if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જપ સાથે ધ્યાનનો અભ્યાસ કેવી રીતે કરી શકાય ? જપ જો આરંભથી મનમાં જ કરવામાં આવે છે તો કેટલીક વાર મન એકાગ્રતાનો અનુભવ નથી કરતું. જપ દરમિયાન જુદીજુદી જાતના કેટલાય વિચારો પેદા થાય છે ને મનને અસ્વસ્થ કરે છે. એટલે વિચારોના એવા વેગને શાંત કરવા માટે ધીમેધીમે બોલીને ને પછી હોઠ હલાવીને જપ કરવાનું હિતાવહ છે. એવા જપને વાચિક અને ઉપાંશુ જપ કહી શકાય. થોડા વખત સુધી એવી રીતે વાચિક અને ઉપાંશુ જપ કર્યા પછી વિચારોનો બહિર્મુખ બનાવનારો વેગ ઓછો થઈ જાય એટલે માનસજપ કરવા જોઈએ. વચ્ચેવચ્ચે જો વિચારો વળી સતાવવા માંડે તો પાછા વાચિક અથવા ઉપાંશુ જપનો આધાર લેવો. વિચારોનો બહિર્મુખ બનાવનારો બાહ્ય વેગ જ્યારે લેશ પણ સતાવે જ નહિ ને મન પરિપૂર્ણપણે જપમાં જ જોડાઈ જાય ત્યારે માનસજપનો આધાર લઈને મનમાં જપ કરવા પર જ બધું ધ્યાન કેન્દ્રિત કરવું. પછી વાચિક અથવા ઉપાંશુ જપની આવશ્યકતા નથી રહેતી.

શ્વાસ તથા પ્રશ્વાસની ગતિની સાથે નામજપને જોડી દેવાથી પણ મનની એકાગ્રતામાં મદદ મળે છે. મોટા મંત્રને શ્વાસ તથા પ્રશ્વાસ સાથે જોડી દેવામાં કે જપવામાં મુશ્કેલી લાગે તો તેમને બે, ત્રણ કે વધારે વિભાગોમાં વહેંચી નાખીને જપવાની ટેવ પાડવાથી સરળતા થાય છે ને જપની ક્રિયામાં મદદ મળે છે.

ધ્યાનની સાધના દરમિયાન શ્વાસને બહાર અને અંદર રોકીને બાહ્ય કુંભક અને આંતરકુંભકનો જે અભ્યાસ કરવામાં આવે તે અભ્યાસ દરમિયાન પણ જપ કરી શકાય. એવી રીતે જપ કરવાથી બહારના વિચારો સતાવી નથી શકતા ને મનની એકાગ્રતામાં મહત્વની મદદ મળે છે.

ષણ્મુખી મુદ્રાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેની સાથે પણ નામજપની સાધના કરી શકાય છે. એવી સાધના જો નિયમિત રીતે, રોજ ને સુદીર્ઘ સમયપર્યંત કરવામાં આવે તો અમોઘ, અસાધારણ આશીર્વાદરૂપ થઈ પડે છે.

