બદરીનાથનો પુણ્યપ્રદેશ.
હિમાલયનો પુણ્યપ્રસિદ્ધ ઉત્તરાખંડનો પ્રદેશ.
જેણે એ પ્રદેશ જોયો હશે તેને ખબર હશે કે એ પ્રદેશ કેટલો બધો શાંતિમય છે, કુદરતી સૌંદર્યથી સંપન્ન છે અને કેટલો બધો પ્રેરક તથા આહલાદક છે.
મહર્ષિ વ્યાસ, નારદ અને બીજા કેટલાય સમર્થ સંત મહાત્માઓની સાધનાથી સભર બનેલો એ પ્રદેશ એક પ્રકારના અલૌકિક આધ્યાત્મિક પરમાણુઓથી વ્યાપ્ત છે. એનું વાયુમંડળ જુદું જ છે અને આજે પણ એ પ્રદેશ એટલો જ સજીવ લાગે છે.
એક બાજુ નર પર્વત અને બીજી બાજુ નારાયણ પર્વત. બંનેની વચ્ચે વસેલી બદરીનાથપુરી એટલી રમણીય લાગે છે કે વાત નહિ.
એ પુણ્યપ્રદેશમાં થઈને અલકનંદા નદી વહી જાય છે. એનું પાણી એટલું બધું ઠંડું છે કે આંગળી અડાડીએ તો પણ કળી પડે. પરંતુ કુદરતની કળા તો જુઓ ! એ નદીને કાંઠે જ પાંચ ઉકળતા ગરમ પાણીના કુંડ છે.
એ અલકનંદા નદી તથા કુંડની સામે પાર બાબા કાલી કમલીવાલાની સંસ્થા તરફથી બાંધેલી કેટલીક કુટિરો છે. તેમાં સંતપુરુષો નિવાસ કરે છે.
આટલે દૂર આવી પહોંચેલા પ્રવાસીને સંતોના દર્શન કે સમાગમની ઈચ્છા તો હોય જ. એટલે એ ઈચ્છાથી પ્રેરાઈને કેટલાય પ્રવાસીઓ એ છૂટીછવાઈ શાંત કુટિરોની મુલાકાત લે છે. એમાં રહેનારા સંતપુરુષોનો સંપર્ક સાધે છે, અને સદભાગ્યે કોઈ સારા સંત મળી જાય તો પોતાની યાત્રાને સફળ સમજી એમના સત્સંગનો લાભ લે છે.
વરસો પહેલાં અમે પણ બદરીનાથના પુણ્યધામની યાત્રા કરી ત્યારે સંતસમાગમની ઈચ્છાથી પ્રેરાઈને એ કુટિરોની મુલાકાત લીધેલી. એ વખતે એ કુટિરોમાં રહેતા સંત મહાત્માઓમાંથી કોઈ અમને ઊંચી કોટિના ના લાગ્યા. પરંતુ એક સંત એમાં અપવાદરૂપ જેવા દેખાયા, અને એમણે અમારું ખાસ ધ્યાન ખેંચ્યું.
એમની નાની સરખી કુટિરમાં પ્રવેશ કર્યો ત્યારે એ સંત શાંતિપૂર્વક બેઠા હતા. એમણે અમારું સ્મિત સાથે સ્વાગત કર્યું.
અમે એમની બાજુમાં બેસી ગયા.
સંતપુરુષ તદ્દન સાદા અને સરળ હતા.
એમની ઉંમર સાધારણ હતી. ચાલીસેક જેટલી.
એમની કુટિરમાં કોઈ મૂર્તિ કે ચિત્ર કશું જ ન હતું પરંતુ એમની સામે જે વસ્તુ પડી હતી એણે અમારું ધ્યાન ખેંચ્યું.
એક નાના સરખા ટેબલ પર એક રૂમાલ પાથરેલો. એના પર એક બાટલી તથા ડબી હતી, અને એની આગળ અગરબત્તી બળતી’તી.
અમે એમને એ વસ્તુનો મર્મ પૂછ્યો તો એમણે શાંત સ્વરમાં કહેવા માંડ્યું, ‘આ બાટલી ને ડબી મારાં ચિરકાળનાં સાથી છે, અને મારા ગુરુનું કામ કરે છે. દત્તાત્રેયે જેમ ચોવીસ ગુરુ કરેલા તેમ મારે માટે પણ આ વસ્તુઓ ગુરુરૂપ હોવાથી હું તેમને મારી પાસે રાખું છું ને તેમની પૂજા કરું છે. એ મારે માટે અખંડ પ્રેરણારૂપ છે ને મને જાગૃત રાખે છે.’
‘કેવી રીતે ?’ અમે પ્રશ્ન કર્યો.
‘બાટલીમાં ગંગાનું પાણી છે તે મને હંમેશા યાદ આપે છે કે જીવનને એવું જ પારદર્શક કે નિર્મળ કરવું જોઈએ. એમાં બુરા વિચાર, ભાવ કે કુકર્મોની ગંદકી ના રહેવી જોઈએ અને આ ડબ્બીની પાછળ પણ ઈતિહાસ છે, રહસ્ય છે. એની અંદર ભસ્મ છે તે ભસ્મ મારી પત્નીની છે. એના મરણ પછી સ્મશાનમાંથી એની ભસ્મ લઈને મેં સંસારનો ત્યાગ કર્યો. એ ભસ્મ મને જાગ્રત રાખે છે અને એની મદદથી હું ઈશ્વરપરાયણ રહી શકું છું. એ મને સંદેશ આપે છે કે સંસારમાં જે દેખાય છે તે બધું જ ક્ષણભંગુર કે વિનાશી છે. માત્ર ઈશ્વર જ સત્ય છે, શાશ્વત છે, સુખસ્વરૂપ છે અને એ ઈશ્વરને ઓળખવાથી જ શાંતિ મળી શકે છે. એવી રીતે ગંગાજળ ને ભસ્મ મારે માટે પ્રેરક થાય છે. એટલા માટે એ બંનેને જ્યાં જાઉં છું ત્યાં મારી સામે રાખું છું ને પૂજું છું.’
અમને એ મહાપુરુષ માટે માન પેદા થયું. માણસ જો શીખવા માગે તો કોની પાસેથી ને શું નથી શીખી શકતો ? સમસ્ત સંસાર એને માટે વિશ્વવિદ્યાલય જેવો બની જાય છે, એની અમને ખાતરી થઈ.
- શ્રી યોગેશ્વરજી