આપણે ત્યાં સાધનાને નામે જે પરંપરાગત પ્રક્રિયાઓ કે પ્રણાલી પ્રચલિત છે તે લગભગ સર્વવિદિત જેવી છે. એ પ્રક્રિયાઓમાં કેટલીક પ્રક્રિયાઓ કાંઈક કઠિન પણ હોય છે. ખાસ કરીને યોગાભ્યાસ સાથે સંબંધ ધરાવનારી આસન, ષ્ ટક્રિયા, ત્રાટક, પ્રાણાયામ, મુદ્રા, ધારણા, ધ્યાન તથા સમાધિની પ્રક્રિયાઓ. પ્રમાણમાં કઠિન કહેવાતા જ્ઞાનગ્રંથોનું અધ્યયન અથવા ચિંતનમનન પણ સૌને સારું ધાર્યા જેટલું સહેલું નથી હોતું. સુયોગ્ય સદ્ ગુરૂ અને મજબૂત મેધાશક્તિ સિવાય એમાં સહેલાઈથી સફળતા નથી સાંપડી શકતી. યજ્ઞયાગ અથવા તીર્થાટનના લાભ પણ સૌથી નથી લઈ શકાતા. એ સઘળી અને એવી બીજી સાધનાત્મક પ્રક્રિયાઓ આશીર્વાદરૂપ છે એમાં કોઈ પ્રકારની શંકા નથી તોપણ જે પોતાના એકધારા અનુષ્ઠાનથી સારું ને સંગીન ફળ આપે છે કે પરિણામ પેદા કરે છે એવી મૂળભૂત સર્વસામાન્ય વ્યાવહારિક સાધનાને જીવનમાં અનુસરવામાં આવે તો વ્યક્તિગત તેમ જ સમષ્ટિગત કલ્યાણ અને જીવનસાર્થક્ય શક્ય બને એ ચોક્કસ છે.
મોટી કે કષ્ટસાધ્ય મનાતી સાધનાઓને બદલે એ નાની છતાં મહત્વની વ્યાવહારિક સાધના પ્રત્યે પૂરતું લક્ષ આપવામાં આવે તો જીવન શાંત, સંવાદી ને સફળ બને. એ વ્યાવહારિક સાધનાની એક વિશિષ્ટતા એ છે કે એનું અનુષ્ઠાન આબાલવૃદ્ધ સૌ કોઈ ને સર્વ સ્થળે કરી શકે છે. એને માટે બાહ્ય ત્યાગ કરવાની અનિવાર્ય આવશ્યકતા નથી હોતી. પ્રત્યેક વ્યક્તિ ઘરમાં રહીને કે વનમાં, ત્યાગી કે સંસારી હોય તોપણ એનો આધાર લઈ શકે છે એ સાધના દેખાય છે સરળ; પરંતુ છે ખૂબ જ મંગલ, અમોઘ અને આશીર્વાદરૂપ. એની ઉપેક્ષા જ્ઞાત અથવા અજ્ઞાત રીતે સમાજમાં સવિશેષ થઈ છે. એથી અશાંતિ, અસ્થિરતા અને આપત્તિ વધી છે. એનો સમ્યક વિચાર કરવાથી એ વાત સહેલાઈથી સમજી શકાશે.
