનો અભાવ દેખાય છે તે આદર્શ અથવા લાગણીવશતા પર નિર્ભર નથી હોતો. એ પોતાના મૂળભૂત સ્વરૂપને સમજે છે. ઈશુ ખ્રિસ્તે પોતાના વિરોધીઓ માટે પ્રાર્થના કરી અને રમણ મહર્ષિએ પોતાને મારનારા ચોરો તરફ પીઠને ફેરવી ત્યારે તેમની પ્રવૃત્તિઓમાં કોઈ પ્રકારનો દંભ ન હતો. એ સમજતા હતા કે એમની અંદર અને એમને કષ્ટ આપનારની અંદર એક જ પ્રકારનો આત્મા કાર્ય કરી રહેલો. તફાવત માત્ર એટલો જ હતો કે ઈશુ ખ્રિસ્તને અને રમણ મહર્ષિને પરમાત્માની સાથેની એકતાની પ્રતીતિ થયેલી, જ્યારે ચોરો તથા ખૂનીઓને એવી પ્રતીતિ નહોતી થઈ.
કેટલીક વાર સદગુરુના સદુપદેશોનો ગૂઢ અર્થ સમજવાનું સહેલું થઈ પડે પરંતુ આપણું અપરિપક્વ વ્યક્તિત્વ એ ઉપદેશને સહેલાઈથી ભૂલી જાય છે.
‘માર્ગ ઘણો લાંબો છે અને હું મારા ઘરથી દૂર ઊભો છું.’