આત્મજ્ઞાનીને ધ્યાનની આવશ્યકતા ખરી ? આત્મજ્ઞાની શાસ્ત્રાધ્યયન અને ચિંતનમનની પ્રક્રિયા દ્વારા બૌદ્ધિક રીતે સમજે છે કે હું આત્મા છું; શુદ્ધ, બુદ્ધ, મુક્ત ને નિત્યનિરંજન છું. પરંતુ બૌદ્ધિક રીતે સમજવું એ એક વાત છે અને જે કાંઈ બૌદ્ધિક રીતે સમજીએ એને આચારમાં અનુવાદિત કરીને અનુભવગમ્ય બનાવવું એ બીજી જ વાત છે. આત્મજ્ઞાની કેવળ પરોક્ષ જ્ઞાની હોય અને અપરોક્ષાનુભૂતિથી અલંકૃત ન હોય તો જ્ઞાનના પ્રભાવથી જીવનની સિદ્ધિને કે જીવનસાર્થક્યને ભાગ્યે જ મેળવી શકે. એટલા માટે, પરોક્ષ જ્ઞાનના પ્રભાવોત્પાદક પવિત્ર પ્રદેશમાંથી આગળ પ્રયાણ કરીને અપરોક્ષાનુભૂતિના પરમકલ્યાણકારક પરમપવિત્ર પ્રદેશમાં પ્રવેશવા ને ધન્ય બનવા માટે ધ્યાનની અંતરંગ સાધનાની અનિવાર્ય આવશ્યકતા છે. જેમને આત્માની અપરોક્ષાનુભૂતિનો દેવદુર્લભ લાભ મળી ચૂક્યો હોય તે પણ ધ્યાનની સાધના ચાલુ રાખે તો તેમાં તેમને કોઈ પણ પ્રકારની હાનિ નથી થવાની. એવા આત્મતૃપ્ત પ્રશાંત કૃતકૃત્ય મુક્ત પુરૂષો ધ્યાનની સહજ સદાની સાધના દ્વારા સાધકો આગળ અસાધારણ આદર્શ ઊભો કરશે. એમની સાધના અપૂર્ણતામાંથી પૂર્ણતામાં, બંધનમાંથી મુક્તિમાં, અશાંતિમાંથી શાંતિમાં, અવિદ્યારૂપી ઘોર અંધકારમાંથી પ્રજ્ઞાના પવિત્રતમ પ્રકાશમાં અને અસત્ માંથી સત્ માં પ્રવેશવા તથા પ્રતિષ્ઠિત થવા નહિ કરાતી હોય તોપણ ઉપયોગી થઈ પડશે એ નિર્વિવાદ છે.
પરોક્ષ જ્ઞાનીએ તો એ જ્ઞાનને આત્મસાત્ કરવા અને અપરોક્ષ જ્ઞાનમાં પલટાવવા ધ્યાન કરવું જ જોઈએ. પરોક્ષ જ્ઞાન આત્મા અથવા પરમાત્મા સંબંધી બૌદ્ધિક માહિતી પૂરી પાડે છે. તોપણ આત્મા કે પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય નથી કરાવી શકતું. એવા પરિચયને માટે ધ્યાનની અંતરંગ પ્રક્રિયા અપનાવવી પડે છે. આ પ્રક્રિયાની મદદથી આપણી પોતાની અંદર વિરાજમાન ચેતનાને કે પરમ પદાર્થને ઓળખી શકાય છે.