નામજપની સાધના દરમિયાન મનને એકાગ્ર કરવાની એક બીજી વિધિ પણ જાણવા જેવી છે. એ વિધિ પોતાના ઉપાસ્ય દેવના સ્વરૂપને યાદ કરીને એમાં મનને જોડવાનો અભ્યાસ કરવાની છે. મનની આંખ આગળ પોતાના આરાધ્ય દેવ કે પોતાની આરાધ્ય દેવીના સ્વરૂપને યાદ કરવાથી અને એમના જપનો આધાર લેવાથી પણ મન સહેલાઈથી સ્થિર થઈ શકે છે. એવી રીતે જપ તથા ધ્યાનનો અભ્યાસ કરતાં વચ્ચે વચ્ચે પ્રાર્થના પણ કરી શકાય. એ પ્રાર્થનાના જુદાજુદા કેટલાક પ્રકારો હોઈ શકે છે. એમાંનો એક પ્રકાર આવો પણ હોય : હે પ્રભુ, મારા મનને સ્થિર કરો, એકાગ્ર કરો, શુદ્ધિથી તથા શાંતિથી ભરી દો. તમારી કૃપાનો વરસાદ મારા પર વરસાવીને મારા જીવનનું પરમકલ્યાણ કરો. હું તમારી પરમકૃપાનો ચાતક બનીને બેઠો છું. તમે આજ સુધી કેટલાય પર કૃપા કરી છે તો મારા પર પણ કરી દો. મને તમારું દેવદુર્લભ દર્શન આપો. તે સિવાય મને ચેન નહિ પડે ને શાંતિ નહિ વળે. તમારા તરફ ટકટકી લગાવીને બેસી રહ્યો છું. તમારા સિવાય મારે બીજા કોઈનો પણ આધાર નથી. તમે મારા પિતા છો, મારી માતા છો, મારા ગુરૂ, સખા, સ્વજન, સુહૃદ અને એકમાત્ર હિતેચ્છુ છો. તમે મારી તરફ નહિ જુઓ તો બીજું કોણ જોશે ? તમે મદદ નહિ કરો તો બીજું કોણ કરશે ? તમારા વિના મારું બીજું છે જ કોણ ?

એવા એવા વિચારો, ભાવો કે પ્રેમોર્મિ-પ્રવાહોમાં સ્નાન કરતાં કરતાં મન એવું તો ભાવવિભોર બની જશે કે બીજા બધા જ બાહ્ય વિચારોમાંથી મુક્તિ મેળવી, બાહ્ય વિષયોનું વિસ્મરણ કરી, પોતાની અંદરની અંતરંગ અભ્યાસની દુનિયામાં જ તલ્લીન બનીને ડૂબી જશે. આંખમાંથી અશ્રુ ચાલશે, વાણી ગદ્ ગદ્ બનશે, અને ભાવાતિરેક થતાં ઊંડી ભાવસમાધિમાં લીન થવાશે. ભાવસમાધિની એવી અનોખી અવસ્થા સહજ બનતાં સાધનાની સંતૃપ્તિનો ને જીવનની ધન્યતાનો સુખકારક સ્વાનુભવ શક્ય બનશે. એથી અધિક કલ્યાણકારક બીજું શું હોય ?

જપ કરતી વખતે માળાનો આધાર લેવો કે ન લેવો એ સાધકની પ્રકૃતિ, પસંદગી ને રુચિ પર અવલંબે છે. એ સંબંધી કોઈ એકસરખો સાર્વત્રિક સાર્વજનિક નિયમ નથી લાગુ પાડી શકાતો. જેને માળાની આવશ્યકતા લાગે એ એનો આધાર લઈ શકે છે. માળાનો આધાર લઈને જપ કરવાથી મનનો મોટો ભાગ જપની સંખ્યાનું ધ્યાન રાખવામાં કે જપની ગણતરી કરવામાં લાગી જાય છે. એટલે સ્થિરતા અથવા એકાગ્રતા શક્ય થાય છે. માળાની મદદથી જપની ગણતરી કરીને જપ કરવાનો નિયમ રાખવાથી નિયમિતતા જળવાય છે. તોપણ એમાં એક ભયસ્થાન છે ખરું. તે એ કે કોઈ વાર મન શાંત ને પ્રસન્ન ન હોય અને ઉતાવળ હોય તો જપ શાંતિપૂર્વક, સ્વસ્થતાથી થવાને બદલે ઉતાવળથી અને અશુદ્ધિપૂર્વક થાય છે, માળા પણ પ્રમાણમાં ઝડપથી ચાલે છે, ને કેટલીક વાર એથી ઊલટી અવસ્થા હોય ત્યારે શાંતિપૂર્વક ધીમેથી જપ થયા કરે છે. એવા સંભવિત ભયસ્થાનથી બચીને પ્રત્યેક વખતે સ્વસ્થતા, નિયમિતતા તથા શાંતિપૂર્વક જપ કરવા જરૂરી છે.

