મારી આંખ એક તમને જ જુએ,
ને તમારા વિના બીજા કોઈનેય જોવાની શક્તિ તેનામાં ના રહે, એવી કૃપા કરી દો.
હે અતર્યામી, એવી કૃપા કરી દો.
મારા કાન એક તમારા જ સુમધુર સંગીતને સાંભળ્યા કરે,
ને તે વિના બીજું કાંઈયે સાંભળવાની શક્તિ તેમનામાં ના રહે, એવી કૃપા કરી દો.
હે દેવ, એવી કૃપા કરી દો.
મારું મન એક તમારું જ ચિંતન ને મનન કર્યા કરે,
ને તમારા વિના બીજા કોઈનુંયે ચિંતન મનન કરવાની શક્તિ તેનામાં ના રહે, એવી કૃપા કરી દો.
હે દેવ, એવી કૃપા કરી દો.
મારું હૃદય એક તમારા જ રાગે રંગાઈ જાય,
ને તમારા વિના બીજા કોઈનાય રાગે ના રંગાય, એવી કૃપા કરી દો.
હે રસેશ્વર, એવી કૃપા કરી દો.
વધારે શું કહું ?
મારા કથનનો સાર એટલો જ છે કે મારું તન, મન ને અંતર એકમાત્ર તમારું જ બની રહે,
એક માત્ર તમારી જ અખંડ આરાધનાની સફળ સામગ્રી બની રહે, એવી કૃપા કરી દો.
હે અંતર્યામી, એવી કૃપા કરી દો.
- શ્રી યોગેશ્વરજી