માનવ જ્યાં સુધી સુવિચારશીલ, સુશિક્ષિત ને સુસંસ્કારી નહોતો ત્યાં સુધી જેમ ફાવે તેમ જીવતો, વ્યવહાર કરતો, ભોગ ભોગવતો, ને ભૌતિક જગતને જ સર્વકાંઈ સમજતો. જીવનનો ને જગતનો વિચાર કરવાની વૃત્તિ તથા શક્તિ એની અંદર ન હતી. જગતમાં જન્મીને વિભિન્ન પ્રકારના વ્યવહારો કરતાં એક દિવસ એ અદ્રશ્ય થઈ જતો, એની આજુબાજુનાં માનવોને પણ મૃતાવસ્થાને પ્રાપ્ત થતાં નિહાળતો, તોપણ જીવન તથા મરણ વિશે, એમના રહસ્ય સંબંધી, ગંભીરતાથી ન વિચારતો. એવા વિચારની ઈચ્છા જ એની અંદર પેદા ન થતી. એ યંત્રની પેઠે કોઈ પણ પ્રકારના જીવનોપયોગી, જીવનોત્કર્ષમાં મદદરૂપ ધ્યેય વિના જીવતો રહેતો. એને ધર્મની, અધ્યાત્મની અથવા આદર્શ જીવનની કલ્પના અથવા તો અભીપ્સા નહોતી. વખતના વીતવા સાથે એ ક્રમેક્રમે સુવિચારશીલ, સુશિક્ષિત કે સુસંસ્કારી બનતો ગયો તેમતેમ એનામાં જીવન તથા જગત વિશે વિચારની પ્રેરણા પ્રાદુર્ભાવ પામતી ગઈ. જીવન શું છે ને શાને માટે છે, મરણ શું છે, એની પછી કશું શેષ રહે છે ખરું, જગત પોતાની મેળે જ પ્રાદુર્ભાવ પામે છે કે એના પ્રાદુર્ભાવ પાછળ મહત્વનો ભાગ ભજવનારી કોઈક ચેતના કે શક્તિ રહેલી છે અને રહેલી હોય તો એનું સ્વરૂપ કેવું છે, એવાએવા વૈવિધ્યપૂર્ણ વિચારો એની અંદર પેદા થવા લાગ્યા. એ વિચારોની સાથે એક અગત્યનો વિચાર એ પણ ઉત્પન્ન થયો કે મારું વાસ્તવિક સ્વરૂપ શું છે ? 'कोङहम्’ હું કોણ છું ? હું શરીર છું ? શરીર પૂરતો સીમિત કે મર્યાદિત છું ? શરીર જડ તત્વોનો કે પદાર્થોનો સમૂહ છે કે એની અંદર એનાથી અલગ એવી કોઈ ચેતના પણ રહેલી છે ? એ ચેતના સાથે મારો કોઈ સૂક્ષ્મ કે સ્થૂળ, સાધારણ અથવા અસાધારણ સંબંધ છે ખરો ?
ચિંતનમનનની પ્રક્રિયાનો લઈ શકાય એટલો આધાર લીધા પછી એને થયું કે એ પ્રક્રિયા પોતાના વાસ્તવિક સ્વરૂપની શોધ માટે પૂરતી નથી. એટલે એણે પોતાની અંદરની, દિલની દુનિયામાં ડૂબકી લગાવવાનો કે શોધ કરવાનો વિચાર કર્યો. એ શોધનો ને ડૂબકી લગાવવાની સાધનાત્મક પ્રક્રિયાનો એણે આરંભ કરી દીધો. પરંતુ એ પ્રક્રિયા કાંઈ એકાદ-બે દિવસમાં સંકલ્પ કરતાંવેંત જ પૂરી થાય એવી થોડી છે ? દિવસો, મહિના ને વરસોની એકધારી સતત સાધના પછી એ શોધ પૂરી થઈ. એને પોતાની અંદર રહેનારી જીવનના મૂલ્યધાર જેવી મૂળભૂત ચેતનાના સાક્ષાત્કારનો લાભ મળ્યો. એણે અનુભવ્યું કે એ પરમ, દેશકાલાતીત, અવિનાશી ચેતના જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. 'कोङहम्’ 'હું કોણ છું’ થી શરૂ થયેલી સાધના એવી રીતે 'હું તે છું’ 'પરમ સનાતન તત્વ કે ચેતના છું’ની અથવા 'सोङहम्’ ની સ્વાનુભૂતિ સુધી પહોંચીને પૂરી થઈ 'कोङहम्’ અને 'सोङहम्’ ની વચ્ચે એ પ્રમાણે સુદીર્ઘકાલીન સાધનાનો સતત સુવ્યવસ્થિત ઈતિહાસ પડેલો છે. એ બંને ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક સાધનાના સુંદર સનાતન સીમાસ્થંભો છે.
