તમારા ગુણ ને તમારા ગૌરવની ગાથાને
સંગીતના સૂરમાં સમાવીને આ સંસારમાં હું સદાયે વહાવ્યા કરું છું.
તમારા પ્રેમ ને તમારી કૃપાના કીર્તિભંડારને
કવિતામાં ભરીભરીને આ જગતમાં ઠાલવ્યા કરું છું.
એથી વધારે હું તમારી શી સેવા કરી શકું ?
ને એથી વધારે મારી પાસે છે જ શું - તમે જ કહી બતાવો ને !
જીવન રહે ને શ્વાસ ટકે ત્યાં સુધી ને તે પછી પણ,
મારા પદોમાં તમારા પ્રેમને ઠાલવતો રહું
ને કવિતામાં તમારી કૃતજ્ઞતાને કહેતો જઊં,
એવો આશીર્વાદ તમે આપ્યા કરજો.
હે અંતર્યામી,
મારી કલમ દ્વારા તમને વધારે મહિમાવાન ને અમર બનાવી દઊં.
ને મારા જીવનને પણ તમારા પ્રેમના પ્રતીક જેવું કરી દઊં.
તમારી કૃપાના જીવંત નમૂના જેવું બનાવી દઊં,
એવો આશીર્વાદ આપજો.
હે અંતર્યામી,
એ રીતે તમારા મહિમાને વધારે મોંઘેરો બનાવી દઊં!
- શ્રી યોગેશ્વરજી