આત્મવિકાસના આરંભના અને આગળ પડતા બંને પ્રકારના સાધકોમાં કુંડલિની શબ્દ ખૂબ જ પ્રચલિત છે; એટલું જ નહિ, એને વિશે ભિન્નભિન્ન વિચારો પ્રવર્તે છે. એ વિચારો મોટે ભાગે રૂઢ અથવા પરંપરાગત હોય છે. એ વિચારોના અનુસંધાનમાં સાધકો સમજે છે કે કુંડલિની શક્તિની જાગૃતિ જ જીવનમાં સર્વકાંઈ છે, અને એની જાગૃતિ વિના સાધના સંપૂર્ણતા પર નથી પહોંચી શકતી. મૂલાધાર શક્તિની ભૂજંગિકાધારિણી કુંડલિની શક્તિને વિભિન્ન ઉપાયો દ્વારા જગાવવામાં ને કરોડરજ્જુમાં ઉત્તરોત્તર ઉપર ચડાવવામાં ન આવે ત્યાં સુધી આત્મવિકાસ અધૂરો રહે છે એવી એમની મજબૂત માન્યતા હોય છે. એ માન્યતાને લીધે એ ગમે તેટલા જપ કરે, ગમે તેટલું ધ્યાન ધરે, અને ગમે તેવા ને તેટલા આત્મવિચારનો આધાર લે તોપણ પોતાની કુંડલિનીનું જાગરણ થયું છે કે નથી થયું એવી સંશયાત્મિકા વૃત્તિને સેવ્યા કરે છે. કુંડલિની શક્તિની જાગૃતિના જે પ્રયોગો સમાજમાં થતા દેખાય છે તેનો લાભ લઈને પોતાની માની લીધેલી ક્ષતિની પૂર્તિના પ્રયત્નો કરવાનું ધ્યાન એમને હંમેશાં રહેતું હોય છે. એને લીધે એમના જીવનમાં એક પ્રકારનો ઊંડો અસંતોષ પણ રહેતો હોય છે. એ અસંતોષ ચિત્તને ચંચળ કરવામાં ઘણો મોટો ભાગ ભજવે છે.
કુંડલિનીની જાગૃતિ માટેના જે છૂટાછવાયા પ્રયોગો તેમાં નિષ્ણાત મનાતી વ્યક્તિઓ દ્વારા થઈ રહ્યા છે તે વિચાર માગી લે તેવા છે. એવા પ્રયોગો દ્વારા જેમનો કુંડલિનીજાગરણનો દાવો કરવામાં આવે છે એમની ઉપર મુખ્યત્વે કેવીક અસરો પડે છે તે જાણવા જેવું છે. તટસ્થ રીતે અધ્યયન કરવાથી સમજાય છે કે એમનામાંના કેટલાક શારીરિક ઝંકૃતિનો અનુભવ કરે છે, નાચે છે, હસે છે, અથવા અનેકવિધ આસનોનો, પ્રાણાયામોનો ને મુદ્રાઓનો અભિનય કરે છે. એમ કહેવાય છે કે કોઈ સ્વાનુભવસંપન્ન પ્રતાપી પુરૂષ દ્વારા શક્તિપાત થવાથી થનારી કુંડલિનીજાગરણની એવી સ્વાભાવિક અસરો ઊભી થતી હોય છે. કેટલાક સાધકોને એવા ચિત્રવિચિત્ર આશ્ચર્યકારક અનુભવો થતા હશે ખરા; પરંતુ કુંડલિની જાગૃતિ સાથે સંબધિત શાસ્ત્રોએ ને સત્પુરૂષોએ એ અનુભવોને મહત્વના નથી માન્યા. ભારતમાં જ્ઞાનમાર્ગની પ્રચલિત પરંપરામાં કુંડલિની શબ્દનો પ્રયોગ જ નથી કરવામાં આવ્યો. ભક્તિમાર્ગમાં પણ એનો ઉલ્લેખ નથી મળતો અને એનું મહત્વ નથી મનાતું. યોગમાર્ગમાં પણ કેવળ હઠયોગની સાધનાપદ્ધતિમાં