ઉપનિષદના ઋષિ જણાવે છે કે આત્માનો અપરોક્ષ અનુભવ કરો. आत्मनं विजानीया । એ આત્માની પરમચેતના આપણી પોતાની અંદર અને સંસારમાં સર્વત્ર છે એમ પણ એ કહી બતાવે છે. એના વિના એક અણુ કે પરમાણુ પણ ખાલી નથી તોપણ એનું દર્શન આપણને નથી થતું. એના સિવાયનું બીજું બધું જ દેખાય છે પરંતુ એનું દર્શન દુર્લભ જ નથી, આકાશકુસુમસમાન, અશક્ય છે. એ સર્વવ્યાપક સર્વાન્તર્યામી અવિનાશી આત્માનું દર્શન કેવી રીતે થાય ? વૈજ્ઞાનિકો કહે છે કે હવા વિના પૃથ્વીની કોઈ પણ જગ્યા ખાલી નથી. હવા એક સ્થળેથી પસાર થાય છે એટલે પાસેની બીજી હવા એનું સ્થાન લઈને એ રિક્ત સ્થાનને સત્વર ભરી દે છે. વિશ્વના વાયુમંડળમાં હવાનો અખંડ અનવરત અનાદિકાળનો મંગળ મહારાસ રમાઈ રહ્યો છે એમ કહીએ તો ચાલે. એવું હોવા છતાં ઉઘાડી આંખે હવાને જોવાનું કાર્ય કઠિન હોય છે. હવા ઠંડી કે ગરમ છે, મંદ કે પ્રબળ છે, એવું અનુભવાય છે ને વાવાઝોડા વખતે હવાનું તાંડવ દેખાય છે; પરંતુ એના પરમાણુઓને અખંડ રીતે નથી જોઈ શકાતા. તો પણ આપણે વિજ્ઞાનીઓની હવાની વાસ્તવિકતાની ને વ્યાપકતાની વાતમાં વિશ્વાસ રાખીએ છીએ. એમની વાતનો ઈન્કાર નથી કરતા અને એમ નથી કહેતા કે હવા હોય તો દેખાતી કેમ નથી, દેખાશે પછી જ એના અસ્તિત્વમાં વિશ્વાસ રાખીશું. વિજ્ઞાનીઓના કહ્યા પ્રમાણે જો સૂક્ષ્મદર્શક યંત્રનો આધાર લઈને એની મદદથી અવલોકીએ તો હવાના અસંખ્ય પરમાણુઓને વાતાવરણમાં વિહરતાં વિલોકી શકાય છે ને હવાની વાસ્તવિકતામાં વિશ્વાસ બંધાય છે. એ વૈજ્ઞાનિક અનુસંધાન પ્રમાણે આપણા પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય સ્વાનુભવસંપન્ન ઋષિવરો અને વિદ્વાનો કહે છે કે હવા કરતાં પણ અતિશય સૂક્ષ્મ પરમાત્મતત્વને સ્થૂળ દ્રષ્ટિએ પેખવાનું કાર્ય કપરું હોવા છતાં, ધ્યાન દ્વારા સંપ્રાપ્ત સમાધિની અલૌકિક અવસ્થામાં અતિશુદ્ધ બુદ્ધિવાળા સદાચારી સુસંસ્કારી સત્પુરૂષો એનું દર્શન કરી શકે છે.
ભગવાન શંકરાચાર્યે વિવેકચૂડામણિ નામના પોતાના સુપ્રસિદ્ધ ગ્રંથમાં લખેલો આ સંદર્ભનો શ્લોક આ રહ્યોઃ
अतीव सूक्ष्मं परमात्मतत्त्वं न स्थूल दृष्ट्याप्रतिपत्तुमर्हति ।
समाधिनात्यंतसुसूक्ष्मवृत्या ज्ञातव्यमार्ये रतिशुद्धबुद्धिभिः ॥
પરોક્ષ જ્ઞાનીને આત્માનુસંધાન, આત્મસાક્ષાત્કાર અને એ દ્વારા જીવનના આત્યંતિક કલ્યાણ માટે ધ્યાનની અંતરંગ સાધનાની આવશ્યકતા હોવાનો નિર્દેશ કરતાં એમણે એ જ ગ્રંથમાં જણાવ્યું છે :
शमादिषटसंपन्नः कृतश्रवणकर्मणः ।
समाधिं विदधात्येषां शान्तो दान्तः ईति श्रुतिः ॥
'વિવેક, વૈરાગ્ય તથા શમદમાદિ છ પ્રકારની સંપત્તિથી જે સંપન્ન હોય ને સદ્ ગુરૂની સંનિધિ દ્વારા સદુપદેશનું જેણે શ્રવણ કર્યું હોય તેવા સાધકે શ્રુતિના સંકેતાનુસાર સંપૂર્ણ શાંત ને સંયમી બનવા માટે અથવા આત્મસાક્ષાત્કાર દ્વારા જીવનને કૃતાર્થ કરવા માટે ધ્યાન દ્વારા સમાધિની અનુભૂતિ કરવી જોઈએ.’
