if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનની આગળ સાધનાની સતત યુક્તદશાનો ઉલ્લેખ કર્યો છે. એ દશા કેવી હોય તે વિચારીએ. શરૂઆતમાં સાધક પોતાના મૂળભૂત વાસ્તવિક અસલ સનાતન સચ્ચિદાનંદ સ્વરૂપથી અથવા ઈશ્વરથી વિભક્ત હોય છે. એ એમનો અનુભવ નથી કરતો. એમના અનુભવની એ આકાંક્ષા રાખે છે અને એને માટે તલસે છે કે પ્રામાણિકપણે પ્રયત્નો કરે છે ખરો; પરંતુ એ આકાંક્ષા, તલસાટ તથા પ્રયત્નો સીમિત હોય છે. સાધનાના માર્ગ પર ધીમેધીમે ને ક્રમેક્રમે આગળ વધતાં એ પ્રયત્નો પરિપકવ બને છે અને આત્મસ્વરૂપના સ્વાનુભવની તેમ જ પરમાત્મદર્શનની ઈચ્છા વધતી જાય છે.

શરૂઆતમાં સાધક પોતાની સાધનાને અમુક ચોક્કસ દેશ, કાળ કે અવસ્થા પૂરતી મર્યાદિત રાખે છે. એવી મર્યાદા એને માટે સ્વાભાવિક જેવી હોવાથી એ એનું અતિક્રમણને કરીને આગળ નથી વધી શકતો. અમુક અનુકૂળ મનપસંદ પ્રદેશવિશેષમાં જ એ પોતાની સાધના કરી શકે છે. એનું મન ત્યાં સાધના કરવા માટે ટેવાઈ ગયું હોય છે. એ સાનુકૂળ સ્થાનમાં એને અદ્ ભૂત અવર્ણનીય શાંતિની, આનંદની અથવા પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. એ સ્થાનનું મીઠું બંધન પણ કેટલીક વાર એવું બળવાન બની જાય છે કે એને છોડવાનો અવસર આવે તો બીજું સ્થળ એને નથી ગમતું ને બીજા સ્થળમાં એનું મન સ્થિર પણ નથી થતું. સાધના જેમજેમ આગળ વધે છે ને ફળવતી બને છે તેમતેમ એવું બંધન દૂર થાય છે. પછી તો સાધક અમુક ચોક્કસ પ્રદેશવિશેષના મમત્વ કે મીઠા મોહમાંથી મુક્તિ મેળવીને જે સ્થાનમાં બેસવાનું મળે તે સ્થાનમાં બેસીને પોતાના મનને સ્વસ્થ, એકાગ્ર અને શાંત કરી શકે છે. કોઈ પણ પ્રદેશમાં એનું મન પરમાત્મપરાયણ રહી શકે છે. વિજનમાં કે વસતીમાં એની ચિત્તવૃત્તિ સાધનામાંથી ચ્યુત નથી થઈ શકતી. પ્રદેશવિશેષનો પ્રભાવ અને પ્રતિકૂળ પ્રભાવ એની ઉપર નથી પડતો. એના પોતાના પરમાણુપ્રદેશને પ્રભાવિત કરે છે. એવી અવસ્થા પ્રમાણમાં ઘણી ઊંચી કહેવાય છે.

શરૂઆતના સાધકને કાળનું બંધન પણ અસર કરે છે. કાળનું બંધન એટલે શું ? એવા બંધન દરમિયાન સાધક અમુક મનપસંદ ચોક્કસ નિર્ધારિત સમયે જ સાધના કરી શકે છે. એને બ્રાહ્મમુહૂર્તમાં અભ્યાસ કરવાની ટેવ પડી હોય છે તો બ્રાહ્મમુહૂર્તમાં જ બેસે છે અથવા એવી જ રીતે સાયંકાળે કે રાતે બેસે છે. પરંતુ અભ્યાસમાં આગળ વધ્યા પછી સમયનું એવું બંધન નથી રહેતું. પછી તો સાધક પોતાની ઈચ્છા અનુસાર ગમે તે સમયે સાધના કરી શકે છે અને સઘળા સમય દરમિયાન શાંતિ, આનંદ અને એકાગ્રતાની અનુભૂતિ કરે છે. તીખો તમતમતો મધ્યાહ્નકાળ પણ એને માટે શીતળ શાંત બ્રાહ્મમુહૂર્ત જેવો સાનુકૂળ થઈ પડે છે. એના જીવનમાં સમયની બાહ્ય બંધનમર્યાદા કામ નથી કરતી.

