if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
યોગાસનોનો અભ્યાસ કોઈ જડ અભ્યાસ નથી. એ અભ્યાસથી સ્વાસ્થ્યલાભ તો થાય છે; પરંતુ એની સાથેસાથે જો ઉત્તમ પ્રકારના ભાવો કે વિચારોનો આધાર લેવામાં આવે તો માનસિક અથવા આત્મિક રીતે પણ લાભ થાય છે. આસનોનો અભ્યાસ કરતી વખતે કરવા યોગ્ય કેટલીક ઉત્તમ અને ઉપકારક ભાવનાઓનો પરિચય એ દ્રષ્ટિએ આપણે અહીં પૂરો પાડીશું.

પદ્માસન
પદ્માસન કરતી વખતે મન આવા વિચારોથી મુક્ત પ્રફુલ્લ બની રહેવું જોઈએ: જેમ કમળ જળમાં સ્થિર રહે છે તેમ હું સંસારમાં સ્થિર છું. જેમ કમળની પાંખડીઓને પાણીનો સ્પર્શ થતો નથી તેમ મને જગતના રાગદ્વેષનો, જગતની જંજાળનો સ્પર્શ નથી. કમળ પાણીમાં પ્રકટીને પોતાની પાંખડીઓ વિશાળ વ્યોમ તરફ પ્રસારે છે તેમ હું જગતમાં રહીને સમસ્ત સૃષ્ટિને માટે મારું હૃદય ખુલ્લું મૂકું છું. જેવી રીતે કાદવમાં ખીલેલું કમળ પવનની લલિત લહરીથી હાલી રહે છે તેવી રીતે જગતમાં રહીને હું પવિત્ર ભાવો અને વિચારોથી પુલકિત બનું છું. કમળની પાંખડી પર રતાશ છે તેમ મારા મુખમંડળ પર સ્મિત છવાયેલું છે. કમળ જેમ દેવમંદિરમાં, દેવચરણમાં શોભે છે તેમ હું પણ શોભું છું. સર્વમાં રહેલા ચૈતન્યનું દર્શન કરું છું. હું કમળ જેવો શાંત છું, પુલકિત, પ્રસન્ન છું, નિર્લેપ અને નિત્યમુક્ત છું.

બદ્ધ પદ્માસન
મારી કમર મજબૂત બને છે. કમરના સર્વ રોગ નાશ પામે છે. છાતી વિશાળ થાય છે. છાતીના સર્વ રોગ નાશ પામે છે. મારા હાથ મજબૂત થાય છે. હાથના સર્વ રોગ નાશ પામે છે. પગ મજબૂત બને છે. પગના રોગ દૂર થાય છે.

લોલાસન
જગતમાં રહું છું તો ખરો, પરંતુ હાથ જેમ જમીનને અડેલા છે અને શેષ શરીર અધ્ધર છે તેમ મારો એક જ અંશ જગતમાં અને બીજો અંશ જગતથી ઉપર છે. હાથ સુદ્રઢ બને છે; પેટનાં બધાં જ દર્દો દૂર થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ખોરાક જલદી પચે છે. લોહી ઉત્તરોત્તર શુદ્ધ બને છે.

સર્પાસન
મારી દ્રષ્ટિને મેં ઊંચે આકાશ તરફ સ્થિર કરી છે. એ અત્યંત તેજસ્વી થઈ છે. છાતી વિશાળ બની છે. તેની નિર્બળતા મટી ગઈ છે. કમર રોગરહિત થઈ છે.

સિદ્ધાસન
હું અખંડ બ્રહ્મચારી રહેવાનો છું. હું અખંડ બ્રહ્મચારી છું. મારી સઘળી શક્તિ આત્માના સાક્ષાત્કારને માટે જ છે. મારા જીવનનો આદર્શ ભોગ નથી, યોગ છે. વિલાસિતા નથી, સંયમ છે. મને વાસનાઓ સતાવી શકે તેમ નથી. હું શક્તિનું કેન્દ્ર છું. સિદ્ધ છું, સિદ્ધ છું, સિદ્ધ છું.

વજ્રાસન
મારી સાથળ સુદ્રઢ છે. તે વધારે સુદ્રઢ બનતી જાય છે. મારું શરીર સ્વસ્થ છે. મારી કમરમાંથી બધી દુર્બળતા દૂર થઈ જાય છે. મારી જીવનશક્તિ વધી રહી છે. હું અજન્મા છું. મને મૃત્યુ નથી, શોક નથી.

નૌલી
મારા પેટના નળને હું હલાવી રહ્યો છું. પેટનો સઘળો મળ સાફ થાય છે. અશક્તિ દૂર થાય છે. હું વધારે ને વધારે શક્તિશાળી બનું છું.