ગીતાના બીજા અધ્યાયમાં પણ ભગવાન કૃષ્ણે અર્જુનને અંતરંગ અભ્યાસની અગત્યતા બતાવતાં કહ્યું કે વેદાદિ સદ્ ગ્રંથોના શ્રવણ મનનને પરિણામે પ્રાપ્ત થયેલી શંકારહિત નિશ્ચયાત્મિકા બુદ્ધિ સમાધિની અસાધારણ અવસ્થામાં સ્થિર બનશે ને વિલીન થશે ત્યારે પરમાત્માનો સમાગમ શક્ય બની રહેશે.
श्रुतिविप्रतिपन्ना तेयदा स्थास्यति निश्चला ।
समाधिवचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ।
ગીતાના પંદરમા અધ્યાયમાં કહ્યું છે કે અંતરંગ સાધનાત્મક અભ્યાસનો આધાર લઈને આગળ વધનારા યોગીપુરૂષો આખરે પોતાની અંદર આત્માનું અપરોક્ષ દર્શન કરી શકે છે. यतंतो योगिनश्चैन पश्यंत्यात्मन्यवस्थितम् ।
બૃહદારણ્યક ઉપનિષદમાં મહર્ષિ યાજ્ઞવલ્કય મૈત્રેયીને ઉપદેશે છે :
मैत्रेयी अयमात्मा व अरे श्रोतव्यो मंतव्यो बौद्धव्य़ो निदिध्यासितव्या दृष्टव्यः ।
'મૈત્રેયી, આ આત્મા શ્રવણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય, જાણવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય અને દર્શન કરવા યોગ્ય છે.’
એ ઉદ્ ગારોમાં ધ્યાનનું મહત્વ બતાવવાની સાથેસાથે ધ્યાન દ્વારા આત્મદર્શનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.
એ અને એવા બીજા ઉદ્ ગારો બૌદ્ધિક વિકાસનો આશ્રય લઈ અને એની ઉપરવટ જઈને આત્મસાક્ષાત્કાર દ્વારા જીવનને કૃતકૃત્ય, પૂર્ણ ને મુક્ત બનાવવાની પ્રેરણા પૂરી પાડે છે. એ ઉદ્ ગારો સૂચવે છે કે જીવનનું લક્ષ્ય કેવળ બૌદ્ધિક પ્રતિભાની પ્રાપ્તિ પૂરતું જ મર્યાદિત ન રહેવું જોઈએ. ગમે-તેવી અસાધારણ બૌદ્ધિક પ્રતિભા પણ છેવટે તો પોતાના મૂળભૂત વાસ્તવિક આત્મા સ્વરૂપને ઓળખવા માટે જ છે. એમાં અને એને માટેના શ્રદ્ધાભક્તિયુક્ત પુરૂષાર્થમાં જ એની સાર્થકતા સમાયેલી છે. માનવીની પોતાની અંદર જે ચેતના અથવા આત્મિક આભા છે. એની અનુભૂતિ પોતાની અંદર અવલોકવાથી જ થઈ શકે છે. એનું અવલોકન એક વાર પોતાની અંદર થઈ જાય પછી બહાર પણ સહેલાઈથી થઈ શકે છે.

