પરમાત્મદર્શી મહાપુરુષોના દર્શન-અનુગ્રહનો લાભ મળવો મુશ્કેલ હોય છે. પુણ્યના પરિપાકવાળા કોઈ અસાધારણ આત્માને જ એવો લાભ મળે છે. એમનામાં રહેલી અલૌકિક શક્તિ પણ એવી ગેબી તથા અનોખી રીતે કામ કરતી હોય છે કે એને સમજવાનું કામ ધાર્યા જેટલું સહેલું નથી હોતું. પોતાને સમજુ માનનારા માણસો પણ એ બાબતમાં કોઈવાર ભૂલ કરી બેસે છે અને ઉપરછલા તથા અધકચરા અભિપ્રાયો બાંધે છે.
એવા મહાપુરુષોને ઓળખવાનું અઘરું હોય છે અને ઓળખ્યા પછી એમનામાં શ્રદ્ધા-ભક્તિને ટકાવી રાખવાનું તો એથીયે વધારે અઘરું હોય છે. એમના બાહ્ય રૂપરંગ પરથી કોઈ વાર નહિ પણ ઘણી વાર માણસો એમની લોકોત્તરતાનો ક્યાસ કાઢવામાં ભૂલ કરી બેસે છે. પરંતુ જે એમને ઓળખી લે છે-એમના ચરણોમાં પ્રીતિ કરે છે, તે એમના ઓછાવત્તા અનુગ્રહથી ધન્ય બની જાય છે.
મુંબઈ પાસે વજ્રેશ્વરી નજીક ગણેશપુરીમાં રહેતા મહાત્મા નિત્યાનંદજી એવા જ એક પ્રાતઃસ્મરણીય પ્રતાપી મહાપુરુષ હતા. એમના સંસર્ગમાં આવનાર કેટલાય પુરુષોને એમની યોગ્યતાની ખબર પડતી નહોતી.
બીજા અમુક લોકેષણાપ્રિય મહાત્માઓની જેમ, લોકોને પોતાની જાણ થાય એવું નિત્યાનંદજી ઈચ્છતા નહોતા. એટલે લોકોને આકર્ષવા કે તેમના પર પ્રભાવ પાડવા એ સામુહિક-જાહેર ચમત્કારો કરવાનું પસંદ ન કરતા. તેઓ બહુ ઓછું બોલતા અને લોકસંપર્કથી દૂર રહેતા.
એમનો બહારનો દેખાવ એમને ઉચ્ચ કોટિના મહાત્માપુરુષ તરીકે ઓળખવામાં જરાય મદદરૂપ થાય તેવો નહોતો. હા, એમની આંખ અત્યંત તેજસ્વી ને લાક્ષણિક હતી. એમને જોઈ સહેલાઈથી અનુમાન કરી શકાતું કે એમણે પોતાના આત્માની રહસ્યમય દુનિયામાં ડૂબકી મારીને સ્વાનુભવનાં મહામૂલાં મોતી હાથ કર્યાં છે અને સંસારના જીવો જેને માટે મહેનત કરે છે, આશાના મિનારા બાંધે છે ને ઝંખે છે તે સનાતન શાંતિ પ્રાપ્ત કરી છે.
મહાપુરુષના મૂલ્યાંકનમાં એમની આંખ અને મુખાકૃતિ બહુ મોટો ભાગ ભજવતી હોય છે અને તેની ઝાંખી કરીને એમનો પરિચય પામી શકાય છે.
નિત્યાનંદજીનો જનસમુદાય પ્રત્યેનો વ્યવહાર ઘણો વિચિત્ર હતો. કોઈ વાર તો તેઓ દર્શનાર્થીઓને ગાળો દેતા અને પથ્થર પણ મારતા. ધન તથા બીજી દુન્યવી કામનાઓની ઈચ્છાવાળા તથા સટ્ટો ખેલીને રાતોરાત માલદાર બની જવાની લાલસાવાળા લોકો એમની શાંતિમાં ભંગ પાડવા એમની પાસે જાય ત્યારે સ્વામીજી બીજું કરે પણ શું ? આવા લોકોને દૂર રાખવા એ જુદી જુદી જાતનો વ્યવહાર કરતા રહેતા-જેનું પરીણામ મોટે ભાગે સારું જ આવતું.