વ્યાવહારિક સાધનાનો પોતાની આગવી રીતે નિર્દેશ કરતાં કબીરે કહ્યું છે કે ઈશ્વર તો જડચેતનાત્મક સમસ્ત જગતમાં, મનુષ્યની અંદર અને બહાર, ઘટઘટમાં રમી રહ્યા છે. એમને શોધવા માટે બીજે ક્યાંય બહાર જવાની જરૂર નથી. મનુષ્ય જ્યાં પણ હોય ત્યાં રહીને કડવી વાણી ન બોલે, સૌની અંદર પરમાત્માનો પવિત્રતમ પ્રકાશ પેખવાનો ને સૌને પરમાત્માના પ્રતિનિધિ સમજવાનો પ્રયત્ન કરવાની સાથેસાથે સૌની સાથે સુમધુર ને સાચો વ્યવહાર કરે ને કોઈને વિચાર, વાણી કે વર્તનથી હાનિ ન પહોંચાડે તો પોતાને ને બીજાને ઉપયોગી થવાની સાથેસાથે પરમાત્માની પરમ કૃપાનો અનુભવ કરી શકે છે. 'ઘટઘટમેં સોઈ સાંઈ રમતા, કટુક વચન મત બોલ’
વાણીની અંદર ઘણી મોટી શક્તિ છે. વાણી તૂટેલાં અંતરને જોડવાનું ને જોડાયેલાં અંતરને તોડવાનું બંને પ્રકારનું કામ કરે છે. ઘરમાં ને ઘરની બહાર વાણીનો પ્રભાવ જાણીતો છે. ઘરની અને બહારની સ્થિરતા, શાંતિ, સંવાદિતા ને સુમધુરતા સારુ વાણીનો સદુપયોગ ખૂબ જ જરૂરી છે. કેટલાય માનવો એ સાધનાની સિદ્ધિમાં સફળ નથી થઈ શકતા. એમની વાણી બીજાના હૃદયને બાણની પેઠે ઘાયલ કરે એવી કઠોર હોય છે. એવી વાણીવાળા માનવો જ્યાં વસે છે ત્યાં બધે જ અશાંતિ પેદા કરે છે અથવા ઉલ્કાપાત મચાવે છે અને અળખામણા થઈ પડે છે. વાણીની સાધના પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહેવામાં આવ્યું છે કે સત્ય બોલવું, પ્રિય બોલવું, ને સત્ય હોય તે પણ અપ્રિય લાગે એવી રીતે ન બોલવું सत्यं ब्रूयात्, प्रियं ब्रूयात्, मा ब्रूयात्सत्यमप्रियम् । ગીતા પણ કહે છે કે अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।
આવશ્યકતા છે એ સીધા, સરળ, સચોટ, સારવાહી સંદેશને જીવનમાં ઉતારવાની. કોઈપણ સર્વોત્તમ શુભ સંદેશને જીવનમાં ઉતારવાનો આનંદ ખરેખર અનેરો છે. એને જીવનમાં ઉતારવામાં આવે છે કે ઉતારવાનો પ્રામાણિક પ્રયત્ન થાય છે ત્યારે જ એ સાર્થક ઠરે છે.
બોલવાની જેમ ચાલવાની પણ સાધના છે. કેટલાક લોકો ચાલે છે ખરા પરંતુ સંભાળપૂર્વક સાચવીને નથી ચાલતા. વેદ તો કહે છે કે જે પણ પગલું ભરવામાં આવે તે દ્રષ્ટિથી પવિત્ર કરીને, જોઈ-વિચારીને ભરવું જોઈએ. द्रष्टिपूतं न्यसेत् पादम । મોટાં શહેરોમાં ટ્રાફિક ઘણો વધારે હોય છે ત્યાં રસ્તો ઓળંગતી વખતે કેટલું બધું ધ્યાન રાખવું પડે છે ? વાહનોની અવરજવરનો બરાબર ખ્યાલ રાખીને જ જે દિશામાં ભરવું હોય છે તે દિશામાં પગલું ભરવું પડે છે. તેવું ન કરવામાં આવતાં જોખમ ઊભું થાય છે અથવા અકસ્માત પણ થઈ જાય છે. મોટરોના ડ્રાઈવરોને પણ કેટલા બધા ચોક્કસ અને સજાગ રહેવું પડે છે ? મોટર ચલાવવામાં એ સહેજ પણ પ્રમાદ સેવે, ગાફેલ બને અથવા ભૂલ કરી બેસે તો તેમના ને બીજાના જીવનને મુસીબતમાં મૂકી દે. જીવનના આ જટિલ રળિયામણા રસવંતા રાજમાર્ગ પરથી પસાર થતી વખતે પણ એવું જ, કહો કે એથી પણ વધારે ધ્યાન રાખવાનું છે. પ્રમાદી કે ગાફેલ નથી થવાનું. ભૂલનો ભોગ પણ નથી બનવાનું. નિરંતર નજર સમક્ષ રાખીને એની પ્રાપ્તિના પરિપ્રયત્નોમાં ચોક્કસ રીતે આગળ વધવાનું છે. માર્ગમાં આવતી ભુલભુલામણીઓમાં ભમવાનું કે ભ્રમિત થઈને ભૂલા નથી પડવાનું. વિપથગામી નથી થવાનું, માર્ગમાં મળતાં પ્રલોભનોના શિકાર નથી બનવાનું ને ભાતભાતનાં ભયસ્થાનોથી ભયભીત થઈને આગળ વધતાં અધવચ્ચે જ અટકી નથી પડવાનું. જીવનના પુણ્યમય પવિત્રતમ્ પ્રવાસને સમજપૂર્વક, બનતી શાંતિ સાથે, જવાબદારીના જરૂરી ભાન સાથે, શક્ય તેટલા રસપૂર્વક, સુખસહિત પૂરો કરવાનો છે. એ પુણ્યપ્રવાસ પોતાને કે બીજાને હાનિકારક ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. પ્રવાસની સફળતા કે સાર્થકતા ત્યારે જ થઈ શકે.
