વર્તમાન સમયમાં અને એમાંય સવિશેષ તો મોટાં શહેરોમાં માનવનું જીવન ખૂબ જ પ્રવૃત્તિપરાયણ બન્યું છે અને એને લીધે ઓછાવત્તા પ્રમાણમાં અશાંતિ અનુભવી રહ્યું છે. સમસ્યાઓ વધતી જાય છે અને એમના ઉકેલો ઉત્તરોત્તર અધિકાધિક અટપટા બનતા દેખાય છે. માણસ મોટે ભાગે મશીનની જેમ જીવતો થઈ ગયો છે — સુવિચાર, સદ્ ભાવ અને સુવ્યવસ્થિત સંવેદનશીલતા સિવાય. એનું ચિત્તતંત્ર વાતાવરણની અસરથી અવારનવાર ઉત્તેજિત થાય છે ને ઉશ્કેરાઈ જાય છે. પશ્ચિમના દેશોમાં અને આપણા દેશમાં પણ કેટલાય માનવો એવા છે જે જીવન જીવવા ખાતર જ, જીવવું પડે છે માટે, ના-છૂટકે જેમતેમ જીવે છે. તેઓ જીવનનો આનંદ કે રસ નથી લઈ શકતા, જીવનને આશીર્વાદરૂપ ગણવાને બદલે અભિશાપરૂપ સમજે છે, અને એનો સંબંધવિચ્છેદ કરવાની ઈચ્છા રાખે છે. એ સુખપૂર્વક સૂઈ પણ નથી શકતા. સુખ, શાંતિ અને આનંદપૂર્વક જીવવાનું એમને માટે આકાશકુસુમ સમાન અશક્ય થઈ ગયું છે. એ અભાવમાં અને ભાવમાં બંને પ્રકારની અવસ્થામાં અશાંત અને દુઃખી જ રહેતા હોય છે. એમનો જીવનરસ સાવ સુકાઈ ગયો હોય છે. એમને ખોવાયેલો જીવનરસ કેવી રીતે પાછો મળે અને શી રીતે જ્યોતિર્મય જીવવાયોગ્ય જીવન જડે ?
ધ્યાનનો નિયમિત રીતે એકધારો અખંડ અભ્યાસ કરવાથી. ધ્યાન એક અસાધારણ-અલૌકિક રસાયણ છે. એના સેવનથી સર્વ પ્રકારના માનવોની કાયાપલટ થાય છે. જીવન એના અભ્યાસથી રસમય, સ્વસ્થ, સુખી તથા શાંત બને છે, ને ચિત્તતંત્રના સઘળા ઉશ્કેરાટો શમી જાય છે. જીવનમાં સર્વ કાંઈ હોવા છતાં જે ઊંડો અભાવ લાગે છે એ અભાવની પૂર્તિ સરસ રીતે થઈ શકે છે.
ધ્યાનની આવશ્યકતા કેવળ ત્યાગીઓને કે વિરક્તોને જ છે એવું નથી સમજવાનું. આપણે ત્યાં કેટલાકનું મંતવ્ય એવું છે કે જે સંસારની બાહ્ય પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરીને નિતાંત એકાંતમાં વસતા હોય તે જ ધ્યાન કરી શકે; ધ્યાનની સાધના એમને જ માટે મુકર્રર થયેલી છે; પ્રવૃત્તિપરાયણ સંસારી મનુષ્યો જો ધ્યાનના અભ્યાસક્રમનું આલંબન લે તો નીરસ બની બેસવાનો સંભવ રહે છે; એમનો જીવન પ્રત્યેનો સઘળો ઉત્સાહ ઓસરી જાય છે અને એ જડતા ધારણ કરે છે, વિગેરે. એના જેવી આધાર વગરની ભ્રાંત ધારણા બીજી કોઈ જ નથી. ધ્યાનના અભ્યાસક્રમથી જીવન જડ થતું કે ઉત્સાહરહિત અથવા નીરસ નથી બનતું, પરંતુ અવનવા રસ, ઉત્સાહ, આનંદ અને ચેતનાથી સભર બની કે ચમકી ઊઠે છે. જડ જીવનમાં ધ્યાન એક નૂતન જ્યોતિનું નિર્માણ કરે છે અને અવનવો, સુદીર્ઘ સમયપર્યંત ટકનારો દૈવી પ્રકાશ ભરે છે.
