મને હમણાં જ મદ્રાસથી જે પત્ર મળેલો તેમાં જણાવવામાં આવેલું કે એકાદ પખવાડિયામાં કોલંબોથી ઉપડનારી સ્ટીમરમાં મારી ટિકિટ બુક કરવામાં આવી છે. એનો અર્થ એવો થયો કે હવે થોડા જ દિવસોમાં મારે રમણ મહર્ષિને અને એમના આશ્રમને છોડીને ચાલવું પડશે. સદગુરુના શ્રીચરણોમાં બેસીને મેં જે ભાવસમાધિથી ભરેલી સાંજ પસાર કરેલી એવી અસંખ્ય સાંજે મારા સમસ્ત વ્યક્તિત્વમાં ક્રાંતિ કરીને મને નૂતન અને સનાતન જીવનનો મંગલમય માર્ગ બતાવેલો. એ સોનેરી સંધ્યાઓનો હવે અંત આવવાનો હતો.
તો પછી શું થશે ? મારે મારા જૂના જીવનમાં ફરીથી પાછા ફરવું પડશે ? મન કાંઈ જવાબ આપતું નહોતું. મને ખબર હતી કે એને તર્કવિતર્કની જૂની ટેવો, શંકાઓ ફરીથી ઘેરી વળશે અને આડમાર્ગે જવાનું પસંદ પડશે. પરંતુ વખત બદલાયો હતો. એના પ્રભાવમાં આવવાનું મારે માટે શક્ય નહોતું. હું એના પ્રવાહથી ઊલટી દિશામાં ચાલી શકું તેમ હતો.
મને મહર્ષિના શબ્દોનું સ્મરણ થયા કરતું :
‘માનવના જીવનના વિકાસમાં મનનો ફાળો હોય છે, પરંતુ એ ફાળો મર્યાદિત હોય છે અને અમુક ચોક્કસ ભૂમિકા સુધી લઈ જાય છે. એનો વ્યાપાર એ ભૂમિકાથી આગળ નથી ચાલતો.’
મનની અંદર કુતૂહલવૃત્તિ હોય છે અને પ્રકૃતિના પરિવર્તનશીલ પદાર્થોને જાણવાની અથવા એમનાં રહસ્યોને હસ્તગત કરવાની લાલસા. એની લાલસા અથવા કુતૂહલવૃત્તિ મારી અંદરથી લુપ્ત થયેલી. એવી લાલસાનો અંત નહોતો દેખાતો. એવી લાલસા તથા કુતૂહલવૃત્તિ વિષવર્તુળની પેઠે વધારે ને વધારે વિશાળ બને તેમ હતી. એનો પ્રભાવ મારા પર પડે તેમ નહોતો.
મને ખાતરી હતી કે હું જીવનભર આશ્રમમાં રહું કે જગતના જુદાજુદા વિભાગોમાં વિહાર કરવા માટે આશ્રમનો પરિત્યાગ કરું તો પણ મારું જીવન પહેલાંની જેમ કદી પણ આડમાર્ગે નહિ અટવાય. એવી આત્મજાગૃતિને લીધે મારા અંતરમાં એક પ્રકારના અવર્ણનીય આનંદનો આવિર્ભાવ થયો. મને નિરાંત વળી, ને નિશ્ચિંતતા થઈ. એ લાગણી શબ્દોમાં અંકિત કરી શકાય તેમ નહોતી.
મૃત્યુના અસ્તિત્વમાંથી કેવળ તર્કના આધાર પર નહિ પરંતુ અનુભૂતિની મદદથી મેં મારા વિશ્વાસને કેવી રીતે દૂર કર્યો તેની ખબર પણ મને ના પડી. મારી આંતરચેતનામાં મૃત્યુનો સામનો કરવાના સંસ્કારો પડેલા. એ સંસ્કારો હવે શાંત થયેલા.
કોઈ પણ પદાર્થને કોઈ પણ પળે પરિત્યાગવા માટે તૈયાર રહેવું એ અનંતના દ્વારને ઉઘાડવા બરાબર છે.
મેં બરાબર નિરીક્ષણ કરીને જાણ્યું કે લગભગ બધી જ જાતના સંજોગોમાં, સુખમય તથા દુઃખમય પ્રસંગો અને અનુભવોની વચ્ચે, મારા મનની પાર્શ્વભૂમિમાં એક વિચાર પોતાનું કામ કર્યા કરતો કે આ બધાનો કશો જ અર્થ નથી. આ બધું અસાર છે.
