if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
સમાધિ અવસ્થા સાધકના જીવનમાં જેમજેમ વધતી જાય છે તેમતેમ એ આત્માની સાથે વધારે ને વધારે એકરૂપ બનતો જાય છે. એની અંદર આત્માના અસાધારણ ઐશ્વર્યનો આવિર્ભાવ થાય છે. સાધનાત્મક જીવનના આરંભમાં એ પરમાત્મા વિશે જાણે છે, પછી પરમાત્માને અનુભવે છે, અને છેવટે પરમાત્મામય કે પરમાત્માસદૃશ બની રહે છે. બ્રહ્મવિદ્, બ્રહ્મદ્દક્ અને બ્રહ્મનિષ્ઠ તેમ જ બ્રહ્મસ્વરૂપ બનવાની ત્રિવિધ શ્રેણીમાંથી એ ક્રમેક્રમે પસાર થાય છે. ભારતવર્ષની પ્રાચીન પરંપરાગત આધ્યાત્મિક સાધના એવી રીતે ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને અટકી જવાનું નથી શીખવતી પરંતુ એથી આગળ વધીને ઈશ્વરમય અને આખરે ઈશ્વર બનવાનો સંદેશ પૂરો પાડે છે. ઉપનિષદના ઋષિએ એ જ સંદેશને શબ્દમાં સમાવી લેતાં સમજાવ્યું છે કે બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ બને છે ब्रह्मविद् ब्रह्मैव भवति ।

નામજપ, આત્મવિચાર કે ધ્યાન દ્વારા મનને સ્થિર, એકાગ્ર અને શાંત કરવાની કોશિશ કરતી વખતે સાધકે ધીરજ, હિંમત અને ઉત્સાહ રાખીને આગળ વધવું પડે છે. એ વખતે એની દશા તળાવમાં જાળ નાખીને માછલાં પકડવા બેઠેલા માછીમાર જેવી હોય છે. એ માછીમારની પેઠે સાધક મનની જાળને પોતાની અંદરના તળાવમાં નાખીને શાંતિપૂર્વક પ્રતીક્ષા કરે છે. છેવટે એનો મનોરથ પૂરો થાય છે. પરંતુ એ સંપૂર્ણપણે સફળ મનોરથ થાય તે પહેલાં એને કેટલીક વાર કપરી કસોટીમાંથી પસાર થવું પડે છે. એની પોતાની અંદર પ્રચ્છન્ન કે પ્રકટ રીતે રહેનારી વાસનાઓ એના ચિત્તને ચંચળ બનાવીને એની આકરી અગ્નિપરીક્ષા કરે છે ત્યારે એ સારી રીતે સત્વશાળી હોય તો એની સામે ટકી શકે છે અને એમાંથી પાર ઉતરે છે, નહિ તો ચંચળ કે ચલાયમાન બનીને વાસના તથા લાલસાના પ્રતિકૂળ પ્રવાહમાં તણાવા માંડે છે. સાધકના મનમાં જો વિષયોની રસવૃત્તિ ન રહે તો એ અવસ્થા સોનામાં સુગંધ જેવી સુંદર ને સુખકારક થઈ પડે છે. મનમાં વિષયોની રસવૃત્તિ હોય તો તેને દૂર કરવા માટે પરમાત્માની પ્રાર્થનાનો આધાર લેવો જોઈએ. પ્રાર્થનાની શક્તિ અત્યંત અસાધારણ અને અમોઘ છે. એથી જીવનની સુધારણામાં મદદ મળે છે. એને લીધે સમય પર મન નિર્મળ બનતાં જપ અથવા ધ્યાનની સાધનામાં પૂરેપૂરું લાગી જાય છે. સાધકના મનની એ શાંત એકાગ્ર અવસ્થાનું વર્ણન ગીતાના છઠ્ઠા અધ્યાયમાં દીપકને યાદ કરીને અત્યંત રોચક રીતે કરવામાં આવ્યું છેઃ

यथा दीपो निवातस्य नेङगते सोपमा स्मृता ।
योगिना यतचित्तस्य युंजतो योगमात्मनः ॥

ગીતા કહે છે કે પવનરહિત ઘરના ખૂણામાં રખાયેલા એકાદ દીપકની કલ્પના કરી લો. એ દીપકની જ્યોતિ જેવી રીતે જરા પણ હાલતી નથી તેવી રીતે યોગની સાધનામાં આગળ વધવાનો પ્રયત્ન કરનારા યોગીના સંયમપરાયણ શાંત મનનું પણ સમજી લેવું. તે પણ ચલાયમાન નથી થતું.