જેમને માળાની રુચિ ન હોય તે માળા સિવાય પણ જપ કરી શકે છે. પરંતુ એમણે પોતાની સાધનાને નિયમિત રાખવાને માટે બીજું કશુંક તો કરવું પડશે જ. એમણે જપની સંખ્યાનું નહિ તો સાધનાના સમયનું બંધન રાખવું પડશે. એવું બંધન ખૂબ જ ઉપયોગી અને હિતાવહ થઈ પડશે. સમયની સુનિશ્ચિત મર્યાદામાં રહીને સાધના કરવાથી સાધના સારી થશે. એમાં નિયમિતતા જળવાશે. હાથની માળાના મણકા કોઈક વાર ધીમા ફરે ને ઝડપી બને પરંતુ સમય કોઈને માટે ઝડપી નથી બનવાનો કે મંદ પણ નથી પડવાનો. એ તો એની નિશ્ચિત નિર્ધારિત ગતિ પ્રમાણે જ ચાલ્યા કરવાનો.

જપ અથવા ધ્યાન દ્વારા મનને ક્રમેક્રમે કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વૃત્તિઓનું એવું કેન્દ્રીકરણ સાધકને માટે અત્યંત આશીર્વાદરૂપ છે. વૃત્તિઓના કેન્દ્રીકરણથી મન હળવું બને છે. મનની ચંચળતા તથા મનનો ઉશ્કેરાટ શમી જાય છે, અને આત્મિક પ્રસન્નતા, શાંતિ અને આત્માનુભૂતિની પ્રાપ્તિ સહજ બને છે. મનના કેન્દ્રીકરણનો એ ઉપરાંત એક બીજો લાભ પણ સમજવા જેવો છે. કેન્દ્રીકરણથી શક્તિ વધે છે ને વિકેન્દ્રીકરણથી શક્તિ ઘટે છે. વિજ્ઞાનનો એવો સર્વસ્વીકૃત નિયમ છે. સરિતાનું પાણી પ્રવાહિત થઈને સમુદ્રની દિશામાં વહ્યા કરે છે. ચોમાસામાં ભયંકર પૂર આવે છે ત્યારે એ પાણી પ્રબળ બનીને આજુબાજુ બધે જ ફરી વળે છે ને જાનમાલની મોટી ખુવારી કરે છે. એ જ સરિતાને બંધથી બાંધી દેવામાં આવે છે ત્યારે એની શક્તિ કેન્દ્રિત બને છે. એની અંદરથી અસાધારણ વિદ્યુતશક્તિનું નિર્માણ થાય છે અને એ વિદ્યુતશક્તિ ઠેકઠેકાણે અનેરા આશીર્વાદરૂપ બની જાય છે. વરાળનું કેન્દ્રીકરણ કરવામાં આવે છે ત્યારે એમાંથી જ અસાધારણ શક્તિનો આવિર્ભાવ થાય છે. તેને લીધે મોટાંમોટાં એન્જિનો પણ ચાલવા લાગે છે. હાથ પર કાચ રાખીને એની ઉપર પ્રતાપી સૂર્યકિરણોને પડવા ને કેન્દ્રિત થવા દઈએ તો કેવો ચમત્કાર સર્જાય છે ? થોડા વખતમાં તો હાથ તપીને બળવા માંડતા હોય એવું અનુભવાય છે. સૂર્યકિરણોની કેન્દ્રિત શક્તિ અનેકગણી વધી જાય છે. વ્યક્તિઓ પણ જ્યારે વિસંગઠિત બને છે ત્યારે એમની શક્તિ ઘટવા લાગે છે ને સંગઠિત બને છે ત્યારે સવિશેષ શક્તિશાળી ભાસે છે. મનનું પણ એવું જ સમજી લેવાનું છે. જપ તથા ધ્યાનની સુનિશ્ચિત, સમજપૂર્વકની સાધનાથી એ જેમજેમ એકાગ્ર બને છે તેમતેમ એની અંદરથી અવનવી શક્તિનું, જીવનનું, રસનું, સુખશાંતિનું અને આનંદનું પ્રાકટ્ય થાય છે. એની અંદરથી મનોબળની નવીન ચેતનાનો આવિર્ભાવ થવા માંડે છે. એવી એકધારી એકાગ્રતાને પરિણામે સાધક આત્માનુસંધાન સાધીને સમાધિની અલૌકિક અવસ્થામાં અવગાહન કરી લે છે. એને પરિણામે એને અસીમ શાંતિની ને ભાતભાતની વિભૂતિની પ્રાપ્તિ થાય છે, એની કાયાપલટ સહજ બને છે.

