ન જાણે કેટલી બધી વાર વિચાર કરું છું
કે હૃદયને તમારી આગળ ખુલ્લું ના કરું
ને મારા ભાવને ગતિના રૂપમાં તમારે ચરણે ધરું;
ન જાણે કેટલી બધી વાર વિચાર કરું છું
કે મારા પ્રેમ ને કરુણાથી ભરેલા અંતરને કવિતામય ના કરું;
પણ મારો વિચાર ટકતો નથી.
કોણ જાણે કેમ,
પણ મારું હૃદય તમારા પ્રેમની ગંગાજમના બનીને વહેવા જ માંડે છે,
ને તમારા ચરણમાં પૂજા ધર્યા જ કરે છે.
કહેવા ખાતર હું કશું કહેતો નથી, ને ગાવા ખાતર ગાતો નથી.
જાણું છું પણ ખરો કે તમે અંતર્યામી છે,
ને મારા પ્રત્યેક વિચાર ને ભાવને સારી રીતે જાણો છો.
છતાં પણ મારા દિલની દિલરૂબા પર પ્રકટેલું સંગીત સહજ રીતે જ છૂટી જાય છે :
મારું હૃદય તમારી આગળ એક નહિ અનેકવાર ખુલ્લું થઈ જાય છે.
ને તમે જ કહોને, તમારા વિના આ સંસારમાં મારું કોણ છે ?
મારા મનોરથ ને કોડને પૂરા કરવાની તાકાત કોનામાં છે ?
કોના પ્રત્યે મને આટલો બધો અનુરાગ છે,
ને મારા પ્રત્યે આટલો બધો પ્રેમ પણ તમારા વિના બીજું કોણ રાખે છે ?
તમારી આગળ મારા દિલને ખુલ્લું ના કરું તો બીજે ક્યાં કરું ?
- શ્રી યોગેશ્વરજી