સાયંકાલનો સમય છે. સંધ્યાના સુંદર ગુલાબી રંગો આકાશમાં ફરી વળ્યા છે. ગંગામાં એ રંગોનું પ્રતિબિંબ પડે છે.
ગંગાના વિશાળ ઘાટ પર ભાતભાતનાં ને જાતજાતનાં લોકો ટોળે વળ્યાં છે. જાણે કે મોટો મેળો ભરાયો છે.
હરિદ્વાર શહેરનો આ ઘાટ એટલો બધો ચિત્તાકર્ષક અને સુંદર છે કે વાત નહિ. એનું દર્શન કરવું એ પણ જીવનનો એક મોટો લહાવો છે.
ઘાટ પર ક્યાંક કથા થાય છે, ક્યાંક ઉપદેશ આપવામાં આવે છે. ક્યાંક નાના નાના દુકાનદારો ફુલની દુકાનો માંડીને બેઠા છે, તો ક્યાંક સ્થાયી અથવા અસ્થાયી પ્રવાસીઓ ટોળે વળીને બેઠા છે. કોઈ કુતૂહલવશ થઈને ફરી રહ્યા છે. ગંગામાં વૈશાખ મહિનાના આ દિવસોમાં સ્નાન કરનારા લોકો પણ કાંઈ ઓછા નથી.
એવે વખતે એક પંડિતજી એક ઊંચા મકાનના ઓટલા પર બેસીને અવારનવાર એકની એક વાત બોલી રહ્યા હતા, ‘આગલી છોડો, પાછલી છોડો, વચલી લેજો પકડી.’
એ સાંભળીને કેટલાક લોકો ત્યાં ટોળે મળ્યા હતા. પંડિતજીના શબ્દો એમને ભારે અજબ જેવા લાગતા હતા.
ટોળામાંથી કોઈ કોઈ તો કહેવા પણ માંડ્યા, ‘બુઢા હો ગયા ફિર ભી અભી સ્ત્રીયોં કા મોહ નહિ મિટા.’
‘અરે ભાઈ, બુઢા હુઆ તો ક્યા હુઆ ? મોહ અવસ્થા પર થોડા હી નિર્ભર રહતા હૈ ? વહ તો બુઢેપનમેં ભી હો સકતા હૈ.’
‘લડકિયાં બડી અજબ હોતી હૈ. કોઈ મિલેગી તો પંડિત કા શિર તોડ દેગી.’
‘ક્યા દુનિયા હય ? તીરથમેં આયા હય ઔર ગંગામૈયા કે કિનારે પર બૈઠા હૈ, ફિર ભી ઉસકા મન નહિ સુધરા.’
પરંતુ પંડિતજી તો વારંવાર, વચ્ચે અટકીને એનો એ જ જપ જપી રહ્યા હતા. ‘આગલી છોડો, પાછલી છોડો, વચલી લેજો પકડી.’
કોઈ કોઈ પ્રવાસીઓ એવા હતા જે પંડિતની વાતને લેશ પણ મહત્વ નહોતા આપતા. પંડિતના શબ્દોને સાંભળ્યા ન-સાંભળ્યા કરીને ત્યાંથી પસાર થતા હતા.
કેટલાક દિવસ લગી તો એમ ચાલ્યું. એટલે રોજ નિયમિત રીતે ઘાટ પર આવનારા લોકો એ શબ્દોથી ટેવાઈ ગયા. પરંતુ એક સાંજે પંડિતજીની દશા ભારે કફોડી બની ગઈ.
એ પોતાની સુપરિચિત પ્રિય પંક્તિ બોલી રહ્યા હતા તે જ વખતે એમની આગળથી ત્રણ છોકરીઓ પસાર થઈ ગઈ.
પંડિતજીના શબ્દો સાંભળીને એ અત્યંત રોષે ભરાઈ ગઈ. ખાસ કરીને વચલી છોકરીને તો ઘણું જ માઠું લાગ્યું. એ તરત જ બોલી ઊઠી, ‘બૂઢા, એસા બોલનેમેં તુઝે શરમ નહિ આતી ?’
‘તેરા કાલ આ ગયા હૈ ક્યા ?’ બીજી બોલી.
