તમારાં ચરણમાં મસ્તક મૂકવા ન જાણે કેટલીય વાર હું તમારી પાસે આવું છું
ને તમને જોઈને મનોમન વંદન કરું છું,
પણ પ્રત્યેક વખતે મારા પગ પાછા પડે છે.
હાય, તમારી ચરણરજને લેવા આગળ વધી શકતો નથી.
અંતરના ઊંડાણમાંથી અવાજ આવે છે કે અરે, આ ચરણરજને માટે હું લાયક છું ?
આ પરમ પુનિત ને મંગલમય ચરણકમળને સ્પર્શ કરીને
અમંગળ કરવાની ધૃષ્ટતા હું શા માટે કરું છું ?
ને પ્રત્યેક વખતે મારા પગ પાછા પડે છે.
ખરેખર હું દીન છું, હીન છું, ને પતિત છું.
તમારી કૃપા માટે હજી હું લાયક નથી.
તમારા ચરણોને હું કેવી રીતે સ્પર્શી શકું
ને આંસુની અનંત ધારાથી તેને ભીંજવીને પલાળી પણ કેવી રીતે શકું ?
તેની લાયકાત જ મારામાં ક્યાં છે ?
ભક્તની ભાવના એવી હતી,
પરંતુ ભગવાને તેને ઓળખી તેની સામે સ્વપ્નમાં પ્રકટ થઈને કહેવા માંડ્યું :
મારા પ્રાણ, દીન ને હીનને માટે મારું હૃદય દ્રવી જાય છે.
જે પતિતપણાનો અનુભવ કરે છે, તેમને માટે મારા મંદિરમાં પ્રથમ સ્થાન છે;
પુણ્યનું જેમને અભિમાન છે તેમને માટે નહિ.
ને તેના મસ્તક પર હાથ મૂકી પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો,
ત્યારે એની આંખમાંથી કરુણાની કવિતા નીકળી પડી.
એણે પ્રભુના ખોળાને ભીનો કર્યો, ને તેમના ચરણ જાણે ચંદનઅર્ચિત કરી દીધાં.
ભક્તની ભાવના સફળ થઈ.
- શ્રી યોગેશ્વરજી