ભારત સેવા સમાજના એક કાર્યકર્તાએ પ્રાર્થના પછીના પ્રવચનમાં કહેવા માંડ્યું
કે વ્યક્તિ એ સમષ્ટિનું અંગ છે.
ઘણી વ્યક્તિ મળીને એક સમષ્ટિ બને છે.
માટે સમષ્ટિને સમૃદ્ધ, સ્થિર ને શક્તિશાળી બનાવવા
વ્યક્તિએ પોતાની જાતને શુદ્ધ, સ્થિર ને શક્તિશાળી બનાવવી જોઈએ.
વ્યક્તિએ પોતાની સુધારણા કરવી જોઈએ.
કેમ કે જેણે પોતાની જ સુધારણા કરી નથી તે બીજાની શું કરશે ?
શ્રોતાજનોને તે દિવસે અપાર આનંદ થયો.
બે-ચાર દિવસ પછી એ કાર્યકર્તાએ એક એકાંતપ્રેમી મહાપુરુષની મુલાકાત લીધી.
તેની સાથે કેટલીક વાતચીત કર્યા પછી તેણે અચાનક કહેવા માંડ્યું :
તમે અહિં રહીને સમાજની શી સેવા કરી શકો ?
અમારી જેમ તમારે સમાજની વચ્ચે વસવાની ને વિચરવાની જરૂર છે.
તમે સાધના સારી કરો છો, પણ એ તો પોતાના હિતની સાધના થઈને ?
એમાં સમાજનું હિત શું ?
તે મહાપુરુષ તેના તરફ થોડીવાર તો તાકી રહ્યા.
થોડા દિવસ પહેલાંનું તેનું પ્રાર્થના પ્રવચન તેમણે કોઈ મુલાકાતીની મારફત સાંભળ્યું હતું.
તે તેમની નજર આગળ તરવરવા લાગ્યું.
- શ્રી યોગેશ્વરજી