આંસુની કેટકેટલી અખંડ ને અનંત ધારા મેં તમારે માટે વહેતી મૂકી છે,
ને કેટકેટલી વેદના ને આહની આહુતિ આપીને,
દિનરાત મેં મારી યજ્ઞની વેદીને તમારે માટે જલતી રાખી છે !
પ્રાર્થનાના કેટકેટલા પોકારોમાં મેં મારા પ્રાણને વહેતો કર્યો છે,
ને કરુણાનાં કેટકેટલાં કાવ્યોનો કવિ બનીને
મારો આત્મા અનુરાગના અનંત સૂરમાં પ્રકટ થયા કર્યો છે !
જીવનનો પાવન પ્રવાહ હવે તમારાં જ ચરણોમાં શાંતિ શોધે છે;
તમારા સહવાસની કામના કરે છે.
તમારા અનંત ઐશ્વર્યને હવે ખુલ્લું કરી દો,
ને મારા જીવનને તમારા વિશાળા વૈભવનું અંગ બનાવી દો.
- શ્રી યોગેશ્વરજી