રમણ મહર્ષિની પરમચેતનાનાં પવિત્ર પ્રબળ પરમાણુઓનો પ્રવેશ મારા અતિશય મર્યાદિત, સંકુચિત, અંધકારગ્રસ્ત મનમાં ક્યારે ને કેવી રહસ્યમય રીતે થતો એની ખબર પણ મને નહોતી પડતી અને એની તપાસ કરવાની ઈચ્છા પણ નહોતી થતી. મને મારા મનની મદદથી નહિ પરંતુ હૃદયથી ભારતના મહાન કવિ અને યોગીમહાત્મા કબીરના શબ્દોનું રહસ્ય સમજાતું. મહાત્મા કબીરને એક વાર એમના શિષ્યોએ પ્રશ્ન કર્યો : ‘તમે આત્મિક જીવનનાં રહસ્યોની માહિતી કેવી રીતે ધરાવો છો ? અને માનવજીવનના ધ્યેયને કેવી રીતે જાણી શકાય ?’
કબીરે ભાવવશ બનીને ઉત્તર આપ્યો : ‘સૂર્યને કોઈક અંધ માણસ જુએ કે ના જુએ તો પણ તે સદા પ્રકાશ છે. એવી રીતે સત્યને જાણવામાં આવે કે ના આવે તો પણ એનું અસ્તિત્વ હોય છે જ. તમે જે તથ્યો વિશે પૂછો છો તેના સંબંધી હું જાણું છું કે નથી જાણતો એ એટલું અગત્યનું નથી. અગત્યની વાત તો એ છે કે એ બધું જાણે છે, સર્વકાંઈ જાણે છે.
રમણ મહર્ષિની જીવનકથામાંથી મને જણાયું કે કબીરના જીવને એમના ધ્યાનને એમની વિદ્યાર્થી અવસ્થામાંથી જ આકર્ષિત કરેલું. ચૌદેક વરસની એ ઉંમરે એ બીજા કોઈ ધર્મગ્રંથના પરિચયમાં નહોતા આવ્યા.
મહર્ષિથી છૂટા પડવાના વિચારથી મને થોડાક વખત પહેલાં જે દુઃખ થતું હતું તે હવે દૂર થયું. એમના કેટલાક શબ્દો મને બહારથી નહિ પરંતુ મારી પોતાની અંદરથી સંભળાઈને માર્ગદર્શન આપવા લાગ્યા. મને જે મહામૂલ્યવાન મદદ આપવામાં આવી અને જે મંગલ મહાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું એને માટેની મારી કૃતજ્ઞતાની અભિવ્યક્તિ હું કેવી રીતે કરું ? મને મહર્ષિ જાણે કે મૂક રીતે કહેવા માંડ્યા : ‘તમને આવો વિચાર શા માટે આવે છે ? દુન્યવી માતાપિતાઓ પોતાના સંતાનો પ્રત્યે જે પ્રેમ બતાવે છે અને એમની સંભાળ રાખે છે એના બદલામાં આભારદર્શનની ઈચ્છા રાખે છે ?’
ભૌતિક રીતે માનવીય રૂપો લેનારા ચૈતન્યના ચમકારાઓના આત્મિક ગૂઢ સંબંધો વિશે જગતના લોકો નથી જાણતા. એ લોકો એમની બુદ્ધિમાં ના ઊતરે કે એમના સ્થૂળ માપમાં બંધ ના બેસે એવી વસ્તુઓ પ્રત્યે હસવાના પણ ખરા. એવા લોકોને માટેની મારી પ્રતિક્રિયા થોડાંક વરસો પહેલાં ટીકાની કે વિદ્રોહની હોત. પરંતુ આજે એ પ્રતિક્રિયા શાંતિની છે. એ પ્રતિક્રિયા મને શીખવે છે કે સૌની અંદર ઈશ્વરનો વાસ છે. જે સદા નિત્યમાં - પરમાત્માની પરમચેતનામાં વસે છે તેને ભેદભાવ, ભય, દ્વેષ કે અંધકાર ક્યાંથી હોય ?
*
રમણ મહર્ષિ એમને માટેના અભિનવ ઉપચારથી ખૂબ જ કમજોર બની ગયા હતા. એથી છેલ્લા થોડાક દિવસથી અમને હૉલમાં એમની આગળ પહેલાંની પેઠે ધ્યાન કરવાની અનુમતિ આપવામાં નહોતી આવી. અમે કેવળ એક દ્વારમાંથી પ્રવેશ કરતા, એમને પ્રણામ કરતા, અને બીજા દ્વારમાંથી બહાર નીકળતા. આશ્રમમાં થોડા વખતે માટે આવનારા દર્શનાર્થીઓ અને આશ્રમના અન્ય સાધકોને માટે એવો ક્રમ ચાલુ રહેતો.