શ્રી આદ્ય શંકરાચાર્યે સ્વરૂપસાક્ષાત્કારની સ્વાનુભૂતિને વાચા આપવાનો પ્રયાસ કરતાં ને સફળ પ્રયાસ કરતાં કેટલી સરસ સારવાહી રીતે કહ્યું છે કે
मनोबुद्धहंकारचित्तानि नाहं न च श्रोत्रजिह् वे न च घ्राणनेत्रे ।
न च व्योमभूर्मिर्न तेजो न वायुश्चिदानंदरूपः शिवोङ हं शिवोङ हम् ॥
'હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, આંખ, કાન, જીભ કે નાસિકા નથી, વ્યોમ-પૃથ્વી-તેજ કે વાયુ નથી હું તો જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, કલ્યાણકારક કલ્યાણસ્વરૂપ પરમાત્મતત્વ છું’
अहं प्राणवर्गो न पंचानिला मे, न मे सप्तधातु न वा पंचकोशः ।
न वाक् पाणि पादौ न चोपस्थवायुश्चिदानंदरूपः शिवोङ हं शिवोङ हम् ॥
'હું પંચપ્રાણ, પંચકોશ તથા સપ્તધાતુ નથી, હાથ-પગ-વાણી-ઉપસ્થાદિ પણ નથી; જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, કલ્યાણસ્વરૂપ પરમાત્મતત્વ છું’
न मे द्वेषरागौ न मे लोभमोही, मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्षश्चिदानंदरूपः शिवोङ हं शिवोङ हम् ॥
'મને રાગદ્વેષ, લોભમોહ, મદ તેમ જ મત્સર નથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ નથી હું તો જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, કલ્યાણસ્વરૂપ પરમાત્મતત્વ છું’
न पुण्यं न पापं न सौख्यं न दुःखं, न मंत्रं न तीर्थ न वेदो न यज्ञः ।
अहं भोजन नैव भोज्यं न भोक्ता श्चिदानंदरूपः शिवोङ हं शिवोङ हम् ॥
'હું પુણ્યથી, પાપથી, સુખદુઃખથી, મંત્ર, વેદ તથા યજ્ઞથી મુક્ત છું, ભોજન, ભોજ્ય કે ભોક્તા નથી. સચ્ચિદાનંદસ્વરૂપ, કલ્યાણકારક પરમાત્મતત્વ છું’
न मे मृत्युशंका न मे जातिभेद पिता नैव मे नैव माता न धर्मः ।
न बंधर्नमित्रो गुरूनैव शिष्यश्चिदानंदरूपः शिवोङ हं शिवोङ हम् ॥
'મને મૃત્યુની ભીતિ નથી, જાતિભેદ નથી, પિતા-માતા, ધર્મ, બંધુ, મિત્ર, ગુરૂશિષ્ય કશું નથી હું તો સચ્ચિદાનંદસ્વરૂપ, કલ્યાણકારક પરમાત્મતત્વ છું’
अहं निर्विकारो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणि ।
सदामे समत्वं न मुक्तिर्न बंधश्चिदानंदरूपः शिवोङ हं शिवोङ हम् ॥
'હું નિર્વિકાર છું, નિરાકાર છું, સર્વવ્યાપક શ્રેષ્ઠ ને સર્વત્ર વિદ્યમાન છું. સદા સમતાથી સંપન્ન તથા વિષમતાથી, મુક્તિ ને બંધનથી મુક્ત છું. જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, કલ્યાણસ્વરૂપ પરમાત્મતત્વ છું’
