હવે સાધના દરમિયાન આસન પર બેસતી વખતે લક્ષમાં રાખવાની દિશા વિશે વિચારીએ. જપ કે ધ્યાન જેવી આત્મિક વિકાસની સાધનાના અભ્યાસ દરમિયાન મુખ કઈ દિશા તરફ રાખીને આસન પર બેસવું જોઈએ ? સાધકે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ થઈને બેસવું જોઈએ એવી પરંપરા પ્રચલિત છે. મોટા ભાગના સાધકો એવી રીતે જ બેસતા હોય છે. પૂર્વ દિશા સૂર્યોદયની દિશા હોવાથી એનું મહત્વ ઘણું મોટું છે. સૂર્યોપાસના તથા ગાયત્રી સૂર્યની સાથે સંબંધ ધરાવતી હોઈને પૂર્વ દિશા તરફ મુખ રાખીને જ કરવામાં આવે છે. સંધ્યાકર્મ કરનાર પણ પૂર્વાભિમુખ બનીને જ બેસતા હોય છે,
तेजोङसि तेजो मयि धेहि । वीर्यमसि वीर्य मयि धेहि । ओजोङसि ओजो मयि धेहि ।
मन्युरसि मन्यु मयीधेहि । सहोङसि सहो मयि धेहि । सर्वमसि सर्वमयि धेहि स्वाहा ॥
'હે પ્રભુ, તમે પ્રકાશસ્વરૂપ છો અમને પ્રકાશ આપો. તમે શક્તિસ્વરૂપ છો અમને શક્તિ આપો. ઓજસ્વી છો, અમને ઓજસ આપો. ઉગ્ર છો, અમારી નિર્માલ્યતાનો નાશ કરો. સહનશક્તિના સાકાર સ્વરૂપ છો, અમને સહનશક્તિ આપો. તમે સર્વરૂપ, સર્વ કાંઈ છો; અમને સર્વરૂપ ને સર્વ કાંઈ બનાવી દો.’
સૂર્યની સામે ઊભા રહીને કરવામાં આવતી એ બધી ભાવનાઓ ને પ્રાર્થનાઓ વખતે પૂર્વ દિશાનું ધ્યાન રાખવામાં આવે એ અત્યંત આવશ્યક છે. એ દિશા પ્રકાશની પ્રેરણાની, શક્તિની, સ્ફૂર્તિની, તાજગીની, નવજીવનની પ્રાપ્તિની દિશા છે. એ દિશા તરફ અભિમુખ બનીને બેસવાથી નવીનવી જીવનોપયોગી પ્રેરણા અને શક્તિની પ્રાપ્તિ થાય છે. એવી પદ્ધતિ જીવનને સત્વશીલ બનાવવામાં ને સુવિકસિત કરવામાં મદદરૂપ બને છે.
આત્મવિકાસની સાધના શરીરની ઉત્તર દિશામાં ક્રમશઃ આગળ વધવાની, ઊર્ધ્વગતિ કરવાની કે ઊર્ધ્વારોહણની સાધના છે. એ દરમિયાન મનની વૃત્તિઓને બાહ્ય પદાર્થો કે વિષયોમાંથી પાછી વાળીને, મનની સ્થિરતા સાધીને, અસ્મિતાને હૃદયપ્રદેશમાં કે ભ્રૂમધ્યમાં સ્થાપીને આત્માનાં અતલ ઊંડાણોમાં અવગાહન કરવાની કે ડૂબકી મારવાની આવશ્યકતા છે. એને માટેની પ્રક્રિયાનો આધાર લેવાય છે. ધીરેધીરે મસ્તકમાં અસ્મિતાનું કેંન્દ્રીકરણ થાય છે અને આત્મામાં વિલિનીકરણ. એ હકીકત યાદ રાખવા ને યાદ કરવા માટે પણ ઉત્તરાભિમુખ બનીને બેસવાની પ્રથા મહામૂલ્યવાન ને ઉપયોગી લાગે છે.