જ એનો નિર્દેશ કરાયેલો છે. એ નિર્દેશ પ્રમાણે પણ કુંડલિની જાગૃતિનો પ્રભાવ સાધક પર એવો નથી પડતો કે એ હસવા, રડવા તથા નાચવા માંડે. એની જાગૃતિના પ્રભાવને પરિણામે એનાં તન, મન, વચન અને આત્મા પર અસાધારણ અસરો પડતી હોય છે. એ અસરો શાંત હોય છે. એમને લીધે એનું શરીર હલકું તથા કાંતિવાળું બને છે, એનાં મળમૂત્ર ઓછાં થાય છે, એની વાણી મધુમયા બની જાય છે, એની અંદરનો મળ દૂર થવા લાગે છે; એનું મન મધુમય, સાંત સાત્વિક અને એકાગ્ર બને છે, અને એનો આત્મા ઊંડી, પાર વિનાની પ્રસન્નતા અનુભવે છે. કુંડલિનીજાગરણનો એવો પ્રભાવ સાધકને માટે અણમોલ આશીર્વાદરૂપ થઈને એનું પરમકલ્યાણ કરે છે એમાં સંદેહ નથી, પરંતુ મોટા ભાગના સાધકોનું ધ્યાન એવી મહત્વની મૂળભૂત પ્રતિક્રિયાઓ પર કેન્દ્રિત થવાને બદલે કેટલીક કામચલાઉ સ્થૂળ ક્રિયાઓ પર જ કેન્દ્રિત થાય છે એ લેશ પણ ઉત્તમ, આદર્શ અથવા આવકારદાયક નથી લાગતું. શક્તિપાત ને સામૂહિક શક્તિપાત દ્વારા કુંડલિનીજાગરણ કરી દેવાનો દાવો કરનારા અને એવા વ્યવસાયમાં પડેલા પુરૂષોની જવાબદારી પણ એ દિશામાં ઓછી નથી લાગતી. એમને લીધે કુંડલિની શક્તિનું રહસ્ય મરી ગયું છે, એનું જાગરણ ખૂબ જ સસ્તું અને ઉપરછલ્લું થઈ ગયું છે, ને સાધકોની દ્રષ્ટિ ટૂંકી થઈ છે. એમની દ્વારા સાધનાની યથાર્થ સેવા નથી થઈ રહી.
એટલે જ સાધકો સાધના દરમિયાન સાધનાના સુપરિણામરૂપે તનનાં, વચનનાં ને મનનાં કેટલાંક ઉપર્યુક્ત શુદ્ધ સાત્વિક પરિવર્તનો પામ્યા હોય અને માનસિક એકાગ્રતા, સાત્વિકતા તથા પ્રસન્નતાને અનુભવતા હોય એ સાધકોએ કુંડલિનીજાગરણના અન્ય વિચારો ને ભાવોથી પ્રભાવિત બનીને ઓછું નથી આણવાનું. પોતાની અંદર કુંડલિનીવિષયક સાધનાત્મક ત્રુટિ સમજીને ઉદાસ નથી થવાનું કે બેચેન પણ નથી બનવાનું. કુંડલિનીજાગરણની માની લીધેલી કહેવાતી સ્થૂળ અસરોમાં અભિરુચિ રાખનારે પણ સમજી લેવું જોઈએ કે જીવનની સાધનાસમસ્યા સ્વલ્પ સમયની શારીરિક ઝંકૃતિથી, હસવાથી, રડવાથી, નર્તન કરવાથી કે વસ્ત્રો કાઢી નાખવાથી જ નથી ઊકલવાની. એને ઉકેલવા માટે તો વધારે ઊંડા ઊતરીને મનની સુધારણાની તથા માનસિક સંયમની સિદ્ધિ કરવી પડશે. એના સિવાય સાધનાનો સાચો સ્વાદ નહિ સાંપડી શકે. એ સંદર્ભમાં કુંડલિનીની પરંપરાગત રૂઢ વિચારધારાને નવેસરથી ને વધારે સૂક્ષ્મતાપૂર્વક તપાસીએ.
