એક પ્રખ્યાત પુણ્યશાળીને એક પ્રખર પાપીનો પરિચય થઈ ગયો.
પુણ્યશાળીના પ્રભાવથી પાપીનું હૃદય પીગળ્યું,
ને તેમાં પશ્ચાતાપનો પાવક પ્રજ્વલિત થઈ ગયો.
પાપીને નવા જીવનની દીક્ષા મળી,
ને તેણે ભૂલેચૂકે પણ પાપ ના કરવાનો નિશ્ચય કર્યો.
પુણ્યશાળીને તેથી અપાર આનંદ થયો.
પણ તેને જરા પુણ્યનો અહંકાર હતો.
તેથી તેણે પાપીનાં પાપ જાહેર કરવાનો નિશ્ચય કર્યો.
પાપીના નામ ઠામ ને ફોટા સાથે તેણે એક પુસ્તક પ્રકાશિત કર્યું
ને તેમાં પાપીનાં પાપનો પૂરેપૂરો પ્રકાશ કર્યો.
લોકો એ વાંચીને હાલી ઉઠ્યા ને ચૌટે ને ચકલે વાતે વળગ્યા.
પુણ્યશાળીને એ જોઈને અત્યંત આનંદ થયો.
એવામાં તેને એક સ્વપ્ન આવ્યું.
તેમાં પ્રભુએ અદૃશ્ય રહીને જાણે કે તેને કહેવા માંડ્યું :
‘ભાઈ, પાપીએ પાપનો પશ્ચાતાપ કર્યો એ શું તારા સંતોષ ને સમાધાન માટે પૂરતું ન હતું ?
તેના પોતાના ઉદ્ધારની જો તને ઈચ્છા હતી તો તેને માટે પણ તેટલું પૂરતું ન હતું ?
તેટલાથી મેં તેને માફ કર્યો ને મારો પ્યારો બનાવી દીધો.
પણ અફસોસ છે કે તું મારાથી પણ આગળ વધી ગયો
ને તેને જાહેરમાં વગોવવામાં તને આનંદ આવ્યો.
હું તને મહાન માનતો હતો, પણ તું છેક જ ક્ષુલ્લક નીકળ્યો.’
- શ્રી યોગેશ્વરજી