શરૂઆતના સાધકને પરિસ્થિતિ, અવસ્થા અથવા સંજોગોનું બંધન પણ નડતું હોય છે. સંજોગો સાનુકૂળ હોય ત્યારે તેના મનને પરમાત્મપરાયણ કરવામાં તેને મદદ મળે છે, પરંતુ સંજોગો બદલાતાં અથવા પરિસ્થિતિ પ્રતિકૂળ બનતાં તેની સાધના સ્થિર નથી રહી શકતી. તેવા સાધકો કેટલીક વાર ફરિયાદ પણ કરે છે કે શું કરીએ ? સાધનાનો આધાર કેવી રીતે લઈએ ? સંજોગો જરા પણ સારા નથી. હમણાં તો તેમના બદલવાની રાહ જોઈએ એ જ બરાબર છે. એમના જીવનનો ઘણો મોટો મહત્વનો સમય સંજોગોને સુધારવાની પ્રતીક્ષામાં જ પૂરો થાય છે. સાધનાના માર્ગમાં સુચારુ રીતે આગળ વધતાં એવી અનોખી અવસ્થાની પ્રાપ્તિ થાય છે કે સારી કે નરસી, અનુકૂળ અથવા પ્રતિકૂળ ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાધક પોતાની સાધના કર્યા જ કરે છે. સંજોગો એની સાધનાના તારને તોડી નથી શકતા.

સર્વ પ્રકારના દેશ, કાળ અને સંજોગોમાં પરમાત્મપરાયણ રહેનારા અથવા સાધના કરનારા સાધકને સતતયુક્ત સાધક તરીકે ઓળખવામાં આવે છે. એવા સાધકની સાધનાપ્રવૃત્તિ સાધનાના આસન અથવા ખંડપૂરતી મર્યાદિત નથી રહેતી. જીવનમાં સર્વ સ્થળે તથા સમયે એની સાધના ચાલુ જ રહે છે. એમાં કોઈ પ્રકારનું ખાસ અવધાન નથી આવી શકતું.

સતતયુક્ત સાધક પોતાના સમસ્ત જીવનથી, તનથી, મનથી, ઈન્દ્રિયોથી, હૃદયથી અને આત્માથી સાધનાપરાયણ બનીને પરમાત્મામાં જોડાયેલો હોય છે. એની વૃત્તિ ભગવાનમાં સ્થાપિત થઈ હોય છે. શરીરને એ ભગવાનની જ સેવાપૂજાનાં કલ્યાણકાર્યોમાં વાપરે છે. પોતાની વાણી દ્વારા ભગવાનનું ગુણસંકીર્તન તથા નામસ્મરણ કરે છે ને પરમસત્યને ઉપાસે છે. દ્રષ્ટિથી સર્વત્ર પ્રિયતમ પરમાત્માની ઝાંખી કરે છે. કાન દ્વારા ભગવાનના મંગલ મહિમાનું, ભગવાનની કલ્યાણકારક કથાઓનું તેમ જ સંકીર્તનનું ને સંતોના સ્વાનુભવોનું શ્રવણ કરે છે. એ અમૃતના આસ્વાદથી એને તૃપ્તિ નથી થતી. નાક દ્વારા એ ભગવાનની દિવ્ય ગંધને ગ્રહણ કરે છે. સૌમાં ભગવાનનું દર્શન કરીને હાથ જોડીને સૌને નમે છે ને સૌની સેવાનો આનંદ અનુભવે છે. પગ દ્વારા પૃથ્વીમાં પ્રસરેલા પરમાત્માની પરિકમ્મા કરે છે, મંદિરો તથા તીર્થોમાં વિચરે છે, ને સત્પુરૂષોનો સમાગમ સેવે છે. હૃદયમાં ભગવાન વિના અન્ય કોઈને ધારણ નથી કરતો, અન્યને માટે મોહ, મમતા કે રાગ નથી રાખતો. ભક્તપ્રવર હનુમાનની પેઠે એ આવશ્યક્તાનુસાર સમય પર કહી શકે છે કે મારા હૃદયમાં, રોમરોમમાં, ભગવાન વિના બીજું કાંઈ જ નથી. એના પ્રાણમાં ભગવાનનું પ્રેમસ્પંદન થયા કરતું હોય છે. શ્વાસોચ્છ્ વાસે એ ભગવાનની અલૌકિક અમૃતમય અક્ષય અખંડ આરતી ઉતારે છે. મનબુદ્ધિથી ભગવાનનું જ ચિંતનમનન નિદિધ્યાસન કરે છે. મનમાં ભગવાનની જ મમતા ધારે છે. એવી અવસ્થા એને સારુ સંપૂર્ણ સ્વાભાવિક થઈ ગઈ હોય છે. એનો આત્મા અખંડ બ્રહ્માકારવૃત્તિમાં અહર્નિશ અવગાહન કરે છે ને ધન્ય બને છે. એનું પરમાત્માનુસંધાન એક ક્ષણને માટે પણ નથી છૂટતું.

એવા સતતયુક્ત દૈવી દશાવાળા સાધકો, ભક્તો કે જ્ઞાનીઓ ઘણા થોડા હોય છે. સાધના દ્વારા સાધકે વહેલાં કે મોડા એ અવસ્થા પર પહોંચવાનું છે. પ્રાચીન કાળમાં પ્રહ્ લાદ, શુકદેવ, દેવર્ષિ નારદ જેવા મહાપુરૂષોએ એવી અવસ્થાની અનુભૂતિ કરેલી. આત્મવિકાસના સાધકોને માટે એ પરમ પ્રેરણારૂપ છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.