મિથ્યા મિથ્યાની ફિલસૂફીથી મોહાઈને
પ્રેમાળ જીવોના પ્રેમની હું અવગણના નહિ કરું
ને તેમના પ્રેમને મિથ્યા પણ નહિ ગણું.
સાચું કહું છું કે હું તેમના તરફ આંખ મિચામણાં નહિ કરું.
બધું વિનાશી છે, માયામય છે, ચંચળ છે -
વિચારોના એવા વમળમાં અટવાઇ જઇને
કરુણા, મધુરતા ને સુંદરતાથી છલકાતા જીવોની હું અવગણના નહિ કરું,
ને તેમની મધુરતા, કરુણા ને સુંદરતા મિથ્યા નહિ કહું.
સાચું કહું છું કે તેમના તરફ આંખ મિચામણાં નહિ કરું.
સંસાર સ્વાર્થમય છે, ચાર દિવસની ચાદરણી જેવો છે,
એમ માનીને હું તેમાં જે સાર છે ને જે સ્વાદ છે, તેની અવગણના નહિ કરું
ને તેના સારને, સુધામય સ્વાદને મિથ્યા પણ નહિ ગણું.
સાચું કહું છું કે તેના તરફ આંખ મિચામણાં નહિ કરું.
મરણ, નરક, યમદંડ કે બીજા કોઈનાય ભયથી ભયભીત થઈને
તમારા જ સ્વરૂપ જેવા આ સંસારમાં ઠેરઠેર તમારું દર્શન કરવાનું હું નહિ ચૂકું.
તેને મિથ્યા માનીને હું નહિ અવગણું.
સાચું કહું છું કે તેના તરફ આંખ મિચામણાં નહિ કરું.
- શ્રી યોગેશ્વરજી