ધ્યાનની આવશ્યકતા એવી રીતે સામાન્ય અને અસામાન્ય સૌને માટે એકસરખી છે. આત્મવિકાસની અંતરંગ સાધનામાં એનું સ્થાન ખૂબ જ આગળ પડતું અને અનિવાર્ય અથવા અપરિહાર્ય છે. મહર્ષિ પતંજલિના યોગદર્શનમાં કહ્યા પ્રમાણે ધ્યાન શું છે તે પણ વિચારવા જેવું છે. એમાં ધ્યાનની વ્યાખ્યા આપતાં કહેવામાં આવ્યું છે કે तत्र प्रत्ययैकतानता ध्यानम् । ધ્યાનમાં બે મહત્વની વસ્તુઓનો સમાવેશ થાય છે : એક તો પ્રત્યય અને બીજી એકતાનતા. જે વસ્તુનું ધ્યાન કરવામાં આવે છે તે વસ્તુનો સજીવ વિશ્વાસ પ્રકટવો જોઈએ. એટલે કે તે સિવાય બીજી બધા જ વિષયોનું વિસ્મરણ કરીને મન તેની અંદર જોડાઈ જવું જોઈએ. એની અંદર જોડાયેલા મનને એના સિવાય બીજા કશાની સ્મૃતિ તથા રસવૃત્તિ ન રહેવી જોઈએ. ધ્યાનની એ પ્રથમ આરંભની શરત છે. ધ્યેય પદાર્થમાં જોડાયેલું મન એવી રીતે સ્થિર થાય છે એટલે એમાં એકાકાર અથવા ઓતપ્રોત થઈ જાય છે.
ધ્યાનની એ બીજી મહત્વની શરત છે. એટલા વિવરણ પરથી સહેલાઈથી સમજી શકાય છે કે ધ્યાન મનને સ્થિર, એકાગ્ર અને ઓતપ્રોત કરવા માટેની એક કલ્યાણકારક ક્રિયા છે. એમાં ઊંડી શાશ્વત શાંતિનો અનુભવ થાય છે. એની સાધના દરમિયાન મન ઉત્તરોત્તર વધારે ને વધારે શાંતિમાં પ્રવેશે છે. ધ્યાનને નામે આજે ઠેકઠેકાણે એવી સામૂહિક ક્રિયાઓ કરવામાં આવે છે જેમાં ભાગ લેનારાં જુદાં જ દ્રશ્યો ઊભા કરે છે. એમાંથી કોઈક હસે છે, કોઈક રડે છે, કોઈ નાચવા લાગે છે, કોઈ કોઈને આલિંગે છે, તો કોઈ વસ્ત્રો કાઢીને ફરે છે. એવી ચંચળ ક્રિયાપ્રક્રિયાઓને ધ્યાનને નામે ઓળખાવવામાં ધ્યાનના નામને નીચું કરવા જેવું છે. ધ્યાનની એવી અસરોનો ઉલ્લેખ યોગના પરંપરાગત કોઈ પણ ગ્રંથમાં નથી આવતો અને અનુભવવા પણ નથી મળતો. પ્રકૃતિના પાશમાં પડેલો પુરૂષ જીવનમાં અવારનવાર હસે છે, રડે છે, નાચે છે, ને મર્યાદારહિત થઈને જાતજાતની લીલાઓ કરતો રહે છે. ધ્યાનનો આધાર તો એમાંથી મુક્તિ મેળવીને શાંતિ મેળવવા, અચળ બનવા અને આત્માનુભૂતિ કરવા લેવાતો હોય છે. એમાં તન તથા મનના એવા વિકૃત અભિનયોને અવકાશ નથી ને ન હોવો જોઈએ. એવા અભિનયોને ધ્યાનના અભ્યાસના અંગરૂપ માનવા-મનાવવામાં ધ્યાનનું અજ્ઞાન જ રહેલું છે. એમનો સંબંધ ધ્યાનની સાથે જોડવાનું લેશ પણ હિતાવહ નથી લાગતું. એમાં ધ્યાનની કુસેવા રહેલી છે. ધ્યાન તો આરંભથી માંડીને ઠેઠ અંત સુધી શાંતિપૂર્વક થનારી, અલ્પ શાંતિમાંથી અધિકાધિક શાંતિમાં અને છેવટે સંપૂર્ણ શાશ્વત શાંતિમાં પ્રવેશવાની પ્રક્રિયા કે સાધના છે એ હકીકતનું સદા સ્મરણ રહેવું જોઈએ.

- શ્રી યોગેશ્વરજી