ધ્યાન તથા જપની સાધનામાં રસ લેનારા સાધકો જપ તથા ધ્યાનના અભ્યાસના આરંભ પહેલાં નાડીશોધનની ક્રિયા કરે તો કશું ખોટું નથી. એ ક્રિયા આરોગ્યની દ્રષ્ટિએ ઉપયોગી છે. એ ઉપરાંત એના અભ્યાસથી પ્રાણવાયુની વિશુદ્ધિ સાધવામાં અને મનની ચંચળતાના શમનમાં મદદ મળે છે. નાડીશોધનની ક્રિયા કરવાનું અનિવાર્ય રીતે આવશ્યક નથી; એ ક્રિયા સિવાય પણ સાધનાના માર્ગમાં આગળ વધી શકાય છે; તે છતાં એનો અભ્યાસ એક અથવા બીજી રીતે લાભકારક થઈ પડે છે. એટલા માટે એનો ઊડતો ઉલ્લેખ કરી લઈએ.
નાડીશોધનની ક્રિયા જુદીજુદી રીતે કરવામાં આવે છે અથવા એના કેટલાય પ્રકાર છે. પદ્માસન, સ્વસ્તિકાસન, સિદ્ધાસન કે સુખાસન પર બેસીને બંને નાકમાંથી શ્વાસને જેટલો પણ લેવાય તેટલો ધીરેધીરે અંદર લેવો અને પૂરતા પ્રમાણમાં અંદર લીધા પછી ધીરેધીરે બહાર કાઢવો. શ્વાસ અંદર લેવાની ને બહાર કાઢવાની પ્રક્રિયા જેટલી બને તેટલી ધીમી ગતિએ કરવી. એવી રીતે વીસેક વાર શ્વાસને અંદર લેવો ને બહાર કાઢવો. નાડીશોધનની એ પ્રથમ પ્રક્રિયા.
એવી બીજી પ્રક્રિયારૂપે જમણા નાકને બંધ કરીને ડાબા નાકમાંથી શ્વાસ ધીમેધીમે અંદર લેવો, જેટલો ભરી શકાય તેટલો અંદર ભરવો ને પછી તે જ નાકથી જોરથી કાઢી નાંખવો. એવી રીતે શ્વાસ અંદર લેવાની ને બહાર કાઢવાની ક્રિયા વીસેક વાર કરવી.
નાડીશોધનની ત્રીજી પ્રક્રિયા તરીકે શ્વાસને જમણા નાકમાંથી એવી રીતે ધીમેધીમે અંદર લઈને એ જ નાકમાંથી જોરથી બહાર કાઢી નાખવો.
ચોથી પ્રક્રિયા પ્રમાણે ડાબા નાકમાંથી શ્વાસને ધીમેધીમે અંદર ભરી, તે નાકને બંધ કરી, જમણા નાકમાંથી જોરથી બહાર કાઢવો, એવી રીતે વીસેક વાર કરવું. અને એ પ્રક્રિયા પૂરી થાય પછી એવી જ રીતે જમણા નાકમાંથી શ્વાસને અદંર ભરી, તે નાકને બંધ કરી, ડાબા નાકથી બહાર કાઢવો. એ ક્રિયા વીસેક વાર કરવી.
પાંચમી પ્રક્રિયા પ્રમાણે ડાબા નાકમાંથી શ્વાસને જોરથી અંદર લઈને તે નાકને બંધ કરીને જમણા નાકમાંથી બહાર કાઢવો, ને તેમાંથી શ્વાસને જોરથી પાછો અંદર લઈને ડાબા નાકથી બહાર કાઢવો. એવી રીતે શ્વાસ લેવાની ને છોડવાની ક્રિયા વારાફરતી વીસેક વાર કરવી.
એ પછી નાડીશોધનની છઠ્ઠી પ્રક્રિયા તરીકે આસન પર ટટ્ટાર બેસીને બંને નાકથી શ્વાસને ધમણની પેઠે ચલાવવો. એ પછી થોડા વખત પછી એ ક્રિયાને છાતી સુધી ફેલાવવી, અને આખરે તે ક્રિયા ત્રીજા તબક્કારૂપે નાભિપ્રદેશ સુધી લઈ જવી. એવી રીતે શ્વાસોચ્છ્ વાસની ક્રિયા લાંબો વખત સુધી ચાલુ રાખવી.
એ ક્રિયાથી રક્તની શુદ્ધિ થાય છે, શરદી જેવા દોષો મટી જાય છે, ને ધ્યાન તથા જપની સાધના માટે સુયોગ્ય ભૂમિકાનું નિર્માણ થાય છે.
એ પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી પ્રાણાયામની હળવી ક્રિયાનો પ્રારંભ પણ કરી શકાય. એ ક્રિયા પ્રમાણે સૌથી પહેલાં પૂરક કરવો, પછી કુંભક કરવો, ને છેવટે રેચકનો આધાર લેવો. પછી એ જ નાકથી પૂરક, કુંભક તથા રેચકનો આધાર લેવો. એવી રીતે એક પ્રાણાયામ પૂરો થાય છે. પૂરક શ્વાસને અંદર લેવાનું નામ છે, કુંભક શ્વાસને રોકવાનું ને રેચક શ્વાસને બહાર કાઢવાની ક્રિયા છે. પૂરક કરતાં કુંભક ચારગણો ને રેચક બમણો હોવો જોઈએ. કુંભકની માત્રા શક્તિ પ્રમાણે ધીમેધીમે વધારવી જોઈએ.
પ્રાણાયામના લાભ અનેક છે. પ્રાણના સંયમ, નિયંત્રણ કે નિરોધથી જુદીજુદી કેટલીય આશ્ચર્યકારક શક્તિઓ પેદા થાય છે. પ્રાણાયામના અભ્યાસની મદદથી પ્રાણને શરીરમાં પોતાની ઈચ્છાનુસાર રાખી શકનારા યોગી ઈચ્છા પ્રમાણે શરીરને સાચવી તથા ઈચ્છા પ્રમાણે છોડી શકે છે. એવા યોગીઓ માને છે કે શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી જીવન રહે છે ને શરીરમાંથી પ્રાણ બહાર જાય છે ત્યારે મૃત્યુ થાય છે. એવી માન્યતાથી પ્રેરાઈને ઈચ્છાનુસાર સમયપર્યંત જીવવાની ઈચ્છાવાળા યોગીઓ પોતાના પ્રાણને પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા વશ કરીને સ્વેચ્છા પ્રમાણે શરીરમાં રોકી શકે છે. એવી જ રીતે શરીરના પરિત્યાગની ઈચ્છા થાય ત્યારે પ્રાણાયામની સવિશેષ શક્તિ દ્વારા પ્રાણને સહેલાઈથી શરીરની બહાર કાઢીને પોતાના વર્તમાન જીવન પર પડદો પાડી દે છે. પ્રાણાયામ પરાયણ યોગી એવી રીતે કાળના બંધનમાંથી કાયમને માટે મુક્તિ મેળવે છે.
પ્રાણાયામની સાધના કરનારે મનની સુધારણાનું પણ ધ્યાન રાખવું જોઈએ. મનની સુધારણાનું સ્થાન જીવનમાં ઘણું મોટું છે. એની સિદ્ધિ વિનાની પ્રાણાયામની સાધના શક્તિ આપે તોપણ શાંતિ નથી બક્ષી શકતી ને જીવનનું શ્રેય પણ નથી સાધતી. માટે પ્રાણના સંયમની સાથે મનની શુદ્ધિનું ધ્યાન પણ રાખવું જોઈએ.
- શ્રી યોગેશ્વરજી