વનમાં વિહાર કરતાં પ્રભાતના પ્રથમ પ્રહરમાં મેં એક કમળ જોયું.
સુંદરતા ને સુવાસના સદનસમું એ કમળ કેટલું બધું આકર્ષક અને અનેરું હતું !
કાદવની અંદર ઉત્પન્ન થયેલું છતાં કાદવની કાલિમાથી અલિપ્ત
એ કમળ મારા સ્મૃતિપટ પર સદાને માટે જડાઈ ગયું છે.
આજે તેનું સ્મરણ થાય છે ત્યારે સહજ રીતે જ મને તમારી યાદ આવે છે.
તમારી શોભા, સુંદરતા ને સુવાસ પણ કેટલી અનુપમ છે ?
ખરી રીતે તો સંસારની સમસ્ત શોભા તમારી અંદરથી પ્રકટ થઈ હોય તેમ લાગે છે.
સંસારના કાદવમાં પ્રકટેલાં ને કિલ્લોલ કરી રહેલા તમે કોઈક કમલિની છો.
શો તમારો પ્રેમ, શું તમારું આકર્ષણ ને શી તમારી શોભા !
કમળની અંદર કમળ કદી થતું નથી.
પણ તમારી કાયાના કમળમાં બીજાં અનેક કમળ ઉગી નીકળ્યાં છે.
ખરેખર તમારી અલૌકિકતા અનેરી છે.
તમારી સુવાસથી મને પણ સુવાસિત કરો
કે જેથી સંસારની કાલિમાથી કાયમને માટે મુક્ત રહીને હું મારી શોભાને સાચવી શકું
ને આ સંસારને છે તેથી પણ વધારે સુશોભિત ને સુવાસિત કરું.
એવો આશીર્વાદ મને આપી દો.
- શ્રી યોગેશ્વરજી