તમારું શરણ છે જેણે સમજતાંવેંત લીધેલું,
નિરંતર પ્રેમભક્તિનું હૃદયથી દૂધ પીધેલું;
લગાડી ચિત્ત ચાહે એકભાવે કૈંક દિનથી તે
તમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ યોગી હે !
તમોને નિયંતા જગના પિતા પ્રભુરૂપ માને છે,
સ્વજન સ્નેહી સખા સ્વામી ગુરૂની જેમ જાણે છે;
તમે કીધી કૃપા કૈંવાર પોતાનાં ગણીને તે
તમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ, સાઈ હે !
સ્મરે તમને સ્તવે ને કૃપાની માગે સદા ભિક્ષા,
મહાજનના સમાગમની જ લીધી જન્મથી દીક્ષા;
અખંડ મિલનતણા જ મનોરથે દિનરાત મહાલે તે
તમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ યોગી હે !
નથી અંતરમહીં ઈચ્છા જરીયે ક્ષુદ્ર કૈં રાખી,
તમારી કામના કેવલ, કથા એ સત્ય છે ભાખી;
સમર્થ વળી દયાળુ ગણી તમારી તરફ તાકે તે
તમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ, સાઈ હે !
તમારું શરણ લે તેને કદીયે દુઃખ આવે છે ?
વિપત્તિ કલેશ તેમજ કાળ તેની પાસ ફાવે છે ?
લભે સુખશાંતિ તેમજ કરે ઉન્નતિ સર્વ રીતે તે,
તમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ યોગી હે !
પ્રલોભનથી કરીને પાર, ભયસ્થાનો હઠાવી દો,
કરી અનુકૂલતા આનંદ ને ચેતન જગાવી દો;
તમારા પ્રેમમાં 'પાગલ’હતાશ ન થાય જોજો તે,
તમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ, સાઈ હે !
- શ્રી યોગેશ્વરજી