સવારે ઊઠતી વખતે જ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ, મનન, ધ્યાન અથવા સ્તવન કરવાની ટેવ પાડીએ તો કેવું સારું ? શયનખંડને જ પરમાત્માની આરાધનાનો અદ્ ભુત ખંડ બનાવી શકીએ. તે વખતે મન પણ શાંત હોય ને વાતાવરણ વિમળ. ઊંઘની અટપટી અવસ્થામાં આપણે એકદમ અચેત થઈને પડેલા ત્યારે જે દૈવી સર્વોપરી શક્તિએ આપણને રક્ષીને જાગ્રત કર્યા અથવા જેને સ્મરણ કરીને કૃતજ્ઞતાને પ્રકટ કરવાનું છેક જ સ્વાભાવિક અને સુયોગ્ય લેખાય, એની સંસ્મૃતિ, સંસ્તુતિ ને પ્રાર્થના કરીએ. પ્રભાતના પવિત્ર પ્રથમ પ્રહરમાં જ એવી રીતે સાધનાની શરૂઆત કરી શકીએ.
સવારે જાગ્યા પછી જીવનોપયોગી શુદ્ધ સંકલ્પો, ભાવો તેમ જ વિચારો પણ કરી લઈએ. દિવસ દરમિયાન પ્રકાશ, પથપ્રદર્શન તથા પ્રેરણાની પ્રાપ્તિ કરવા માટે એની અનિવાર્ય આવશ્યકતા છે. દિવસ દરમિયાન પણ પળેપળે જાગ્રત રહીને કે વિવેકી બનીને આત્મવિકાસની સાધનાને અખંડ રાખીએ. અને બની શકે તો સાંજે પણ થોડોક સમય અલગ કાઢીને ઈશ્વરસ્મરણનો લાભ લેવાની ટેવ પાડીએ. કોઈ કારણે એ શક્ય ન હોય કે હોય તોપણ રાતે સૂવા જઈએ ત્યારે તો ઈશ્વરસ્મરણ કે પ્રાર્થના કરીએ જ. પથારીમાં ઊંઘવા માટે આડા પડતાં પહેલાં દિવસભરની પ્રવૃત્તિઓનું અવલોકન કરીને અશુભને માટે ખેદ તથા પશ્ચાતાપ અને શુભને સારુ સંકલ્પ કરીને પ્રાર્થનાનો આશ્રય લેતાં સૂવાની ટેવ પાડીએ તો સૌ વ્યાધિ દૂર થાય ને સરસ શાંતિમય ઊંઘ આવી જાય. જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી ઈશ્વરસ્મરણ કરતાં-કરતાં સૂવાની ટેવ પાડવાથી પથારીને સુખદ સાધનાસ્થલી બનાવી શકાય છે. સાધના માટે જેમને અલગ સમય ન મળતો હોય તે પણ એ સમયનો લાભ રોજ ઉઠાવી શકે છે. એથી એમને હાનિને બદલે લાભ જ થશે.
કોઈક માણસ ચાનો પ્યાલો પાય છે કે આપણું સામાન્ય જેવું કામ કરે છે તો આપણે એનો Thank you કે ધન્યવાદ કહીને આભાર માનીએ છીએ; પરંતુ જે ઈશ્વરે આપણને અચેતાવસ્થામાં લઈ જઈને શાંતિ આપી અને એમાંથી જગાડીને જીવન બક્ષીને જગતનો અનુભવ કરવાનો અસાધારણ અમૂલખ અવસર આપ્યો એમને - ઈશ્વરની એ પરાત્પર શક્તિને-આપણે કદી પણ સાભાર સ્મરીએ છીએ ખરા ? એ શક્તિ આપણા જીવનમાં કેટલી બધી કૃપા વરસાવે છે ને કેવી સરસ રીતે કાર્ય કરે છે ? એના વિના જીવન પર પડદો પથરાઈ જાય ને જીવન મરણની આવૃત્તિ જેવું થાય. ઈશ્વરની એ અલૌકિક શક્તિને સદા કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાની આવશ્યકતા છે. એ શક્તિ આપણને જીવન અર્પે છે, ચેતન બક્ષે છે, ને પ્રતિપળ મદદ પહોંચાડે છે.
