if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

‘સૌથી પ્રથમ ઈશ્વરના સામ્રાજયની અને ઈશ્વરના સદાચારની શોધ કરો, અને બીજી બધી જ વસ્તુઓ આપોઆપ આવી મળશે.’

આ વાક્ય આપણા જગતના ભાગ્યને જાણવા માટે ગુરુકૂંચીનું કામ કરે તેવું છે. જે પ્રકાશની શોધ કરે છે તેને પ્રારબ્ધ છોડતું નથી. એનો અર્થ એવો નથી થતો કે આધ્યાત્મિક સાધનાથી સાંસારિક સંપત્તિ સાંપડે છે. સાંસારિક સંપત્તિ મેળવવાની ઈચ્છા આધ્યાત્મિક માર્ગે વળેલા સાચા સાધકને થતી નથી. સાચો સાધક અપરિગ્રહમાં માનતો હોય છે એટલે પોતાના જીવનની આવશ્યકતાઓને ઓછી કરે છે. સાધક સંસારના જે પ્રદેશમાં રહેતો હોય તે પ્રદેશની પરિસ્થિતિ તથા આબોહવાને અનુસરીને એના જીવનની આવશ્યકતાઓમાં ફેર પડે છે. રમણ મહર્ષિએ પોતાનું સમગ્ર જીવન એકમાત્ર કમંડળ અને લાકડીના આધારે જ પસાર કરેલું. દક્ષિણ ભારતની આબોહવામાં સાધારણ કટિવસ્ત્રથી અથવા કૌપિનથી સહેલાઈથી ચલાવી શકાય પરંતુ જ્યાં વધારે ઠંડી પડતી હોય એવા હિમપ્રદેશોમાં વધારે વસ્ત્રોની આવશ્યકતા પડે એ સમજી શકાય તેવું છે. ઋતુના જુદા જુદા પરિવર્તનોની સામે કેવળ આપણી ચામડીનું જ રક્ષણ પૂરતું થઈ શકે નહિ.

વધારે વસ્ત્રોની અને અનુકૂળ આશ્રયસ્થાનની આવશ્યકતા રહે જ. ઠંડા દેશોમાં એવી આવશ્યકતા અનિવાર્ય બને એટલે જીવનની ભૌતિક બાજુનું વિશેષ ધ્યાન રાખવું પડે એ સ્વાભાવિક છે; એટલા માટે અરુણાચલના મહાત્મા પુરુષ કરતાં આપણી આવશ્યકતાઓ થોડીક વધારે હોય અને આપણે થોડો વધારે સંગ્રહ કરવો પડે તો તેમાં અપરાધ જેવું કાંઈ નથી. મુખ્ય સમસ્યા સંગ્રહની નથી પરંતુ એ તરફના આપણા દૃષ્ટિકોણ છે. ભૌતિક રીતે એ સંગ્રહને અનિવાર્ય માનીએ તો આપણી અંદર રહેલા સ્વર્ગના સામ્રાજ્યને મેળવવામાં એ અંતરાયરૂપ નહિ બને.

પરંતુ આપણે જો ઈન્દ્રિયોના એક વિષય તરફથી બીજા વિષય તરફ વિહાર કર્યા કરીશું, જુદા જુદા પદાર્થોની પ્રાપ્તિને આપણા જીવનનું મુખ્ય ધ્યેય માનીશું અને જીવનના મૂળભૂત ધ્યેયનું વિસ્મરણ કરીશું તો આપણે સત્યની શોધમાં આગળ વધી નહિ શકીએ, આત્માનો સાક્ષાત્કાર નહિ કરી શકીએ અને અનેક પ્રકારનાં સંકટોના શિકાર બનીશું એ નક્કી છે.

