માનવીને ને માનવસમાજને સુખશાંતિ ને સમૃદ્ધિથી સંપન્ન કરવામાં વૈજ્ઞાનિક અન્વેષણોનો ફાળો પણ મહત્વનો ને મોટો છે. એની અવહેલના અસ્થાને છે. વિજ્ઞાને એક પૂરક અપરિહાર્ય બળ બનીને સમાજનું શ્રેય પણ સાધ્યું છે એ સાચું છે; પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એ માનવના મનને મધુમય કરી, આત્માને ઉદાત્ત બનાવી, સંપૂર્ણ શાશ્વત સુખશાંતિની સ્વાનુભૂતિ નથી કરાવી શકતું. માનવજીવનને સાંસારિક રીતે સમૃદ્ધ કરવાની સાથેસાથે આત્મિક રીતે અલંકૃત નથી કરી શકતું. એની એ એક ચોક્કસ મર્યાદા છે. એનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો નથી. એટલે તો વૈજ્ઞાનિક સગવડોની ને સાધનોની વચ્ચે વસનારા માનવનું મન અસ્વસ્થ અને અશાંત દેખાય છે. એનો અંતરાત્મા સદા ને સર્વસ્થળે પરિશુદ્ધ કે પરિષ્કૃત નથી લાગતો. એની અંદર વિકાર છે, વાસના છે, અશુદ્ધિ છે, અસ્વસ્થતા અથવા અશાંતિ છે. એનો અંતરાત્મા કૃતાર્થતાનું કલ્યાણકારક ગીત નથી ગાઈ શકતો. ધર્મ, સાધના, અધ્યાત્મ અથવા તત્વજ્ઞાનને નામે જે વિજ્ઞાનનો કે વૈજ્ઞાનિક સંશોધનોનો તિરસ્કાર કરે છે તે ભૂલ કરે છે પરંતુ એની સીમાને નથી સમજતા તે પણ એવી જ ભૂલ કરે છે એ ખાસ યાદ રાખવાનું છે.
નીતિ ને સદાચારની પ્રતિષ્ઠાની, નીતિ તથા સદાચારની મર્યાદા વચ્ચે રહીને જીવન જીવવાથી, અથવા દૈવી સંપત્તિની પ્રાપ્તિથી પણ શાંતિની અનુભૂતિ થઈ શકે છે પરંતુ આંશિક રીતે. એ શાંતિને સંપૂર્ણ ને શાશ્વત શાંતિ ન કહી શકાય. તોપણ એ શાંતિની શક્તિ બીજી શાંતિની શક્તિ કરતાં સવિશેષ છે અથવા હોય છે એમાં શંકા નથી.
શાંતિના આત્મનિર્ભર અને પરનિર્ભર દ્વિવિધ પ્રકાર પાડી શકાય. આત્મનિર્ભર શાંતિનો આવિર્ભાવ કોઈ પણ બાહ્ય સાધનોની અપેક્ષા વિના માનવની પોતાની અંદરથી જ, આત્મવિકાસના સ્વાભાવિક ક્રમના પરિણામરૂપે થતો હોય છે. એ શાંતિનું ઉદ્ ભવસ્થાન માનવનો પોતાનો આત્મા હોય છે. બાહ્ય સાધનો, સુખોપભોગના પદાર્થો ને સાનુકૂળ સંજોગોનું અસ્તિત્વ હોય કે ન હોય તોપણ એનો પુનિત પ્રવાહ નિરંતર અસ્ખલિત રીતે એકધારો વહ્યા જ કરે છે. એ પ્રવાહની પ્રાપ્તિ કરનાર વિજનમાં હોય કે વસ્તીમાં, અનુકૂળ પરિસ્થિતિમાં હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અને સંપત્તિની વચ્ચે વસતો હોય કે વિપત્તિની વચ્ચે, તોપણ એનો અખંડ અનવરત આસ્વાદ મેળવે છે. એથી ઊલટું, પરનિર્ભર શાંતિને શરતી શાંતિ તરીકે ઓળખી શકાય, કારણ કે એમાં બાહ્ય