જીવનની વ્યાવહારિક સાધનામાં શુભનો સંચય કરવાનો ને શુભ કરવાનો સમાવેશ થાય છે. સારા બનો ને સારું કરો એ શબ્દોમાં એ સાધનાનું સરવૈયું કાઢી શકાય છે. સારા બનવાનો અર્થ સદ્ વિચાર, સદ્ ભાવ ને સદ્ ગુણોથી સંપન્ન થવાનો છે. તેમ થતાં અંદરની શાંતિ આપોઆપ મળી જાય છે. સારું કરવાનો અર્થ સત્કર્મપરાયણ બનવું એવો થાય છે. બીજાનું કોઈ કારણે સારું ન જ કરી શકાય તો ભૂલેચૂકે પણ ખરાબ તો ન જ કરવું. એટલું ધ્યાન અવશ્ય રાખવું. જીવનમાં વધારે ને વધારે પ્રમાણમાં નમ્રતા, સરળતા, મધુરતા તથા પવિત્રતાને વિકસાવવાનો પ્રયત્ન કરવાની આવશ્યકતા પણ એટલી જ છે. એ આવશ્યકતા પ્રત્યે આંખમીંચામણા કરવાનું લેશ હિતાવહ ન કહી શકાય.
વ્યાવહારિક સાધનાના સાર તરફ અંગુલિનિર્દેશ કરતાં સંતશ્રેષ્ઠ કબીરે પોતાના પદમાં લખ્યું છે કે 'ધનજોબનકો ગરવ ન કીજે, જૂઠા પચરંગ ચોલ.’ શરીરના ને પ્રકૃતિના બધા જ રંગો તથા રસો મિથ્યા છે, નાશવંત અને અસાર છે એવું સમજીને માનવે પોતાના મનને એમનાથી ઉપરામ કરવું અને ધન, ધરા તથા રમાનો અહંકાર ન કરવો. સંક્ષેપમાં કહીએ તો સંસારની ક્ષણભંગુરતાનો વિચાર કરવો અને એમાં સરોવરમાં રહેનારા સરસિજની જેમ બનતી અનાસક્તિપૂર્વક, અલિપ્તભાવે શ્વાસ લેવો. સંસારની અશાશ્વતતાને જે સમજે તે તેમાં આસક્તિ ન કરી શકે એ તો ખરું જ છે; પરંતુ જો કોઈ કારણે આસક્તિ કરી હોય તો તે દૂર થઈ જાય છે. જીવનમાં કશાનું અભિમાન નથી થતું.
ભારતીય ઋષિવરોની ભોજન પ્રત્યેની દ્રષ્ટિ અથવા ભાવના જુદી છે. ભોજનને એ પરમાત્માનો પ્રસાદ માને છે અને એવી ઉદાત્ત ભાવનાથી અપનાવે છે કે આરોગે છે. ભોજન કરતાં પહેલાં કેટલીક જીવનોપયોગી ઉત્તમ ભાવનાઓ કરે છે. ભોજન એમને મન કેવળ પેટ ભરવાનું સ્થૂળ સાધન નથી; પરંતુ આત્માને અનુપ્રાણિત, ઉદાત્ત કે શક્તિશાળી બનાવવાની સામગ્રી કે સાધના છે. મોટા ભાગના મનુષ્યો યાંત્રિક રીતે, સ્વાદની વૃત્તિથી પ્રેરાઈને, પેટ ભરવા માટે જ ભોજન કરતા હોય છે. તેથી તેમના શરીરને થોડું કે વધારે પોષણ મળે છે ખરું પરંતુ મનને કે આત્માને જોઈતા પ્રમાણમાં નથી મળી શકતું. મન અને આત્માને પોષણ પ્રદાન કરવા માટે ભાવના કરવી આવશ્યક છે. એ ભાવના પોતપોતાની પ્રકૃતિ તથા રુચિ પ્રમાણે ગમે-તેવી હોઈ શકે. ભોજન કરતાં પહેલાં ભોજનની થાળી પાસે બેસીને પ્રાર્થના કે ભાવના કરવી જોઈએ કે આ ભોજન દ્વારા મને સ્વાસ્થ્ય સાંપડશે, મારી અંદર સર્વોત્તમ સ્ફૂર્તિ, શક્તિ તથા ચેતનાનો સંચાર થશે, ઉત્તમ બુદ્ધિ પ્રકટશે, ને જીવનોપયોગી કર્મોનું અનુષ્ઠાન કરવાનું સામર્થ્ય જાગશે. પરમાત્માના પવિત્રતમ પ્રસાદ જેવા આ ભોજનથી મારી વાસનાઓ, મલિન વૃત્તિઓ, ઈચ્છાઓ ને મારા વિકારોનો અંત આવશે ને મને સુખશાંતિની પ્રાપ્તિ થશે. આ જ જીવનમાં પરમાત્માની પ્રાપ્તિ કરવાનું મારે માટે શક્ય બનશે. ભાવના કે પ્રાર્થના કર્યા પછી લેશ પણ ઉતાવળ, ઉદ્વિગ્નતા કે ચિંતા વિના ખૂબ જ શાંતિપૂર્વક ભોજન કરવું જોઈએ. એવું કરવાથી ભોજન આત્મવિકાસની અકસીર સાધના બની રહેશે.
