સૂર્યના કિરણો જેવી રીતે ગરીબ ને અમીરના આવાસ પર પોતાનો પ્રકાશ પાથરે છે,
તેવી રીતે તું પણ ભેદભાવ ભૂલી જઈને નાના ને મોટા સૌના પર તારા પ્રેમના કિરણ રેલાવી દે;
સૌની સેવામાં તારું જીવનધન અર્પી દે.
ફૂલની ફોરમ જેવી રીતે ફૂલવાડીમાં બધે જ ફેલાઈ જાય છે
ને ઉત્તર, દક્ષિણ, પૂર્વ ને પશ્ચિમમાં સરખી સંપત્તિનું દાન કરે છે,
તેવી રીતે તારા જીવનની સુવાસને સંસારમાં બધે જ ફેલાવી દે;
સૌની સેવામાં તારા જીવનધનને અર્પી દે.
નદી ને વૃક્ષો જેમ પોતાની અખંડ આરાધનામાં મગ્ન છે,
ને છતાં સૌને માટે આશીર્વાદરૂપ છે,
તેમ અંદરની આરાધનાની સનાતન સમાધિમાં ડૂબી જઈને
તું બીજાને માટે આશીર્વાદરૂપ બની લે;
સૌની સેવામાં તારા જીવનધનને અર્પી દે.
વરસાદ વરસીને વિદાય થાય છે,
પણ અવનીને નવો અવતાર આપી પોતાની પાછળ પોતાનું અમર સ્મારક મૂકી જાય છે,
તેમ કોઈને માટે અમૃતમય બનીને સંસારમાં તારી સ્મૃતિ મૂકી દે;
સૌની સેવામાં તારા જીવનધનને અર્પી દે.
- શ્રી યોગેશ્વરજી