મારા થિયોસૉફીકલ સોસાયટી સાથેના સંબંધ દરમિયાન એમના સાહિત્યના વાચનથી મને ધ્યાનની કેટલીક પદ્ધતિઓની માહિતી મળી. વર્ષો પછી મને સમજાયું કે એ પદ્ધતિ શરૂઆતના સાધકો માટે જ હતી. રમણ મહર્ષિની સંનિધિમાં ધ્યાનની જે ઊંચામાં ઊંચી પ્રક્રિયાની પ્રાપ્તિ થાય છે, તે પ્રક્રિયા દ્વારા આત્મિક ચેતનાની જાગૃતિ સહેલાઈથી થઈ શકે છે.
થિયોસૉફીના ધ્યાનની પદ્ધતિનો હેતુ મનને વિચારની કેટલીક પસંદ કરેલી નહેરો તરફ વાળવાનો હોય છે. એ પદ્ધતિ પ્રમાણે સૌંદર્ય, પ્રેમ, પવિત્રતા, પ્રજ્ઞા, ભક્તિ, ઈશ્વર અને સંસારના નિયંતા જેવા વિષયોનું ધ્યાન કરવું પડતું. એ પ્રક્રિયાઓથી કેટલીક મદદ મળતી ખરી. માણસ જેવો હોય છે તેવું જ વિચારે છે એ હકીકત જાણીતી છે. જો એ સારા વિચારો કરે તો ઉદાત્ત બની શકે છે અને ખરાબ વિચારોને સેવે તો પોતાના અધઃપતનને નોતરે છે.
રમણ મહર્ષિ ધ્યાનની આવશ્યક્તા પર સદાય ભાર મૂકતા પરંતુ સાચા ધ્યાનનો અર્થ એ નીરવતા, શાંતિ અથવા તો પોતાની અંદર લીન થવું તેવો કરતા.
કોઈ માણસ પાણીમાં ડૂબી જાય તો તેને પાણીની સપાટી ઉપરનું કશું દેખાય નહિ. એની ઉપરની અને આજુબાજુની દુનિયા પર પડદો ફરી વળે. પાણીમાંથી બહાર આવ્યા પછી એને સમજાય છે કે પોતાની આજુબાજુની ક્ષિતિજો ઘણી વિશાળ છે અને પોતાનું અગાઉનું દર્શન તો ઘણું સીમિત હતું. સાધક પણ જ્યાં સુધી વિચારની દુનિયામાં ડૂબેલો હોય ત્યાં સુધી એની ચેતના સીમિત બની જાય છે અને સંપૂર્ણપણે કામ કરી શકતી નથી.
વિચારની પાછળ હંમેશા કોઈ ને કોઈ પદાર્થ હોવો જોઈએ. એ અવસ્થામાં અદ્વૈતને બદલે દ્વૈત રહેતું હોય છે એટલે વિચારનો આધાર લઈને ધ્યાન કરવાના માર્ગને આદર્શ માર્ગ ન કહી શકાય. ધ્યાન કરતાં કરતાં હું એક એવી ભૂમિકા ઉપર પહોંચ્યો જ્યારે મારી જાતને વિચારથી અલગ અનુભવવા માંડ્યો.
પરંતુ મનથી ઉપરના પ્રદેશમાં પહોંચાડનારા એ ધ્યાનની અવસ્થામાં કેવી રીતે પહોંચી શકાય ? સૌથી પ્રથમ તો સર્વ પ્રકારના વિચારોને બંધ કરતાં શીખવું જોઈએ. વિચારની પ્રક્રિયાનો રસ ધીરે ધીરે ઓછો થવા માંડતાં મનને શાંત કરવાનું સહજ બને છે.
બીજી વાત એ છે કે મન શાંત બને છે ત્યારે જે સંપૂર્ણ છે તેની સાથે એક થવાની લાગણી બળવાન બને છે પરંતુ સંપૂર્ણ ખરેખર શું છે તે સમજાતું ન હોવાથી હું એકલો તેને મેળવી શકીશ કે કેમ એ સવાલ છે. ધ્યાનની એ અવસ્થામાં માનવ જ્યાં હોય છે ત્યાં જ રહે છે. છતાં પણ પહેલાં જેવો હોય છે તેવો રહેતો નથી.
ત્રીજી અવસ્થામાં જે સંપૂર્ણ છે તેની સાથે એકતા સધાતાં અખંડ વિશ્વાસ બંધાય છે કે એ અવસ્થા જ સાચી અને કાયમી છે. એનાથી આગળ બીજું કશું જ નથી. એ અવસ્થામાં સાધક દેશ તથા કાળની સીમાઓથી પર થઈ જાય છે.
એ અસાધારણ અનુભવની અભિવ્યક્તિ વાણી દ્વારા કરવાનું શક્ય નથી હોતું. વાણી દ્વારા એ અનુભવને વર્ણવવામાં આવે તો કેટલીક વાર ગેરસમજ થવાનો સંભવ રહે છે. વળી સૌ કોઈ એક જ સાધનનો આધાર લઈને આગળ વધે અને એક જ પ્રકારના અનુભવોમાંથી પસાર થાય એવું પણ નથી બનતું.
રમણ મહર્ષિ કહેતા કે આત્મવિચારનો આધાર લઈને ‘હું કોણ છું.’ એ પ્રશ્નનો પ્રત્યુત્તર પ્રાપ્ત કરો એટલે મન શાંત બની જશે, પ્રત્યુત્તર પોતાની મેળે જ પ્રાપ્ત થશે અને જણાશે કે તમે ખરેખર કોણ છો.
એ પછી જે કાંઈ પરિણામ પેદા થાય છે તે અવર્ણનીય હોય છે.
આત્મવિચારના આ અલૌકિક અમોઘ ઔષધને માનવજાતિના મંગળને માટે પ્રદાન કરીને રમણ મહર્ષિએ એની અમુલખ સેવા કરી છે. એ સેવા સદાને માટે અવિસ્મરણીય રહેશે.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)