સ્થૂળ રીતે વિચારીએ તો ભારતનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઈતિહાસ ઉત્તર દિશા સાથે સવિશેષ સંકળાયેલો છે. હિમાલય જેવો પરમ પવિત્ર પર્વત અને ગંગા-યમુના સરખી મહામહિમાવાન સુંદર સરિતાઓના પાવન પ્રવાહો એ જ દિશામાં જોવા મળે છે. જીવનની ઉત્તરાવસ્થામાં આધ્યાત્મમાર્ગના કેટલાક જીજ્ઞાસુ પથિકોએ એ પ્રદેશમાં પ્રયાણ કરેલું, ત્યાં રહીને સુદીર્ઘ સમયપર્યંત સાધના કરેલી ને શાંતિ મેળવેલી. કેટલાય ભક્તોએ, જ્ઞાનીઓએ, તપસ્વીઓએ, યોગીઓએ, સાધકોએ ને સંતોએ એ પ્રદેશમાં વિચરણ કરેલું, અને એના વિશુદ્ધ વાયુમંડળમાં કેટલાય સુંદર શાસ્ત્રગ્રંથોનું સર્જન થયેલું. સંસ્કૃતિના ઉદ્ ભવકાળથી જ એનો મહિમા ઘણો મોટો મહત્વનો મનાય છે. પ્રત્યેક ધર્મપ્રેમી ભારતવાસીને ત્યાં જવાની, ગંગા જેવી નદીમાં નહાવાની, હિમાચ્છાદિત હિમાલય પર્વતનું દર્શન કરવાની, અને ઋષિમુનિઓની એ દૈવી ભૂમિમાં ઓછો કે વધારે વખત વસીને સાધના કરવાની આકાંક્ષા હોય છે. એ આકાંક્ષા પૂરી થતાં સ્વર્ગસુખ લાગે છે; જીવનની સફળતાનો ને ધન્યતાનો અનુભવ થાય છે. ઉત્તરાભિમુખ બનીને બેસનારને એ ઋષિસંસ્કૃતિનો વારસ છે અને જીવનમાં દુન્યવી ભોગને માટે નહિ પરંતુ ઈશ્વર સાથેના યોગને માટે જન્મ્યો છે એવી પ્રેરણા મળે છે. એ પોતાના જીવનના સાર્થક્યને માટે પ્રેરાય છે. એ જીવનના પરમ પવિત્ર ધ્યેયને યાદ રાખીને એનાથી વિરોધી કે વિપરીત એવું ભૂલેચૂકે પણ કશું નથી કરતો.
જીવનમાં આધ્યાત્મિક આદર્શની અખંડ સ્મૃતિ તથા એની પૂર્તિના પ્રામાણિક પ્રયત્નની દ્રષ્ટિએ ઉત્તરાભિમુખ બનીને સાધના કરવાનું મહત્વ ધાર્યા કરતાં ઘણું મોટું છે એ આટલી ચર્ચાવિચારણા પરથી સહેલાઈથી સમજી શકાશે.
એની સાથે એના એક બીજા પાસાનો વિચાર પણ કરી લઈએ. એ પાસું જરાક અવનવું અને વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક વિચારધારા પ્રમાણે ઈલેક્ટ્રો-મેગ્નેટિક વેવ્ઝ-ચુંબકીય વિદ્યુત મોજાં-નો ઉત્તર-દક્ષિણ બાજુએ ઊલટો પ્રવાહ વહેતો હોય છે. તેની શરીર પર ખૂબ જ પ્રતિકૂળ અસર થતી હોય છે. ઉત્તર-દક્ષિણ દિશામાં સૂનારની કાયામાં રોગ-પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. એટલે જ આપણે ત્યાં ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઉત્તરાભિમુખ થઈને સૂવાનું કહેવામાં આવેલું. એ સાદાસીધા કથનમાં એવું ઊંડુ, વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું. ભોજન કરતી વખતે પણ દક્ષિણાભિમુખ બનીને બેસવાને બદલે ઉત્તરાભિમુખ બનીને બેસવાનું એટલા માટે જ સારું મનાય છે.
પાચનશક્તિને મદદરૂપ થવા માટે એવી રીતે બેસવાનું આવશ્યક છે. ઉત્તરાભિમુખ બનીને ન બેસવું હોય તો પૂર્વાભિમુખ બનીને બેસી શકાય પરંતુ પશ્ચિમાભિમુખ કે દક્ષિણાભિમુખ તો ન જ બેસવું. આપણા ભોજનની પ્રક્રિયાને તથા ચુંબકીય વિદ્યુત-મોજાંને ખાસ સંબંધ છે. પ્રાચીન ભારતમાં મકાનોનાં દ્વારોને દક્ષિણ દિશાનાં ન રાખવાનો આદેશ અપાયેલો એની પાછળ પણ એ જ વૈજ્ઞાનિક કારણ કાર્ય કરી રહેલું એ સહેલાઈથી સમજી શકાય તેમ છે.
જપ, ધ્યાન તથા પ્રાર્થનાદિ કરતી વખતે પૂર્વ કે ઉત્તર દિશા તરફ અભિમુખ બનીને બેસવાનું કહ્યું છે એની પાછળ પણ એ અસાધારણ વૈજ્ઞાનિક કારણ કાર્ય કરી રહ્યું છે તે સમજતાં વાર નહિ લાગે. એ સમજીને પ્રાચીન ઋષિમુનિઓની દિવ્ય વૈજ્ઞાનિક જીવનદ્રષ્ટિ વિશે આપણને માન પેદા થયા વિના નથી રહેતું.
- શ્રી યોગેશ્વરજી