માનવીની અંદર ચિતિશક્તિ અથવા ચેતાનાનો વાસ છે. એ ચેતના સુષુપ્તાવસ્થામાં હોવાથી એની વૃત્તિ અધોગામિની થઈને, સંસારના બાહ્ય વિષયો તરફ ગતિશીલ બનીને, વહ્યા કરે છે. સાધના દ્વારા એ વૃત્તિને બાહ્ય વિષયો કે પદાર્થોમાંથી પાછી વાળવાની પ્રવૃત્તિ કરવાની સાથેસાથે, પોતાની સુષુપ્ત અંતરંગ આત્મશક્તિને કે ચેતનાને જાગ્રત કરવાની છે. સત્સંગ, સ્વાધ્યાય, પ્રાર્થના તથા નામજપ જેવાં સાધનોથી જાગ્રત કરેલી આત્મિક ચેતનાના પ્રવાહને ઊર્ધ્વગામી બનાવવાનો છે. માનવની વૃત્તિ બાહ્ય વિષયોમાં વહેતી હોય છે ત્યારે એ શરીરને ને બીજા પદાર્થોને જ પ્યારા માનીને એમની અંદર આસક્ત થાય છે. એમાંથી અહંતા-મમતાદિ જન્મે છે. એ વૃત્તિને પાછી વાળી ઊર્ધ્વગામીની બનાવી ને હૃદયમાં કેન્દ્રિત કરીને, પ્રેમ, કરુણા, ક્ષમા, સંવેદના જેવા સદ્ ભાવોને અનુભવવાના છે. એની સાથેસાથે ચેતનાના પવિત્રતમ પ્રકાશને મનની અંદર ભરી દઈને, ઉત્તમ વિચારો તથા ભાવોમાં સ્થિત થઈને આખરે આત્મામાં પ્રતિષ્ઠિત થવાનું છે. ચેતનાનું એવું અભ્યુત્થાન અથવા ઊર્ધ્વારોહણ આત્મવિકાસની સાધનામાં અત્યંત આવશ્યક છે. વાસ્તવિક કલ્યાણકારક કુંડલિનીજાગરણ એ જ છે. એમાં સાધકનું શ્રેય સમાયેલું છે. સાધકે એને સાધવા તૈયાર રહેવું જોઈએ.
કુંડલિનીજાગરણની પ્રક્રિયા એવી રીતે સૂક્ષ્મ જ્યોતિર્મય જગતમાં થનારી ભાવો કે સંકલ્પોની આશીર્વાદરૂપ જીવનોપયોગી પ્રક્રિયા છે. એને એવી નૂતન ને ગહન રીતે મૂલવીને સાધકે આત્મનિરીક્ષણની મદદથી પોતાની જાતને પૂછવું જોઈએ કે પોતાની વૃત્તિ કે ચેતનાનું કેન્દ્રીકરણ ક્યાં થયેલું છે. સ્થૂળ શરીરમાં, બાહ્ય વિષયોમાં કે ઈન્દ્રિયોના રસોમાં ? હૃદયની સંવેદનશીલતામાં અથવા ઊર્મિઓના અનુભવમાં ? મન તથા બુદ્ધિના પ્રદેશમાં ? અન્નમય કોશમાંથી-શરીરના લાલનપાલન અથવા શારીરિક સુખોપભોગમાંથી ઉપર ઊઠીને, પ્રાણમય તથા મનોમય કોશની રસવૃત્તિને છોડીને, વિજ્ઞાનમય અને આનંદમય કોશોની ઉપર જઈને, આત્માનુભૂતિનો આસ્વાદ લેવાનો છે. એ જ વાતને બીજી રીતે કહેવી હોય તો કહી શકાય કે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ ત્રણે પ્રકારના શરીરોનું અતિક્રમણ કરીને આત્મદર્શનનો અનેરો અમોઘ આનંદ મેળવવાનો છે.