છતાં બધા માણસો કાંઈ માત્ર સ્વાર્થ લાલસાથી પ્રેરાઈને જ મહાત્માઓના દર્શન માટે થોડા જ જતા હોય છે ? સંસારમાં જુદી જુદી રુચિ અને પ્રકૃતિના લોકો વસે છે. એ રીતે જોતાં, આત્મવિકાસની આકાંક્ષાવાળા આત્મા પણ એવા સમર્થ સંતપુરુષના દર્શન અથવા અનુભવનો લાભ લેવા પ્રેરાય છે. નિત્યાનંદજી પાસે કોઈ વાર એવા સાધક આત્માઓ પણ આવી જતા.
એવા એક સાધકની સાચી હકિકત જાણવા જેવી છે. એ સાધક એક યુવાન હતો. તેને યોગાભ્યાસમાં ઊંડો રસ હતો. એ રસથી પ્રેરાઈને એણે અષ્ટાંગયોગની સાધના કરવાનું શરૂ કરેલું અને વર્ષો સુધી એના પ્રયોગો કરેલા. ધ્યાનયોગના અભ્યાસથી મનનો લય કરી, સમાધિના અપાર્થિવ આનંદનો આસ્વાદ લેવાની અને છેવટે એક ધન્ય ઘડીએ અને ધન્ય પળે, પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની એની ઈચ્છા હતી.
એ ઈચ્છાપૂર્તિ માટે તે ઉત્સાહપૂર્વક નિયમિત અભ્યાસ કરતો, પરંતુ તેમાં સફળ થઈ શક્યો નહોતો. વર્ષોના પરિશ્રમ પછી પણ એનું મન શરીરમાં જ અટવાયા કરતું. દેહાધ્યાસ છોડી અતિન્દ્રિય અવસ્થાની અનુભૂતિ કરતા આત્મામાં મળી ન શકતું. તેથી એ યુવકની ચિંતા વધી ગઈ હતી. યોગના ગ્રંથોમાં સૂચવ્યા પ્રમાણે બેઉ ભ્રમરની વચ્ચે આવેલ આજ્ઞાચક્રનું એનું ધ્યાન સફળ ન થાય તો જીવનમાં આનંદ ક્યાંથી આવે ?
એને થયું-કોઈ સિદ્ધાવસ્થાએ પહોંચેલા પરમ પ્રતાપી મહાપુરુષનો મેળાપ થાય અને તેમની કૃપા ઉતરે તો પોતાનો મનોરથ પૂરો થાય ખરો. એ દિવસો દરમ્યાન એ યુવકને ગણેશપુરીમાં વસતા સ્વામી નિત્યાનંદ પાસે જવાની ઈચ્છા થઈ.
પરંતુ નિત્યાનંદજી કોઈ સાથે બોલતા’તા જ ક્યાં ? દર્શને આવેલાંની લાંબી કતાર જામી હોવા છતાં એ તો એકદમ ઉદાસીન બની બેસી જ રહેતા. લાંબે વખતે બધા વિખેરાયા છતાં પેલો સાધક યુવાન તો ઊભો જ રહ્યો. એને તો ગમે તે ભોગે પણ નિત્યાનંદજીની કૃપા જ મેળવવી હતી. એ કૃપામાં એને વિશ્વાસ હતો. માટે તો એ ચાતક બનીને જોયા કરતો હતો.
મુંગા ને સાચા હૃદયનો પોકાર જેમ પ્રભુને પહોંચે છે તેમ કૃપાના ક્ષીરસાગર સમા સંતોને પહોંચતો નથી એમ કોણ કહી શકે ?
યુવાનના અંતરને એ વિરક્ત મહાત્મા ઓળખી ગયા અને તરત ઊભા થઈ રોષે ભરાઈને બોલ્યા, ‘યહાં ક્યોં આયા ?’
યુવાનને થયું-મહાત્મા બોલ્યા તો ખરા. એ રોષમાં બોલ્યા હોય પણ કહ્યું છે કે ‘દેવતા અને સંતપુરુષોનો ક્રોધ પણ વરદાન તથા આશીર્વાદરૂપ હોય છે’ એટલે નિત્યાનંદજીનો રોષ મારે માટે તો મંગલકારક જ નીવડશે, એમ માનીને એ જરાય ડર્યા કે ડગ્યા વગર ઊભો રહ્યો. એને કાંઈ બોલવાની જરૂર જ ન લાગી.
એ સમજતો હતો - નિત્યાનંદજી અંતર્યામી છે એટલે તેમને કાંઈ કહેવાની જરૂર જ શી છે ? એમનામાં એવી શક્તિ ન હોય તો એમની પાસે પોતાના કેસની રજુઆત કરવાથી પણ શો ફાયદો થવાનો હતો ?