સાધનો, સુખોપભોગના પદાર્થો અને સંજોગોની અનિવાર્ય આવશ્યકતા રહે છે. એ એની સંપ્રાપ્તિમાં અને સ્વાનુભૂતિમાં મહત્વનો ભાગ ભજવે છે. પરિસ્થિતિ પલટાય કે પ્રતિકૂળ થાય કે સાનુકૂળ સુખદ સાધનસામગ્રીનો હ્રાસ થાય એટલે એનો પણ હ્રાસ થાય છે. શાંતિ અશાંતિમાં પરિણમે છે, આનંદ-વિષાદમાં પલટાય છે, અને આખું ચિત્તતંત્ર કથળી જાય છે. એ શાંતિ ચાતુર્માસના આકાશમાં ચમકીને નિમિષમાત્રમાં અદ્રશ્ય થઈ જનારી ચપલાની પેઠે ચંચળ, પરિવર્તનશીલ અથવા ક્ષણભંગુર હોય છે. એ જીવનનું સદાનું સાર્થક્ય નથી સાધી શકતી. એવી શાંતિ કરતાં આત્મનિર્ભર શાંતિ શ્રેષ્ઠ ને સન્માનનીય છે એમાં શંકા નથી.
માનવ ભૌતિક જગતમાં જીવે છે અને શરીર, ઈન્દ્રિયો, મન તથા બુદ્ધિ ધરાવે છે એટલે એમની સ્વસ્થતા, સુદ્રઢતા ને શાંતિની ઉપેક્ષા કરવી બરાબર નથી. એમની પ્રત્યે આંખમીંચામણાં કરવાનો પાઠ આપણે નહિ પૂરો પાડી શકીએ. પરંતુ માનવની અંદર ચેતના અથવા આત્મા પણ છે અને એની પણ સુનિશ્ચિત સમસ્યાઓ છે. એ સમસ્યાઓને ઉકેલીને અને આત્માને ઓળખીને એણે આત્મિક શાંતિથી સંપન્ન બનવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. શાશ્વત શાંતિને મેળવવાનો એકમાત્ર માર્ગ એ જ છે. માનવીની પોતાની અંદર વિરાજેલા સર્વવ્યાપક પરમાત્મા પરમશાંતિસ્વરૂપ હોવાથી જેમજેમ એમના પ્રત્યે અભિમુખ થતા જવાશે અને એમની દિશામાં ઉત્તરોત્તર આગળ વધીને એમના અપરોક્ષ અનુભવને અથવા અનુભવને શક્ય કરાશે તેમતેમ શાશ્વત શાંતિ સહજ બનશે. ઉપનિષદે એ જ સંદર્ભમાં કહ્યું છે કે -
नित्यो नित्यानां चेतनश्चेतननामेको बहूनां यो विदधाति कामान् ।
तमामत्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ॥१३॥
'જે અનિત્ય પદાર્થોમાં નિત્ય અને ચેતનમાં પરમચૈતન્ય બનીને વાસ કરે છે અને એક હોવા છતાં અનેકની કામનાઓની પૂર્તિ કરે છે, તેનો જે ધીરપુરૂષો સાધના દ્વારા પોતાના હૃદયમાં સાક્ષાત્કાર કરી લે છે તેમને જ સનાતન શાંતિ સાંપડી શકે છે; બીજાને નથી સાંપડી શકતી.’
एको वशी सर्वभूतान्तरात्मा एकं रूपं बहुधा यः करोति ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥१२॥
'જે એક અથવા અનન્ય છે, સૌના શાસક તથા સર્વ ભૂતોના અંતરાત્મા છે, અને એક હોવા છતાં અનેકરૂપ બને છે, તેનું જે ધીરપુરૂષો સાધના દ્વારા પોતાના હૃદયમાં સાક્ષાત્કાર કરી લે છે તે જ શાશ્વત સુખના સ્વામી બની શકે છે; બીજા નથી બની શકતા.’
એનો ભાવાર્થ સ્પષ્ટ છે.
- શ્રી યોગેશ્વરજી