એક દિવસ બપોરે મહર્ષિની પાસે એમના બે પરિચારકોમાંનો એક પરિચારક હાજર હતો ત્યારે હું એમનાં ક્ષણ વારનાં પણ દર્શનને માટે એમની પાસે પહોંચ્યો. મારા સાધનાત્મક પ્રયત્નો અને એ પ્રયત્નોના પરિણામે મારી અંદર જે સતત પરિવર્તન આવેલું એને માટે એમનું સમર્થન મેળવવાની મારી ઈચ્છા હતી. મારું અંતર મને કહી રહેલું કે એમના કરતાં કોઈ વધારે સારા સુયોગ્ય સત્પુરુષના શુભાશીર્વાદ મને કદાપિ નહિ મળી શકે.
આપણા સામાન્ય જીવનમાં આપણામાંના કેટલા એવો દાવો કરી શકે કે એમને એવો વિશ્વાસુ, સાચો સન્મિત્ર મળ્યો છે જેની આગળ એ પોતાના દિલને ખોલી શકે અને એની સાથે આત્માની એકતાને સ્થાપી તથા અનુભવી શકે ? આપણે મોટે ભાગે બીજાને આપણી ઉજળી કે ઉત્તમ બાજુ બતાવવા ટેવાયેલા છીએ. સદગુરુ મળે તો પણ એમની આગળ આપણી જાતને નિખાલસપણે ખુલ્લી કરવામાં આપણને સદા મુશ્કેલી પડે છે. એટલે તો રમણ મહર્ષિના આશ્રમની મુલાકાત લેનારા હજારો માનવોમાંથી ઘણાં જ ઓછા માનવોએ એમનો સાચા અર્થમાં લાભ લીધો હશે. મહર્ષિની પાસે કેટલાક લોકો આવતા તે એમના પરંપરાગત પૂર્વગ્રહો, વિચારો અને માન્ય સિદ્ધાંતોને લઈને આવતા. એવા લોકો જ્યારે મહર્ષિને જોતા ત્યારે એમની દૃષ્ટિથી જોઈને એમને યોગી, સંત કે મહાત્મા તરીકે ઓળખાવતા. એમનામાંના કેટલાક એવું પણ કહેતા કે ‘એ એક સંતપુરુષ જરૂર છે, પરંતુ દુનિયામાં બુદ્ધ ને ઈશુ જેવા એમનાથી પણ મહાન સંતો થઈ ગયા છે. એમનાં વ્યક્તિત્વો તદ્દન જુદાં જ તરી આવતાં. એમના ઉપદેશો આપણને વારસામાં મળેલા છે. એમની મહાનતાનો કોઈ ઈન્કાર ના કરી શકે.’ બીજા કેટલાક એવું પણ કહેતા કે ‘હિમાલયના દૂરના પ્રદેશમાં ચમત્કારો કરનારા, સિદ્ધિઓવાળા, પ્રકૃતિના સ્વામી જેવા, હજારો વરસોની ઉંમરના યોગીઓ વસે છે. એ યોગીઓ મહર્ષિ જેવા કે મહર્ષિ કરતાં મોટા નથી ?’
એવા લોકો મહર્ષિ જેવા જીવતાજાગતા મહાપુરુષનો લાભ લેવાને બદલે જે સહેલાઈથી ઉપલબ્ધ નથી હોતા એવા દૂરના મહાત્માઓને મળવાનાં સ્વપ્નાં સેવે છે. એવા માનવોએ ક્રાઈસ્ટના પેલા શબ્દોને યાદ રાખવાના છે કે ‘આંખ હોવા છતાં તમે જોતા નથી, અને કાન હોવા છતાં સાંભળતા નથી.’
એ માનવો બીજા મહાપુરુષોને મળ્યા નથી હોતા. એમના વિશે કોઈની પાસેથી સાંભળીને કે કોઈનું લખાણ વાંચીને જ એ અમુક અનુભવ વિનાના અભિપ્રાય પર પહોંચ્યા હોય છે. છતાં પણ આપણા જમાનાને માટે જરૂરી પ્રકાશ પહોંચાડનારા રમણ મહર્ષિ જેવા જીવંત મહાપુરુષનો લાભ નથી લેતા. મહર્ષિને કોઈક વાર મળવાનું થતાં, એમના પ્રભાવને સહી ના શકવાથી, અથવા કોઈક અસાધારણ ચમત્કારની ચાહના પૂરી ના થવાથી, સંતોષ નથી પામતા.
દુન્યવી લોકો સમક્ષ જે ચમત્કારો કોઈક જ વાર કરવામાં આવે છે તે બધા નિરર્થક નથી ? એ ચમત્કારો કોઇક જ વાર કરવામાં આવે છે અને એ પણ વિશિષ્ટ સંજોગોમાં, એનું કારણ મને એ લાગે છે કે એના પરિણામરૂપે કાંઈક ચોક્કસ સારું થવાનું હોય છે તો પ્રારબ્ધયોગે એ થયા કરે છે.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)