કેટલી બધી સુંદર આકર્ષક ઉપમા છે! પરંતુ એમાં સહેજ સુધારોવધારો કરીએ તો તે અસ્થાને નહિ ગણાય. પવનરહિત ઘરના ખૂણામાં રાખવામાં આવેલા દીપકની જ્યોતિ હાલે નહિ એવી રીતે સંયમી સાધકની પાસે વિષયોના વાયરા નથી વાતા એટલે એનું ધ્યાનમાં લાગેલું મન નથી હાલતું એ તો સમજાય તેવું છે. પરંતુ વિષયોના વિપરીત વિઘાતક વાયરા ચારે તરફથી વાતા હોય તોપણ યોગીનું મન હાલે નહિ ત્યારે જ તેની મહાનતા કહેવાય. દીપકને ઘરની વચ્ચે રાખ્યો હોય અને વાયુની લહરી દોડાદોડ કરતી હોય તોપણ એ ન હાલે, ન ડગે કે ન બુઝાય ત્યારે આશ્ચર્યકારક કહેવાય. સંયમી યોગીની શક્તિ એવી અનોખી હોય છે. જોકે વિષયોના વિપરીત વાયુ ન વાતા હોય ત્યારે પણ મનને સ્વસ્થ રાખવાનું કામ સહેલું નથી. સાધક એટલી સિદ્ધિ મેળવે તોપણ ઓછી નથી. પરંતુ એની સિદ્ધિ એથી પણ વિરાટ હોય છે. ગમે તેવું વિપરીત વિરોધી વાતાવરણ પણ એને નથી ડગાવી શકતું એટલે એ શ્લોકને થોડોક સુધારીને કહી શકાય કે પવનવાળા સ્થાનમાં રાખેલો દીપક જેમ હાલતો નથી તેમ યોગસાધનામાં લાગેલા યોગીનું સંયમી મન વિષયવતી વૃત્તિની પવનલહરીથી નથી હાલતું.

ભાગવતના એકાદશ સ્કંધમાં કહેવાયલી ભગવાન નરનારાયણની શાંત-સંયમી જીવનકથા જાણીતી છે. એ એમની સર્વોત્તમ સંયમદશાની પરિચાયક છે. એવી જ શાંત-સંયમી કથા સત્તરમી સદીના મહાપુરૂષ તપસ્વીવર તેજાનંદની છે. એ કથા જાણવા જેવી છે.

એ વખતે તપસ્વીવર તેજાનંદે પ્રવાસ કરતાં પેટલાદમાં પ્રવેશ કરેલો. એમના શુભાગમનના સમાચાર સાંભળીને એમનાં દેવદુર્લભ દર્શન તથા સત્સંગ માટે પ્રેમીજનોનાં પૂર ઊમટ્યાં. એમાંથી જોગીરામ નામના એક આહિર ભક્તે આગળ આવી એમને વંદન કરીને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. એ આમંત્રણને અનુસરીને તેજાનંદ એને ત્યાં ગયા. જોગીરામે પોતાની જાતને ધન્ય માનીને કુટુંબીજનો સાથે એમનું પૂજન કર્યું.

જોગીરામને ભીમા નામની નવયુવાન પુત્રી હતી. એ તેજાનંદના તપઃપૂત દિવ્ય સ્વરૂપને નિહાળીને મોહી પડી.

રાતે પ્રસાદ આરોગી, સત્સંગનો સ્વાદ ચખાડી તેજાનંદ ધ્યાનાવસ્થામાં આસન પર બેઠા ને સર્વત્ર નીરવ શાંતિ પ્રસરી રહી ત્યારે કામવાસનાથી પ્રેરાયેલી ભીમા એમની પાસે પહોંચી ને બેસી ગઈ.

એણે પોતાની કામુકતાની કથા કહીને તેજાનંદને પોતાની પત્ની તરીકે સ્વીકારવાની પ્રાર્થના કરવા માંડી.

