શહેરના એકાંત ઉદ્યાનમાં એક સંતપુરુષનું આગમન થયું.
ભક્તો ને જિજ્ઞાસુઓ તેમના દર્શને આવવા લાગ્યા.
દુઃખી દુઃખ દૂર કરવાને ને પાપી પુણ્યશાળી થવા
એ મહાપુરુષની પાસે પહોંચીને પ્રતિજ્ઞા કરવા ને આશીર્વાદ મેળવવા લાગ્યા.
ઉદ્યાનની પાસેના માર્ગ પર એક સ્ત્રીનું મકાન હતું.
તે સ્ત્રી આ બધું જોયા કરતી.
સંતપુરુષોના દર્શને જવાની તેને ભાગ્યે જ ટેવ હતી,
એટલે તે નાસ્તિક તરીકે પ્રખ્યાત હતી.
એક સવારે તે પણ એ મહાપુરુષના દર્શને નીકળી પડી.
ત્યાં જઈને તેણે પ્રણામ કર્યા ને બેઠક લીધી.
તેને કોઈ જિજ્ઞાસા ન હતી કે પાપનો તાપ પણ તેને તપાવતો ન હતો.
થોડીવાર બેસીને તે મહાપુરુષના ચરણ પાસે પડેલા ફૂલના ઢગલામાંથી એક ફૂલ લઈને વિદાય થઈ.
ઉદ્યાનની બહાર જઈને તેણે તે ફૂલ પોતાની છાતી સાથે દબાવી દીધું.
તેની આંખમાં આંસુ હતા.
વાતવાતમાં ઉશ્કેરાઈને ગભરાઈ જનારી ને અસાધ્ય રોગનો ભોગ બનેલી તે સ્ત્રી
એ દિવસથી તદ્દન નિરોગી થઈ ગઈ એ જોઈને સૌ કોઈને નવાઈ લાગી.
આજે પણ તે જીવે છે.
- શ્રી યોગેશ્વરજી