માનવ જીવનવિકાસની છેક જ સામાન્ય કક્ષામાં, સીડીના શરૂઆતના સોપાન પર ઊભો હોય, સુસંસ્કૃતિ અથવા સુવિચારશીલ ન હોય ત્યારે એની અવસ્થા કેવી હોય છે ? એની ચિત્તવૃત્તિ વિશેષતયા સ્થૂલ શરીરમાં અને એના ઈન્દ્રિયજન્ય સુખોપભોગોમાં લાગેલી હોય છે. વિકાસની બીજી શ્રેણીમાં એ આગળ વધે છે ત્યારે શરીરના મધ્યવર્તી કેન્દ્રમાં, હૃદયમાં રસ લેતો થાય છે. ગીતાની ભાષામાં કહીએ તો मध्ये तिष्ठति राजसाः । એવા માનવના જીવનમાં હૃદય અને એના ભાવો મુખ્ય ભાગ ભજવે છે. વિકાસની એથીયે આગળની કક્ષામાં મસ્તકનું એટલે કે ચિંતનમનન અથવા બુદ્ધિનું મહત્વ વધી જાય છે. એ વખતે માનવ શારીરિક આકર્ષણ, રસ કે મોહને નથી અનુભવતો, પોતાના હૃદયનો ગુલામ પણ નથી બનતો, પરંતુ આત્મવિચારમાં, બુદ્ધિના વિકાસમાં, મનના સુધાર તેમ જ સંયમમાં, જપ-ધ્યાન અને સત્સંગ-સ્વાધ્યાય તથા પ્રાર્થનામાં પોતાની જાતને પરોવે છે. એના આનંદનું મુખ્ય કેન્દ્ર મનનો ઊર્ધ્વ પ્રદેશ હોય છે. उर्ध्व गच्छन्ति स्त्वस्थाः । પરંતુ જીવનનો વિકાસક્રમ એટલેથી જ પૂરો નથી થતો. છેવટે તો માનવે મન તેમજ બુદ્ધિને અતિક્રમીને આત્માના અલૌકિક-પવિત્ર પ્રદેશમાં પહોંચીને આત્મસાક્ષાત્કાર કરવાનો છે. આત્મિક ચેતનાને જગાવીને એનું ઉત્તરોત્તર અભ્યુત્થાન કરીને એવી રીતે એ ચેતનાનો આત્મસાક્ષાત્કાર માટે ઉપયોગ કરવાનો છે. કુંડલિનીજાગરણનું મુખ્ય રહસ્ય અથવા પ્રધાન પ્રયોજન એ જ છે. એને વીસરનારો અથવા એથી વંચિત રહેનારો સાધક પોતાનું સાચું ક્ષેત્ર નથી સાધી શકતો.
કુંડલિનીનું વર્ણન જે યોગગ્રંથોમાં કરવામાં આવ્યું છે તે યોગગ્રંથોમાં એને સૂક્ષ્માતિસૂક્ષ્મ શક્તિ તરીકે કહેવામાં આવી છે. એ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાથી એને સ્થૂળ રીતે અવલોકવાનું અશક્ય જેવું છે. ધ્યાનની ઊંડી અવસ્થામાં ઉત્તમ કક્ષાના સાધકને એનો અનુભવ થઈ શકે ખરો. એવા સાધકવિશેષો ખૂબ જ વિરલ હોય છે.
કુંડલિનીજાગરણ વિશે એક બીજી હકીકત પણ જાણવા જેવી છે. કોઈ-કોઈ વિરલ અસાધારણ શક્તિસંપન્ન યોગીઓ પોતાના શુદ્ધ-સત્ય સંકલ્પ, દ્રષ્ટિપાત, વચન અથવા સંજીવની સમાન સુધાસભર સ્પર્શથી બીજાની કુંડલિની જાગૃતિ કરે છે એવું કહેવાય છે. એને લીધે એમને અવનવા ચિત્રવિચિત્ર અકલ્પ્ય અનુભવો પણ થતા હોય છે. કેટલાક સાધકો ભાવમાં ડૂબે છે ને બેહોશ પણ બની જાય છે. એ અનુભવો ગમે તેટલા વિસ્મયકારક અને વિશિષ્ટ હોવા છતાં સાચા સાધકે એમના મોહને મૂકીને એમનાથી આગળ વધવાનું છે. એવા વિશિષ્ઠ અનુભવો દ્વારા મનની શુદ્ધિ તથા ઉદાત્તતા ભાગ્યે જ સધાઈ શકે