સંસારની બાહ્ય પ્રવૃત્તિઓને પરિત્યાગીને વિવિક્તવાસ કરનારા વિરક્તોને તો ધ્યાનની આવશ્યકતા છે જ; પરંતુ પ્રવૃત્તિપરાયણ પુરૂષોને માટે પણ એ એવું જ, બલકે એથી પણ અધિક આશીર્વાદરૂપ છે. પ્રવૃત્તિપરાયણ પુરૂષોને પ્રતિપળે તથા પ્રતિપદે પ્રતિકૂળ પરિસ્થિતિનો, મનની અસ્થિરતાનો ને અશાંતિનો સામનો કરવો પડે છે. એમાં સ્વસ્થ ને સુરક્ષિત રહેવાની સમુચિત શક્તિ સંપાદન કરવા માટે ધ્યાનનો અભ્યાસ આશીર્વાદરૂપ ઠરે છે. એવો અભ્યાસ અલિપ્તભાવે અનાસક્તિપૂર્વક શ્વાસ લેવાની, ઉત્તરોત્તર આત્માભિમુખ બનવાની અને આત્મ સાક્ષાત્કાર કરવાની ક્ષમતા બક્ષે છે. દુન્યવી જીવન સદાને સારુ સરળ તથા સ્વચ્છ નથી હોતું. એનો આધાર લઈને આગળ વધનારને વિવિધ પ્રલોભનોનો સામનો કરવો પડે છે તેમ જ બહુવિધ ભયસ્થાનોમાંથી સલામત રીતે પસાર થવું પડે છે. ધ્યાન દ્વારા એ જટિલ જીવનપ્રવાસને સફળતાપૂર્વક પાર કરવાનું સામર્થ્ય સાંપડે છે. એટલે આપણે તો કહીશું કે ધ્યાન જેવા અંતરંગ સાધનાત્મક અભ્યાસક્રમની અનિવાર્ય આવશ્યકતા સૌ કોઈને છે - મનુષ્યમાત્રને. જીવમાત્ર દ્વારા એનું અનુષ્ઠાન થઈ શકતું હોય તો જીવમાત્રને એની આવશ્યકતા છે એમ કહીએ તોપણ હરકત નથી. ધ્યાન કોઈ એક જ વર્ગવિશેષનો કે દેશવિશેષનો ઈજારો નથી. સૌને માટે શુભાશીર્વાદરૂપ બની શકે છે. અલ્પ અથવા અધિક કાળનો ધ્યાનનો અભ્યાસ ઉત્તેજિત ચિત્તતંત્રને શાંત કરે છે. અને શાંત ચિત્તતંત્રને પ્રશાંત બનાવે છે. એની અંદર ધાર્યા કરતાં ઘણી મોટી મહામૂલ્યવાન સંજીવની શક્તિ સમાયેલી છે.
કોઈ-કોઈ વિદ્વાનો ને વિચારકો તરફથી કદીકદી પૂછવામાં આવે છે કે ધ્યાનને તો પાતંજલ યોગદર્શનમાં અષ્ટાંગયોગનું સાતમું અંગ કહી બતાવવામાં આવ્યું છે, એનો અભ્યાસ આરંભમાં કરીએ એ બરાબર છે ? યોગદર્શનમાં તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન એવાં ક્રમિક અંગો કે સોપાનો દર્શાવવામાં આવ્યાં છે.
એમનો પ્રશ્ન અસ્થાને નથી. એ પ્રશ્ન બીજા કેટલાક સામાન્ય માનવોને કે સાધકોને પણ સતાવતો હોય છે. એનો સંતોષકારક સમ્યક્ પ્રત્યુત્તર પામી ન શકવાને લીધે એ મીઠી મૂંઝવણમાં પણ પડે છે. એમની મૂંઝવણનો અંત સહેલાઈથી આણી શકાય તેમ છે. યોગદર્શનમાં ધ્યાનને યોગસાધનાનું સાતમું અંગ કહેવામાં આવ્યું છે એ સાચું છે; પરંતુ એનો અર્થ એવો નથી કે એનો અભ્યાસ અન્ય અંગોના અનુષ્ઠાન કે અભ્યાસ પછી ક્રમશઃ જ કરાવો જોઈએ. યમનિયમાદિ અંગોના સમ્યક્ અનુષ્ઠાન પછી જો ધ્યાન કરવામાં આવે તો તેમાં કશું ખોટું નથીઃ એવો ક્રમ લાભકારક છે; પરંતુ એના પરિપૂર્ણ પાલન પહેલાં પણ ધ્યાનનો આશ્રય લેવામાં આવે તો એ આશ્રય આશીર્વાદરૂપ અથવા ઉપયોગી ઠરે છે.
મહર્ષિ પતંજલિએ વર્ણવેલાં અંગોમાંથી પ્રથમ અંગનો એટલે કે યમનો અને પાંચ પ્રકારના યમમાંથી પ્રથમ યમ-અહિંસા-નો સંપૂર્ણપણે અભ્યાસ કરવામાં આજીવન સાધનાની આવશ્યકતા રહે છે તો પછી યોગસાધનાનાં અન્ય અંગોનું અનુષ્ઠાન તો થાય ક્યારે ? એને માટે આવાં અન્ય અનેક જીવનની પ્રતીક્ષા કરવી પડે. એટલે સાધનાનાં અન્ય અંગોના અભ્યાસની સાથે ધ્યાનનો અભ્યાસ પણ ચાલુ રાખવો જોઈએ. યમનિયમનું પાલન સુચારુ રીતે થતું જશે તેમતેમ ધ્યાનનો આનંદ અધિક મળશે અને ધ્યાનનો અભ્યાસ વધતો જશે તેમતેમ પરિપાલન દ્વારા જીવનને જ્યોતિર્મય બનાવવાની પ્રેરણા મળતી રહેશે. એ બંનેનો અભ્યાસ એવી રીતે પરસ્પર પૂરક થશે. એટલે જે આરંભથી જ ધ્યાન આરંભે છે તે જીવનના જરૂરી વિકાસ પ્રત્યે જાગ્રત હોય તો કશું ખોટું નથી કરતા. એમણે કોઈ પણ પ્રકારની આશંકા સેવવાની કે ભ્રમણામાં પડવાની જરૂર નથી.
- શ્રી યોગેશ્વરજી