આપણા પ્રેમના પ્રારંભ ને પરિપાકરૂપે પ્રકટ થયેલા
સંગીતના આ સૂર સંસારમાં સદાને માટે અમર રહેશે.
સૂર્ય, ચંદ્ર, પાણી, પવન ને પૃથ્વી રહેશે ત્યાં સુધી ને તે પછી પણ,
પોતાના પરિમલથી તે પૃથ્વીને પાવન કર્યા કરશે.
આપણા પ્રેમના પ્રારંભ ને પરિપાકરૂપે પ્રકટ થયેલા
સંગીતના આ સૂર સદાને માટે અમર રહેશે.
જડને તે જીવન દેશે ને સંતપ્તને શાંતિ.
નિરાશને આશા ને મ્લાન થયેલાંને કાંતિ.
રડનારાંને હસાવશે, ને પથભ્રાંતને પથનું દર્શન કરાવશે.
પૃથ્વીના અણુ ને પરમાણુમાં ફરી વળનારું આપણા સ્નેહનું સંગીત
યુગો ને કલ્પો સુધી આ સંસારને શાંતિ, સમૃદ્ધિ ને સુવાસનું દાન કર્યા કરશે
ને અમરતાનો માર્ગ બતાવશે.
આપણા સ્નેહનું આથી વધારે સુંદર સ્મારક બીજું કયું હોઈ શકે ?
આથી વિશેષ મંગલ, અમૃતમય ને વાસ્તવિક સ્મારક
આપણી જાતને બાદ કરીએ તો, બીજું કાંઈયે ના કરી શકાય.
કરોડો રૂપિયા ને ઈન્દ્ર તથા કુબેરના ભંડારથી પણ આવું સ્મારક ના રચી શકાય.
એ અમર રહે એમ અંતરના ઊંડાણમાંથી ઈચ્છું છું.
- શ્રી યોગેશ્વરજી