ત્રીજીએ પણ તરત કહ્યું, ‘અભી તેરા શિર ફોડ દેતી હું.’
અને બૂઢા પંડિત પર એના ચંપલનો પ્રહાર થવા માંડ્યો....
જોતજોતામાં તો ત્યાં લોકોનું ટોળું જામી ગયું.
‘ક્યા હૈ ? ક્યા બાત હૈ ?’
‘ક્યા હુઆ ?’
‘હોગા ક્યા ?’ છોકરી ચંપલ પહેરતાં બોલી, ‘યે મુઝે પકડકે લે જાના ચાહતા હૈ. દેખું તો સહી, મુઝે કૈસે લે જાતા હૈ ! હૈ બૂઢા, લેકિન ઉસને મેરી દિલ્લગી કી.’
માણસો પંડિતજીને ઠપકો આપવા માંડ્યા.
કોઈ દમદાટી પણ દેવા માંડ્યા.
બેત્રણ પોલીસો પણ ત્યાં આવી પહોંચ્યા.
પંડિતજીએ શાંતિથી કહ્યું, ‘મૈંને યે લડકિયોં સે કુછ કહા હી નહિ. યે મેરે પર બેકાર ગુસ્સે હો રહી હૈં.’
છોકરીઓ નાગણની પેઠે છંછેડાઈને બોલી ઊઠી : ‘એક તો મખોલ ઉડાતા થા ઔર પકડા ગયા તબ સફાઈ કર રહા હૈ ?’
‘સફાઈ કર રહા હું.’
‘તો ફિર ક્યા કર રહા હૈ ?’
‘જો સહી બાત હૈ વહ બતા રહા હૂં...’
‘ક્યા સહી બાત હૈ ?’
‘યહ કી મૈંને આપસે કુછ નહિ કહા.’
‘તો કિસસે કહા ?’
‘કિસીસે નહિ. મૈં કિસીકી એસી મખોલ ક્યોં કરતા ? મૈં તો ધરમકી એક બાત બતા રહા થા.’
‘ધરમ કી બાત !’ લોકોને આશ્ચર્ય થયું.
‘હાં, ધરમ કી બાત.’ પંડિતે સ્પષ્ટીકરણ કર્યું : ‘કુછ દિન પહિલે મૈં ગુજરાત ગયા થા. વહાં એક ગુજરાતી સંત યહ વાક્ય બોલા કરતે થે. ઉસને ઉસકા અર્થ યહ બતાયા થા કિ પહલી બાલ્યાવસ્થા તો ખેલકૂદ ઔર અજ્ઞાનમેં બીત જાતી હૈ, ઔર પીછલી વૃદ્ધાવસ્થા ભી લાચારી તથા આસક્તિમેં હી કાટની પડતી હૈ. ઈસી લિયે ઉન દોનોં અવસ્થાઓં કો છોડકર બીચમેં રહેનેવાલી યુવાવસ્થામેં હી આત્મા કા કલ્યાણ કર લો. બીચવાલી યુવાવસ્થા કો હી પકડ લો. મુઝે વહ બાત બડી અચ્છી લગી. તબસે મૈં ઉસી બાત કો ઉસ સંતકે શબ્દોમેં દોહરા રહા હૂં. ઉસમેં કીસી લડકીકી દિલ્લગી કરનેકી બાત હી નહિ હૈ.’
પંડિતજીના સ્પષ્ટીકરણથી બધા લોકો ઠંડા થઈ ગયા.
છોકરીઓ પણ શાંત થઈ અને પોતાના વર્તનને માટે અફસોસ કરવા લાગી.
કોઈ શાણા માણસે પંડિતજીને કહ્યું પણ ખરું, ‘બાત કિતની હી અચ્છી હો, લેકિન સાફ શબ્દોમેં કહનેકી જરૂરત હોતી હૈ. નહિ તો નતીજા અચ્છા નહિ નીકલતા.’
બીજાઓ કહ્યું, ‘શબ્દ તો સાફ થે, લેકિન સાર સાફ નહિ થા.’
‘દોનોં સાફ ચાહિયે.’
‘યહ તો હમ કૈસે કહ સકતે હૈ ?’
ધીરે ધીરે ટોળું વિખરાયું.
- શ્રી યોગેશ્વરજી