બીજા સામાન્ય સંત હોત તો એવા પ્રબળ પ્રલોભનની સામે કદાચ સુરક્ષિત ન રહી શકત; પરંતુ તપસ્વી-શ્રેષ્ઠ તેજાનંદની વાત જુદી હતી. એમનું વ્યક્તિત્વ વિશુદ્ધ અને વિરાટ હતું. એમણે પરિસ્થિતિને તરત જ ઓળખી લીધી, ભીમાની ઉપર અનુગ્રહ કરવાનો સંકલ્પ કર્યો, ને જણાવ્યું : ભીમા, તું મહાભાગ્યશાળી છે. તને સર્વોત્તમ સ્ત્રીશરીર અને સૌન્દર્ય સાંપડ્યું છે. તેને પ્રાપ્ત કરીને આવી રીતે વિષયાસક્તિમાં ડૂબી જશે તો જીવનનું કલ્યાણ કેવી રીતે કરી શકાશે ? ઈશ્વરનું નામ જ સાચું છે. બાકી વિષયો વિષમય તથા દુઃખના કારણરૂપ છે. એમનો ત્યાગ કરીને ઈશ્વર સાથે સંબંધ જોડવામાં જ કલ્યાણ છે. ઈશ્વરની જ પ્રીત, મમતા તથા આસક્તિ કરી લે. એથી પૂર્વનાં પુણ્યોનો ઉદય થશે ને સાચા અર્થમાં સૌભાગ્યશાળી બની જશે.

તેજાનંદના શબ્દો ખૂબ જ શક્તિશાળી થઈ પડ્યા. એમણે ધારેલી અસર કરી દીધી. એ શબ્દોથી ભીમાનું હૃદય ભેદાઈ ગયું. એની આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યો. એનું મન બદલાઈ ગયું. વાસનાની વિષવરાળમાંથી મુક્તિ મેળવીને પશ્ચાત્તાપના  પાવકમાં પ્રજળીને એણે જણાવ્યું કે પ્રભુ ! મને મારા વર્તનને માટે ક્ષમા કરે. હું અજ્ઞાનને લીધે મોહમગ્ન બનીને ભાન ભૂલેલી. તમારી કૃપાથી હવે જાગી ગઈ છું. સંસારની માયામાંથી મુક્તિ મેળવીને હું નિરંતર ભગવાનનું ભજન કરી શકું એવા આશીર્વાદ આપે. 

સંતશિરોમણી તેજાનંદે એને આશીર્વાદ આપ્યા, ને કહ્યું : 'ભીમા ! તું વાસનારહિત શુદ્ધ થઈને અનન્ય પ્રેમથી ઈશ્વરભક્તિ કરીને તારા જીવનને કૃતાર્થ કરશે.’

ભીમા એ જ ક્ષણથી પવિત્ર પ્રેમભાવોને અનુભવતી ઈશ્વરના સ્મરણ, મનન અને ધ્યાનમાં ડૂબી ગઈ.

તેજાનંદ બીજે દિવસે પેટલાદથી વડોદરા જવા વિદાય થયા.

ભીમાનું સમસ્ત જીવન જ્યોતિર્મય બની ગયું.

તેજાનંદ જેવા પ્રાતઃસ્મરણીય પવિત્ર યોગીપુરૂષોનાં દર્શન ખરેખર દુર્લભ છે. ઈશ્વરના અપાર અનુગ્રહ સિવાય એમનું સમાગમસુખ ન સાંપડી શકે. એવા મહાપુરૂષોનાં મન ગીતાના પેલા શ્લોકની પરિભાષામાં કહીએ તો દીપકની પ્રશાંત, સ્થિર શિખાસરખાં હોય છે. વિષયોની વિષમ વાયુલહરીઓ એમની પાસે પહોંચે કે ન પહોંચે તોપણ એમના પરમાત્મનિષ્ઠ ધ્યાનાવસ્થિત મનમાં કોઈ પ્રકારના વિકારો પેદા નથી થતા. મનને એમણે પરિપૂર્ણપણે વશ કર્યું હોય છે.

મનની ઉપર એવો સંપૂર્ણ સંયમ સ્થાપી ન શકાય ત્યાં સુધી બહારના પ્રલોભનોનો ભય હંમેશાં રહેતો હોય છે. સાધકે એ ભયદશામાંથી સદા માટે મુક્તિ મેળવવી જરૂરી છે.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.