મહિલા મંડળના કાર્યકર બહેન પોતાના કામમાં અત્યંત કુશળ મનાતા.
સ્ત્રીઓના પ્રશ્નોમાં તે ખાસ રસ લેતા.
તે વિશે વ્યાખ્યાનો કરતાં, યોજના બનાવતાં, ને લેખ પણ લખતાં.
શહેરમાં તેમની સુવાસ સારી પેઠે પ્રસરી ચૂકી હતી.
એકવાર તેમની સંસ્થામાં એક યુવાન સ્ત્રીએ પ્રવેશ કર્યો.
ધીરે ધીરે તે સ્ત્રીની આપવીતીથી તે માહિતગાર થયાં, ત્યારે તેમને ખૂબ અજાયબી થઈ.
સ્ત્રીની ઉંમર હજી નાની હતી,
ને લોકોમાં પંકાતા એક સંતપુરુષની શરીરસુખની લાલસાની તે ભોગ બની હતી.
કાર્યકર બહેનને જાણવા મળ્યું કે એવી તો અનેક યુવાન બાળાઓને તે સંતપુરુષે ફસાવી હતી.
પરિવ્રાજક જીવન જીવતા એ સંતપુરુષ એકવાર એ જ શહેરમાં આવી પહોંચ્યા,
ત્યારે પેલી સ્ત્રીની સાથે તે કાર્યકર બહેને તેમની મુલાકાત લીધી.
સંતપુરુષે એકાએક વાત નીકળતા તેમની આગળ પોતાના અપરાધોનો એકરાર કર્યો,
ને બાકીના જીવનને પવિત્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી.
પણ કાર્યકર બહેનને તેટલાથી સંતોષ ના થયો.
બીજે દિવસે પોતાની મિત્રમંડળી સાથે તેમણે સંતની મુલાકાત લીધી
ને સૌની હાજરીમાં તેમનાં પાપને ખુલ્લાં કર્યાં.
વધુમાં એક કાગળ પર પાપનો હિસાબ લખી નીચે પેલા સંતપુરુષની સહી પણ તેમણે લઈ લીધી.
મંડળીમાંની કેટલીક બહેનો પોતાના ભૂલભરેલા ભૂતકાળને યાદ કરીને ત્યારે ચોરીછૂપીથી રડી પડી.
નિવેદનપત્ર પર પશ્ચાતાપની સરિતામાં સ્નાન કરી ચૂકેલા સંતપુરુષની સહી કરાવી
મહિલા મંડળના બહેન ઉભાં થયાં.
પોતાની બહેનપણીની વિદાય લેતાં તેમણે કહેવા માંડ્યું,
એક અગત્યના કામ માટે મારે વહેલામાં વહેલી તકે જવું પડે તેમ છે,
લગભગ બે કલાકમાં પાછી આવી પહોંચીશ.
ને તે બહેન મોટરમાં બેસીને વિદાય થયાં.
પ્રેમાળ પતિને નાપસંદ કરી ચૂકેલાં તે બહેન રોજનાં નિયમ મુજબ મોટરમાંથી ઉતરીને
પોતાના યારના ઘરમાં દાખલ થયાં તેની કોઈને પણ ખબર ના પડી.
માત્ર આકાશના તારા એ વાતના સાક્ષી બનીને મંદમંદ હસી રહ્યા.
- શ્રી યોગેશ્વરજી