ધનુષકોટી એક્સપ્રેસ મને દક્ષિણ તરફ લઈ જવા માંડ્યો. મારા ડબામાં મારા સહપ્રવાસી તરીકે ન્યુ દિલ્હીના વૈજ્ઞાનિક પ્રતિનિધિ મંડળના સદસ્યો અથવા ત્રણ ભારતીય વૈજ્ઞાનિકો હતા. એમનામાંના બે લંડન અને એક સ્વિટ્ઝરલેન્ડ જઈ રહેલા. છેલ્લા સદગૃહસ્થે કેટલાંક અંગ્રેજી પુસ્તકો લખેલાં. એ એક સંસ્કારી ડૉક્ટર હતા. એમણે મને યુરોપની આબોહવા વિશે પૂછી જોયું તો મેં જણાવ્યું કે ત્યાં નવેમ્બર મહિનામાં ઘણી વધારે ઠંડી પડે છે. ભારતમાં તો એટલી બધી ગરમી પડતી હતી કે જેની કલ્પના પણ ના કરી શકાય. ટ્રેનના ડબામાં રાતદિવસ એકધારા ફરી રહેલા બે પંખા કોઈ પ્રકારની રાહત આપી શકતા ન હતા. ચારે તરફ અગ્નિની જવાળાઓ સળગતી હોય તેવું લાગતું.
છેવટે અમે શ્રીલંકા જવાની નાવ પકડી. ટ્રેનમાં એક રાત વધારે ગાળીને અમે કોલંબો પહોંચ્યા. પેલા ડૉક્ટરે મારી વિદાય લીધી. મારે કોલંબોમાં બે દિવસ રોકાવાનું હતું. રમણ મહર્ષિના એક પરમ પ્રશંસક અને ભક્ત મને પોતાને બંગલે લઈ ગયા. ત્યાં જઈને મેં સ્નાનાદિથી નિવૃત્ત થઈને ભારતીય પોશાક પહેરીને, ઓસરીમાં આવીને ત્યાં ભેગા થયેલા મહર્ષિના ભક્તો સાથે વાતચીત કરવા માંડી. એમાંના મોટા ભાગના ભક્તો મહર્ષિના આશ્રમમાં જઈ આવેલા. એમની વાણીમાંથી મહર્ષિ માટેની પ્રખર પ્રીતિ તથા પૂજ્ય ભાવના પ્રગટતી. ભારતની પ્રજામાં પોતાના ગુરુજનોને માટે એવી પ્રીતિ અને પૂજ્ય ભાવનાનું પ્રગટીકરણ તેમજ પ્રદર્શન સહજ હોય છે જે પશ્ચિમની પ્રજામાં એટલા પ્રમાણમાં અને એટલી સહજ રીતે નથી મળતું.
અમે રમણ મહર્ષિ સાથેના સામાન્ય પ્રેમ અને પૂજ્ય ભાવથી બંધાયેલા. અમને એમની અંદર એક એવા મહાપુરુષનું દર્શન થતું જે અમારી યોગ્યતાના પ્રમાણમાં અમને સત્યના સાક્ષાત્કારના કલ્યાણકાર્યમાં મદદ કરતા.
અમે મહર્ષિ સાથેના અમારા અનુભવોની આપ-લે કરવા માંડી. વાતચીત કરતી વખતે વચ્ચે વચ્ચે અટકી પડીને અમે મહર્ષિની માનસિક સ્મૃતિ કરીને એ સ્મૃતિપ્રવાહમાં પેદા થનારા આધ્યાત્મિક આંદોલનોનો આનંદ લેતા. એવી ક્ષણોમાં અમે યુગોથી મિત્રો હોઈએ તેમ, એકમેકને વધારે સારી રીતે સમજી શકતા. એ સમયની શાંતિ અદભુત હતી.
મારા યજમાન મને એમના પૂજાખંડમાં લઈ ગયા. એ ખંડની દીવાલો પર ભારતના જુદા જુદા સંતપુરુષોનાં ચિત્રો લટકતાં. એ ઉપરાંત એમાં કેટલાક મંત્રો પણ લખેલાં. ત્યાં એક દીપક પ્રકાશતો હતો અને થોડીક અગરબત્તીઓ સળગી રહેલી.
અમે જમીન પર પાથરેલી ચટાઈ પર પલાંઠી વાળીને બેસી ગયા. એ પછી વેદમંત્રોનો ઉદઘોષ થયો. મેં મનોમન પ્રાર્થના કરી કે અગરબત્તીઓના આ સુવાસિત ધૂમ્રસમૂહની પેઠે અમારું ધ્યાન શોક તથા મોહમાંથી મુક્તિ મેળવીને પવિત્ર પ્રદેશમાં પ્રવેશ કરો.
અમે શાંતિમાં ડૂબવા લાગ્યા.
મારી આજુબાજુના સૌએ આંખ બંધ કરીને ધ્યાન કરવા માંડ્યું. હું પણ તેમ કરવા લાગ્યો. જો કે છેલ્લે છેલ્લે મને સમજાયેલું કે મન એકાગ્ર થયા પછી આંખ ઊઘાડી હોય છે તો પણ કશું જોતી નથી.
થોડાક વખત પછી મારા અંતરમાંથી એકાએક લાગણી થઈ કે ધ્યાનની પરિસમાપ્તિનો સમય થઈ ગયો છે. મેં મારી આંખ ઊઘાડી.
અમે ભોજનવિધિથી પરવારીને રાતે વિશ્રાંતિ માટે છૂટા પડ્યા.
બીજે દિવસે સાંજે મેં સ્ટીમર દ્વારા કોલંબોની વિદાય લીધી. ઊંચામાં ઊંચા ડેક પર ચઢીને મેં કોલંબોની અસંખ્ય મંદ બત્તીઓ પર છેવટની દૃષ્ટિ નાખી લીધી. એ દૃશ્ય અદભુત હતું.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)