છે, અને જ્યાં સુધી એ ન સધાય ત્યાં સુધી સાધકનું જીવન જ્યોતિર્મય નથી બનતું. ગમે તેવી ભાવમય કે બેહોશ દશામાંથી પણ જાગ્રત થઈને આ પાર્થિવ પૃથ્વી પર એના વિવિધ વ્યવસાયો વચ્ચે તો આવવાનું જ છે. એવે વખતે જો કેવળ એકાદ આંજી નાખનારા ચમત્કૃતિજનક અસાધારણ અનુભવનો જ આધાર રાખ્યો હશે અને પ્રથમથી જ પોતાની પ્રકૃતિને પલટાવીને પવિત્ર કરવાનું ધ્યાન નહિ રાખ્યું હોય તો અહંતા, મમતા, કામ-ક્રોધ અને આસક્તિ થવાનો અવકાશ રહેશે; વાસના અને લાલસા, ભય-શોક અને સ્વાર્થવૃત્તિના શિકાર થવાશે, અંદર અને બહાર આત્માનુભૂતિ નહિ થઈ શકે, તે પ્રશાંતિની પ્રાપ્તિ દ્વારા પૂરેપૂરા કૃતાર્થ પણ નહિ થઈ શકાય. કેવળ ક્રિયાઓ પર નિર્ભર સાધકોના જીવનમાં એવી ત્રુટી રહી શકે છે. એથી ઊલટું, બાહ્ય ક્રિયાઓના ને ક્ષણજીવી પ્રતિક્રિયાઓના મોહને પરિત્યાગીને જીવનના શુદ્ધિકરણની અથવા વિચારો, ભાવો, વૃત્તિઓ તેમ જ વ્યવહારના ઊર્ધ્વીકરણની સમજપૂર્વકની શાંત સાધનામાં લાગેલા સાધકને સારુ એવી ત્રુટિનો સંભવ નથી રહેતો. એ સુરક્ષિત રીતે આગળ વધ્યે જાય છે. બાહ્ય ક્રિયાઓના અનુષ્ઠાનની સાથે આત્મિક વિશુદ્ધિની અભિરુચિ હોય તો-તો કહેવું જ શું ? એવી સાધના સાચેસાચ અમૂલખ આશીર્વાદરૂપ ઠરે.
આત્મવિકાસની અસાધારણ અભિરુચિવાળા સાધકોનાં સંતોષ અને સુખદ સમાધાન માટે એમની જિજ્ઞાસાના જવાબમાં આપણે કહીશું કે રોજરોજ આત્મનિરીક્ષણ કરવાથી, આત્મવિચાર, જપ અને ધ્યાનનો આધાર લેવાથી તેમજ પ્રેમપૂર્વકની પ્રાર્થનાથી થતી પરમાત્માની પરમકૃપાના પરિણામરૂપે માનવની ગમે તેવી ગૂઢ સુષુપ્ત શક્તિઓની જાગૃતિ આપોઆપ થઈ જાય છે. પરમાત્માની પરમકૃપાથી શું નથી થઈ શકતું ? વળી સાધનાત્મક જીવનનું લક્ષ્ય કેવળ માનવીની અંદર રહેલી સુષુપ્ત શક્તિને જ જગાડવાનું નથી; શક્તિના સ્વામી સર્વશક્તિમાન આત્માને પણ ઝંકૃત કરવાનું, જગાડવાનું અને ઓળખવાનું છે. આત્મવિકાસની સાધનાને નામે નાનીમોટી જે ક્રિયાઓ કરવામાં આવે એ આત્માભિમુખ કરનારી હોવી જોઈએ. સમજપૂર્વકની સાધના શનૈઃ શનૈઃ સાધકની સુષુપ્ત શક્તિને સજીવ કરી, સુદ્રઢ બનાવી, સર્વશક્તિમાન આત્માને ઓળખાવી, પરમાત્માની પાસે પહોંચવામાં મદદરૂપ બને છે. એટલા માટે શક્તિપાત દ્વારા કોઈ કશુંક આપી દેશે કે વરસાવી દેશે એવા મિથ્યા મોહમાંથી મુક્તિ મેળવીને અધિકાધિક આહ્લાદપૂર્વક સાધના કરવાની અને પ્રતિદિન ખંત, ધીરજ તેમ જ ઉત્સાહપૂર્વક કરતા જ રહેવાની આવશ્યકતા છે. સુદીર્ઘ સમયની સુવિચારયુક્ત સાધના પોતાની મેળે જ કેટલાંક નિશ્ચિત નક્કર પરિણામો પેદા કરશે.
- શ્રી યોગેશ્વરજી