મયૂરાસન
મારા મુખમંડળ પર લોહી ફરે છે. આંખ તેજસ્વી બને છે. કપાળ પર રક્તિમા ફેલાઈ જાય છે. બુદ્ધિ વધે છે. મુખ મધુમય બને છે, દીપ્તિ ધરે છે.

સર્વાંગાસન, હલાસન, કર્ણપીડનાસન
મારી દ્રષ્ટિને મેં પગના અંગૂઠા પર સ્થિર કરી છે. તે દ્રષ્ટિમાંથી એક દૈવી પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય છે. એ પ્રકાશ મારી આંખને વધારે ને વધારે ઓજસ્વી બનાવે છે. મારા પગને પાછળ લગાડું છું. કાનને બંધ કરું છું. કશું સંભળાતું નથી. આંખને બંધ કરીને શાંતિનો અનુભવ કરું છું. મન સંકલ્પવિકલ્પથી રહિત બની જાય છે. હું જાણે કે સમાધિનો અલૌકિક આનંદ અનુભવું છું.

શીર્ષાસન
જગતમાં હું આવી રીતે સ્થિતિ કરું છું— માથું નીચે અને પગ ઉપર. જે પગલું ભરું છું તે બુદ્ધિનો ઉપયોગ કરીને જ ભરું છું. મારું માથું મેં વિશ્વમાતાના પવિત્ર ખોળામાં મૂકી દીધું છે. મારી રગેરગમાં રક્ત ફરી વળે છે. એ લોહી આંખમાં મળે છે. તેથી આંખ ઓજસ્વી બને છે. પવિત્ર થાય છે. એ આંખમાં પ્રેમ જ પ્રેમ છલકાશે. એની દ્રષ્ટિ એટલી તો વિશદ બનશે કે તેને સર્વત્ર ઈશ્વરનાં જ દર્શન થશે.  મસ્તકમાં લોહી આવવાથી મનની અસ્થિરતા નાશ પામે છે. મન મજબૂત અને મંગલ થાય છે. એની અંદર વિચાર કરવાની શક્તિ પ્રકટે છે. મારું મન શાંત બને છે. કામ, ક્રોધ, અહંકાર અને વાસના એમાં પ્રવેશી શકે તેમ નથી. એ મન સ્થિર, સ્વસ્થ અને સમતાથી સંપન્ન બને છે. મારું શુક્ર શક્તિમાં પલટાઈ ગયું છે. મારું રોમેરોમ તેજોમય તથા સ્વરૂપવાન બની રહ્યું છે. હું મૃત્યુને મારી શકું એવી શક્તિ આપ. વૃદ્ધત્વને હણી શકું એવી શક્તિ આપ. વ્યાધિનો અંત આણું એવી શક્તિ આપ. અદ્વૈતને અનુભવી શકું એવી શક્તિ આપ.

શવાસન
શવાસનમાં શવની પેઠે સૂઈ જવાનું હોય છે. તે વખતે કરવાની ભાવનાઓ:
હું નીરોગી છું, શક્તિશાળી છું, સુંદર છું. બળવાન છું, વીર્યવાન છું, શક્તિનો ભંડાર છું. પવિત્ર છું. પરમ પવિત્ર છું. મારું શરીર સ્વસ્થ છે. મને કોઈ જાતનો રોગ નથી. મારું વદન તેજસ્વી છે, બુદ્ધિ તીવ્ર છે. હું આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણેથી પર છું.  મારા મનમાં સંપૂર્ણ શાંતિ છે. હું શાંતિસ્વરૂપ છું. સુખનો સાગર, કલ્યાણનું કેન્દ્ર, ભદ્રતાનો ભંડાર છું. તેજસ્વી છું. મહાન છું, અખંડ અને અકરસ છું. મને કોઈના પ્રત્યે રાગદ્વેષ નથી. મારા પ્રેમના પ્રવાહને સર્વ પ્રાણીઓ પ્રત્યે વહેતો મૂકું છું. સર્વને આત્મદ્રષ્ટિથી જોઉં છું. હું મહાન છું, પવિત્ર છું, પ્રેમમય છું, કલ્યાણ છું, આનંદ છું. કેટલો આનંદ ! કેટલો આરામ ! મારા ક્લેશ કપાઈ ગયા છે. મારી અવસ્થાનો અંત આવ્યો છે. મન શાંત છે, સુખમય છે. હું પરમાત્માનો પરમ પ્રેમ અનુભવું છું. અદ્વૈતનો અનુભવ કરું છું. સર્વને શાંતિ પ્રાપ્ત થાઓ, સૌનું કલ્યાણ હો, સૌને સનાતન સંપૂર્ણ સુખની સ્વાનુભૂતિ હો !    

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.