ધ્યાન તથા જપ પોતાની પ્રકૃતિ અથવા રુચિને અનુસરીને ગમે તેવી પદ્ધતિ પ્રમાણે કરી શકાય. મહર્ષિ પતંજલિ પોતાના યોગદર્શનમાં 'यथामिमद् ध्यानाद् वा ।’ 'પોતાની ઈચ્છા પ્રમાણેની કોઈ પણ ધ્યાનપદ્ધતિનો આધાર લઈને આગળ વધી શકાય છે,’ એ સૂત્ર દ્વારા એ વિચારસરણીને સમર્થન આપે છે. એ સૂત્રમાં ઉદારતા ને વિશાળતા તો છે જ પરંતુ એની સાથેસાથે માનવસ્વભાવનું સહાનુભૂતિપૂર્વકનું સમ્યક્ જ્ઞાન પણ સમાયેલું છે. નિયમિત અભ્યાસ અથવા અનુભવી મહાપુરૂષના માર્ગદર્શન દ્વારા પોતાને માટેની સુયોગ્ય-શ્રેષ્ઠ સાધનાપદ્ધતિનું જ્ઞાન સાધકને સ્વાભાવિક રીતે જ આપોઆપ થઈ જાય છે. એ જ્ઞાન એને માટે અમૂલખ અને અમોઘ આશીર્વાદરૂપ ઠરે છે. એનું સાધનાત્મક આત્મવિકાસવિષયક કલ્યાણ કરે છે. એવી સાધનાપદ્ધતિને શ્રદ્ધાભક્તિ તથા સમજપૂર્વક વળગી રહીને એ સુચારુરૂપે આગળ વધે છે અને આખરે સંસિદ્ધાવસ્થાની પ્રાપ્તિ કરીને કૃતાર્થ બને છે.

જપ અથવા ધ્યાન દ્વારા માનસિક એકાગ્રતાની ને પ્રેમની પ્રાપ્તિ થતાં પોતાના ઈષ્ટના ને બીજાના દર્શનના જે અનેકવિધ અનુભવો થાય છે તેમાં કેટલાક વિચારકો વિશ્વાસ નથી રાખતા ને તેમને Projection of mind  એટલે કે મનનું પ્રતિબિંબ કહે છે. પરંતુ એ મનનું પ્રતિબિંબ નથી હોતું તે સારી પેઠે સમજી લેવું જોઈએ. એ અનુભવો અને એમની પાછળનાં વ્યક્તિત્વો સાચાં હોય છે. એ મનની કલ્પનાના પરિણામરૂપ નથી હોતાં. એમના અનુભવ માટે મન એક મહાન મંગલમય માધ્યમ બને છે એ સાચું છે, પરંતુ એ પોતાની મૌલિકતા કે વાસ્તવિકતા ધરાવે છે એ પણ એટલું જ સાચું છે. મન એમના સ્વાનુભવમાં નિમિત્ત બને છે એ બરાબર છે, પરંતુ મન એમનું નવેસરથી સર્જન નથી કરી શકતું. મન એમનું દ્રષ્ટા ભલે હોય પણ કર્તા તો નથી જ, મનથી ગમે તેટલું ચિંતનમનન કરવામાં આવે તોપણ એ વ્યક્તિત્વોની ઈચ્છા વગર એમનો દર્શનાનુભવ નથી થતો. અને એથી ઊલટું, એમના ચિંતનમનન, નિદિધ્યાસન વિના એ વ્યક્તિત્વો ઈચ્છે તો પોતાની સ્વતંત્ર પસંદગી પ્રમાણે આપણી આગળ પ્રકટ થાય છે. એટલે એમનું સ્વતંત્ર અસ્તિત્વ છે જ. એ આખોય વિષય કેવળ વિચારનો કે ચિંતનમનનનો નથી પરંતુ સ્વાનુભવનો છે એટલે સ્વાનુભૂતિથી જ સમજી શકાય તેમ છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.