કરુણાળુ કહે છે તમને રે ! કરુણા કરી દો.
આ નીરસ ઝેરી જીવનને અમીથી ભરી દો. ... કરુણાળુ કહે છે
છો દીનબંધુ દુઃખ હરતા,આ જગના એકજ કરતા;
જે ધ્યાન તમારૂં ધરતા, તેનાં સંકટને હરતા;
તો દીનજન મને માનીને દીનતા હરી લો. .... કરુણાળુ કહે છે
જે તમને યાદ કરે છે, ને સ્વરૂપપાન કરે છે;
જે રટે, ભજે ને ઝંખે, તમને નિજ પ્રાણ ધરે છે;
તેના પ્રાણ બની જાઓ ને પ્રાણથી ભરી દો. .... કરુણાળુ કહે છે
આ જગમાં કોણ જ બીજું, જોઈને જેને રીજુ ?
છે શક્તિ કોની એવી, જેને મનમિલ્કત દેવી;
મન તેથી તલસે મુજને તો દર્શન દઈ દો. .... કરુણાળુ કહે છે
'પાગલ’ છે બાળ તમારો, સંતાપથકી તો તારો;
હે દયાનિધાન, જરી યે ના કઠોરતા વધુ ધારો;
વરસાવી પ્રેમ પલાળો ને, ધન્યતા ધરી દો. .... કરુણાળુ કહે છે
- શ્રી યોગેશ્વરજી