અમાસની અંધારી રાતે એક યુવતીએ મારા આશ્રમની મુલાકાત લીધી.
મારા ચરણમાં ફુલની માળા અર્પણ કરીને
તે મસ્તક નમાવીને મારી પાસે બેસી રહી ને પછી વાતે વળગી.
અમાસની અંધારી રાતે એક યુવતીએ મારા આશ્રમની મુલાકાત લીધી.
મઢુલીના દીપકના પ્રકાશમાં મેં તેનું મુખ જોયું તો
તેની સુંદરતા જોઈને મને નવાઈ લાગી.
મધુરતાની મૂર્તિ જેવી તે યુવતી અત્યંત મંગલમય હતી.
પણ એટલામાં તો આખોયે પ્રસંગ પલટાઈ ગયો.
ઝડપથી ઉઠીને તેણે મને આલિંગન આપ્યું
ને મારી સામે જોઈને કહેવા માંડ્યું :
‘મારા પ્રભુ, બીજાને ગમે તે લાગે,
મને તો તમારામાં મારા પ્રકાશ ને મારી પ્રેરણાનું દર્શન થઈ રહ્યું છે.’ –
ને તે વિદાય થઈ.
બીજે દિવસે વાત નગરમાં ફેલાઈ ગઈ.
ત્યારે લોકોએ મોં મચકોડ્યું.
કેટલાક મારી પાસે આવીને પૂછવા માંડ્યા : ‘ત્યારે તમારા બ્રહ્મચર્યનું શું ?’
‘બ્રહ્મચર્ય મારી સાથે જ છે.’ મેં ઉત્તર આપ્યો :
‘મારું મન બ્રહ્મમાં જ રાચ્યા કરે છે. એ મારા બ્રહ્મચર્યનું રહસ્ય છે.’
પણ વિચારોના વારસાગત વમળમાં અટવાઈ રહેલા લોકોને મારી વાત સમજાઈ નહિ.
આજે પણ સમજાય છે કે કેમ, તેની મને ખબર નથી.
- શ્રી યોગેશ્વરજી