કૃપાળુ સાંઈનાથ ખરે.
શરણ લઈ લે, સ્નેહ કરી લે, શોકે કેમ મરે ? ... કૃપાળુ
ચિંતા દૂર થઈ જાય બધી, દર્દ સમસ્ત ટળે;
આધિ વ્યાધિ ઉપાધિ જલે ને અશાંતિ સર્વ મરે. ... કૃપાળુ
એક જ દ્રષ્ટિ પડે ત્યાં તુજને નવ-અવતાર મળે;
આશીર્વાદ સ્પર્શથી સિદ્ધિ મુક્તિ તેમ વરે.... કૃપાળુ
એવો કયો પદાર્થ જગતમાં કૃપા થયે ન મળે ?
સંકલ્પ થકી સાંઈપ્રભુ તો મંગલકામ કરે.... કૃપાળુ
અજ્ઞાની અધમાધમ પણ કૈં જીવન ધન્ય કરે ;
દીનહીનને વૈભવ તેમજ કીર્તિ અમર મળે... કૃપાળુ
દુઃખદર્દની એક દવા છે, લે આધાર ખરે ;
'પાગલ’પ્રેમ કરી લે સાચો,સાગર સ્હેજ તરે,... કૃપાળુ
- શ્રી યોગેશ્વરજી