આપણે જો આપણી આજુબાજુના જગતનું નિરીક્ષણ કરીએ તો જણાય છે કે મોટા ભાગના માનવો દુન્યવી પદાર્થોની પ્રાપ્તિની લાલસાથી શ્વાસ લે છે અને એનાથી આગળનું કશું જોઈ શકતા નથી. એમને એમની વાસનાઓ અને લાલસાઓના પ્રમાણમાં ભાગ્ય ખૂબ જ ઓછું આપે છે. પરિગ્રહવૃત્તિ વધે છે ત્યારે એની તૃપ્તિ માટે આપણે બીજા નબળા માનવો તથા રાષ્ટ્રો તરફ વળીએ છીએ. એના પરિણામે હિંસા અને કુકર્મનાં નવાં ચક્રો ગતિમાન થાય છે તથા ભયંકર કષ્ટોમાંથી પસાર થવું પડે છે.

આપણી અંદર પડેલા અનિષ્ટોના પ્રત્યાઘાતરૂપે જુદા જુદા કષ્ટોમાંથી પસાર થવું પડે છે. સદભાગ્યનો સૂર્યોદય થાય છે ત્યારે આપણને અધઃપતનની ગર્તામાંથી ઉપર ઊઠીને આત્મવિકાસના માર્ગે આગળ વધવાનું મન થાય છે. એ વખતે સત્યની શોધ શરૂ થાય છે. જ્યારે સમય પાકે છે ત્યારે આપણને એક એવા મહાપુરુષનો મેળાપ થાય છે જેણે જીવનવિકાસનાં સઘળાં શિખરો સર કર્યા હોય છે અને અનુભૂતિ તથા ડહાપણની પ્રાપ્તિ કરી હોય છે. એ મહાપુરુષને ગુરુનું સાંકેતિક નામ આપવામાં આવે છે. એનો અર્થ અંધકારમાંથી પ્રકાશમાં પહોંચાડનાર થાય છે. એમની પાસે પહોંચનાર એમની કૃપાના ભાગી બને છે. એ અવસર જીવનવિકાસનો મહાન અવસર હોય છે અને એક મોટી જવાબદારી પણ. એવા સદગુરુના લાભથી વંચિત રહેવું એના જેવી ભૂલ બીજી કોઈ પણ નથી એવું ધર્મશાસ્ત્રોને જાણનારા તથા માનનારા સર્વ સંમતિથી કહી બતાવે છે.

રમણ મહર્ષિની સંનિધિમાં કેટલાક વિચિત્ર બનાવો પણ બનતા. પરમાત્માપ્રાપ્ત મહાપુરુષની શક્તિનાં અજ્ઞાત આંદોલનોને જીરવવાનું કાર્ય સૌને માટે સરળ નથી હોતું. કેટલાકને એ શક્તિનો જોઈએ એટલો લાભ નહોતો મળતો તો બીજા કેટલાકને એ મહાપુરુષની ઉપસ્થિતિમાં અસાધારણ મદદ મળતી. જે એમના સદુપદેશોને સારી પેઠે સમજતા અને એમના અર્થને જીવનમાં ઉતારવાની કોશિશ કરતા એમને વિશેષ લાભ થતો. મહર્ષિના શબ્દો ઉપર ઉપરથી ઘણા સાદા હોવા છતાં ઊંડા ભાવાર્થથી ભરપૂર દેખાતા કેમ કે એ શબ્દો આત્માની અલૌકિક અનુભૂતિમાંથી ઊતરી આવેલા. રમણ મહર્ષિ કહેતા કે આત્મા સદાય અને સર્વત્ર હાજર છે. એ આપણી અંદર પણ વિરાજમાન છે. પરંતુ અજ્ઞાનને લીધે આપણને એનો અનુભવ થઈ શકતો નથી. એ જણાવતા કે અજ્ઞાનના આવરણને દૂર કરવું આવશ્યક છે. એ આવરણ દૂર થતાં પરમ પ્રકાશ પોતાની મેળે પ્રગટ બનીને તમારા સમસ્ત વ્યક્તિત્વમાં ફરી વળશે. તે પછીથી તમારે તેની શોધ બહારની દુનિયામાં નહિ કરવી પડે.

સ્વર્ગનું સામ્રાજ્ય આપણી અંદર રહેલું છે તો પણ આપણને એનું સ્મરણ રહેતું નથી. આજની માનવજાતિની એ સૌથી મહાન કરુણતા છે. એથી વિશેષ આશ્ચર્ય બીજું એકેય નથી.

- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.