શરીરમાં જઠરાગ્નિ અથવા વૈશ્વાનરરૂપે પરમાત્મા જ રહેલા છે એવું સમજીને ભૂખ્યાંને ભોજન આપવું એ પણ એક પ્રકારની આરાધના છે. ભૂખ્યાંને ભોજન દ્વારા જે તૃપ્તિ મળે છે તે પ્રકારાંતરે પરમાત્માને જ મળી રહે છે. એ દ્વારા પરમાત્માની કૃપાનો, શક્તિનો અને એમના મંગળમય મહિમાનો અનુભવ થાય છે. આપણા પોતાના શરીરમાં પણ વૈશ્વાનરરૂપે એમનો જ વાસ છે એવું સમજવાથી જે કાંઈ ભોજન કરવામાં આવે એ પરમાત્માને અર્પણ કરવાનું હોવાથી શુદ્ધ અને સાત્વિક કરવાનો જ આગ્રહ સેવવામાં આવે. પછી તો એવું સ્વાભાવિક બને એટલે એવા આગ્રહને સ્થાન પણ ન રહે. વળી ભોજનના પ્રત્યેક અંશથી આપણી અંદર રહેલી પરમાત્માની પરાત્પર લોકોત્તર શક્તિને જાણે કે આહુતિ આપતા હોઈએ, એક પ્રકારનો ભાવાત્મક હવન કરતા હોઈએ, એવી સ્વાનુભૂતિ આપણે માટે શક્ય બને. એવી સ્વાનુભૂતિ સાથે ભોજન કરવાનો આનંદ કેટલો બધો અસાધારણ અથવા અનોખો હોય એ તો જે એનો આસ્વાદ મેળવે તે જ જાણી શકે. એવું ભાવનાયુક્ત ભોજન સુંદર-સુખદ સાધના જ થઈ પડે.
વ્યાવહારિક સાધના પ્રત્યે પોતાની આગવી રીતે અંગુલિનિર્દેશ કરતાં ઉપનિષદે કહ્યું છે : मातृदेवो भव । पितृदेवो भव । आचार्यदेवो भव । માતામાં, પિતામાં અને આચાર્યમાં દેવોના દેવ પરમાત્માની પરાત્પર દૈવી શક્તિનું દર્શન કરવાની ટેવ પાડજો. આપણા સાચા ને પ્રત્યક્ષ દેવો એમના રૂપ આપણી સાથે, પાસે અને આજુબાજુ વસે છે; પરંતુ એમની દિવ્યતાનું દર્શન કરવાની દ્રષ્ટિ આપણને નથી સાંપડી એટલે દેવોના દેવનાં દર્શન માટે આપણે બહાર ફાંફાં મારવા પડે છે. એમની અંદર દેવનું દર્શન સ્વાભાવિક બન્યા પછી બધાની અંદર પણ એવું દેવદર્શન સહજ બનશે અને એને પરિણામે બીજા પ્રત્યેનો વ્યવહાર પણ પ્રેમમય, મધુમય, પવિત્ર ને ઉદાત્ત થશે.
જીવનની સાધનાના રસવાળા સાધકે ભર્તૃહરિ મહારાજની પેલી ઉપદેશપંક્તિને યાદ રાખવાની છે: तृष्णां छिन्घि, भज क्षमां, जहि मद, पापे रति मा कृथाः । 'તૃષ્ણાને તોડી દો, ક્ષમાનું સેવન કરો, અભિમાનમાંથી મુક્તિ મેળવો, ને પાપકર્મમાં ભૂલેચૂકે પણ પ્રીતિ તથા પ્રવૃત્તિ ન કરતા.’ એમની એ શીખ કેટલી બધી સરસ ને સારગર્ભિત છે ? એ પ્રમાણે ચલાવામાં આવે તો જીવન સુખમય, શાંત અને ઉજ્જવળ બને એમાં સંદેહ કરવાનું કશું પણ કારણ નથી. એને અનુસરીએ એ જ આવશ્યક છે.
- શ્રી યોગેશ્વરજી