પુરાતન કાળથી માંડીને અદ્યતન કાળ સુધીમાં માનવે ભાતભાતની શોધો કરી છે અને હજુ પણ એમની પરંપરા ચાલુ રહેશે એ નિર્વિવાદ છે. એ શોધોને માટે માનવ ગૌરવ લઈ શકે છે. એમાંની કેટલીય શોધો શકવર્તી છે; પરંતુ સૌથી મોટામાં મોટી શકવર્તી શોધ સ્વરૂપના સાક્ષાત્કારની અથવા 'सोङहम्’ ની શોધ છે. પોતાની તથા સૃષ્ટિની અંદર ને બહાર એ પરમાત્મતત્વનો પ્રાણદાયક પ્રકાશ પથરાયેલો છે એ સત્યની શોધ કરતાં વધારે મોટી, શ્રેષ્ઠ શોધ બીજી કોઈ જ નથી દેખાતી. જે દિવસે એ મહાન શોધ થઈ એ દિવસ સૌથી મહાન સ્વર્ણ દિવસ હતો એમાં સંદેહ નહિ. ધર્મ, સાધના, જ્ઞાન-વિજ્ઞાન અને અધ્યાત્મના ક્ષેત્રમાં એ દિવસે એક મહામૂલ્યવાન વિક્રમ નોંધાયો. માનવે બીજા કેટલાય વિક્રમો કર્યા છે પરંતુ એ વિક્રમ જેટલા અસાધારણ નથી કર્યા એવું મારું નમ્ર છતાં નિશ્ચિત મંતવ્ય છે. એ વિક્રમ માનવની વ્યક્તિગત તથા સમષ્ટિગત પ્રગતિની દ્રષ્ટિએ સૌથી વધારે મહત્વનો, મૂલ્યવાન ને કલ્યાણકારક છે. એણે માનવના અંતરાત્માને આજ સુધી પ્રેરણા પાઈ છે. ભવિષ્યમાં પણ એ પ્રેરણા પાયા કરશે.
સઘળા માનવો પોતાના વાસ્તવિક સ્વરૂપને નથી જાણતા. મોટા ભાગના માનવો ભ્રાંતિ સેવે છે. એ એને વિશે જુદું જ સમજે છે, ને બહારના માળખાને કે સ્થૂળ શરીરને પોતાનું સ્વરૂપ સમજે છે. ઉપરઉપરથી જોવાથી માનવ સ્થૂળ શરીરનો બનેલો દેખાય છે ખરો; પરંતુ માનવ એટલો જ નથી. એ બહારની માનવાકૃતિની અંદર માનવનું મન અથવા સંકલ્પો, ભાવો ને સંસ્કારોનો બનેલો સૂક્ષ્મ માનસિક માનવ છે. એની સાથે હૃદયગત ઊર્મિઓ કે લાગણીઓનો માનવ સંકળાયેલો છે. એને પ્રાણમય માનવ પણ કહી શકાય. પરંતુ માનવનું વ્યક્તિત્વ શું એટલાનું જ બનેલું છે ? શરીર, મન તથા પ્રાણાદિને પ્રેરણા પાનારી ને જીવન આપનારી એક અપાર્થિવ શાશ્વત પરમચેતના માનવની અંદર, એના અંતરના અંતરતમમાં અને અણુઅણુમાં અસ્તિત્વ ધરાવે છે અને એને ઓળખવાનું કાર્ય હજુ શેષ રહે છે. એ પરમચેતનાનો સાક્ષાત્કાર કરવાથી સમજાય છે કે એ સૌના મૂળમાં રહેલી છે. માનવનું મૂળભૂત સ્વરૂપ એ જ છે ને બીજાં તો એનાં અનેકવિધ આવરણો અથવા બાહ્ય શરીરો કે વસ્ત્રો છે. આવરણ કે વસ્ત્રને કાંઈ મૂળ માનવ ન કહી શકાય. એ વિકારવશ થાય ને બદલાયા કરે કે હ્રાસ ને નાશ પામે તોપણ માનવનું એ મૂળભૂત સ્વરૂપ નથી બદલાતું, વિકારવશ નથી થતું, ને હ્રાસ કે નાશ નથી પામતું. એ નિત્ય, સત્ય, સનાતન અને અવિનાશી હોય છે. શરીરનો કોઈ નાશ કરી નાખે તોપણ એનો નાશ નથી કરી શકાતો એ તો ખરું જ; પરંતુ એને કોઈ પણ પ્રકારની હાનિ પણ નથી પહોંચી શકતી. સાધના દ્વારા એ મૂળભૂત સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકાય છે. એવી રીતે માનવની પોતાના વાસ્તવિક વ્યક્તિત્વની શોધ પૂરી થાય છે ને જીવનની યાત્રા સફળ બને છે.
- શ્રી યોગેશ્વરજી