પરંતુ યુવાનની ધારણા અને શ્રદ્ધા ફળી. નિત્યાનંદજીનો રોષ વધી ગયો. એમનું સ્વરૂપ રૌદ્ર બન્યું. પેલા યુવાનનો હાથ પકડી એમણે કહ્યું, ‘યહાં ક્યોં આયા ? યહાં દ્રષ્ટિ લગા. પ્રકાશ, પ્રકાશ, આનંદ, આનંદ ! ભાગ યહાં સે.’ અને એમણે યુવાન સાધકને ધક્કો માર્યો.
ઉપદેશ યા સંદેશ આપવાની આ તે કેવી વિલક્ષણ રીત ? પરંતુ પેલા યુવકને એવી શંકા ન ગઈ. એને એ રીત ગમી. એમાં તેને સ્વામીજીના આશીર્વાદનું દર્શન થયું. ઘેર આવી બીજે જ દિવસે સવારે એ રોજની જેમ ધ્યાનમાં બેઠો. એની અવસ્થા રોજના કરતાં જુદી જ થઈ ગઈ. મન એકાગ્ર બન્યું ને આજ્ઞાચક્રમાં પ્રકાશનું દર્શન થયું. આ પછી થોડા જ વખતમાં એને સમાધિનો અનુભવ થયો તેમજ તુર્યાવસ્થા આડેનું બારણું ઉઘડી ગયું. મહાપુરુષનું દર્શન, સ્પર્શન તથા સંભાષણ એ યુવાન સાધક માટે આ રીતે શ્રેયસ્કર થયું !
નિત્યાનંદજી અજ્ઞાત રીતે આવા ઘણાય સાધકોને સહાયતા કરતા હશે એ કોણ કહી શકે ? એમનો બાહ્ય દેખાવ તદ્દન સાધારણ હોવા છતાં એમની આત્મિક શક્તિ અસાધારણ હતી.
એની પ્રતીતિરૂપ આ પ્રસંગ એમને માટે ઘણું કહી જાય છે. એવા પ્રાતઃસ્મરણીય સમર્થ મહાપુરુષને આપણે મનોમન વંદન કરીએ તે ઉચિત જ છે. જે લોકો એમની પાસે કેવળ ધન, વૈભવ, સંતાનપ્રાપ્તિ તથા નોકરીધંધા ને રોગનિવારણ જેવી બીજી લૌકિક લાલસાઓથી પ્રેરાઈને જ ગયા હશે તે માનવજીવનમાં નવી ચેતના જગાડનારી કે પ્રાણસંચાર કરનારી એમની આ અજબ શક્તિની કલ્પના પણ નહિ કરી શકે. એ શક્તિનો તેમને ખ્યાલ હોત તો એમની દ્વારા એ પોતાનું આત્મકલ્યાણ કરી શકત. પરંતુ મહાપુરુષોની પાસે આપણે કેવળ દુન્યવી સ્વાર્થ માટે જઈએ છીએ ને આત્માના મંગલ માટે નથી જતા એ એક મોટામાં મોટી કરુણતા છે. આપણી એવી વૃત્તિ કે પ્રવૃત્તિને મહાત્માઓ પોતે પોષે, ઉત્તેજે ત્યારે તો એ કરુણતા અનેકગણી વધી જાય છે એમાં શંકા નથી. અખાના શબ્દોમાં કહીએ તો એવા મહાત્માઓ બીજું બધું ભલે હરે પણ ‘ધોખો’ નથી હરી શકતા.
નિત્યાનંદજીએ બતાવેલી અસાધારણ શક્તિનો ઉલ્લેખ યોગગ્રંથોમાં કરાયેલો છે. એ ઉલ્લેખ પ્રમાણે મહાપુરુષો પોતાના દર્શન, સ્પર્શન, સંભાષણ અને સંકલ્પ દ્વારા બીજાની સુષુપ્ત શક્તિને જગાડી શકે છે ને જાગેલી શક્તિને આગળ વધારે છે.
ગુરુ તોતાપુરીએ શ્રી રામકૃષ્ણ પરમહંસની બે ભ્રમરો વચ્ચે કાચનો ટુકડો દબાવીને એમને સમાધિદશાની અનુભૂતિ કરાવેલી એ વાત બહુ જાણીતી છે. ભ્રમરો વચ્ચે નજર સ્થિર કરવાનો સંદેશ પણ યોગની સાધનામાં બહુ મહત્વનો છે. એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે, કે મહાપુરષો કે યોગી-મહાત્માઓ આપણા જીવનવિકાસમાં આપણને મદદ કરશે, માર્ગ બતાવશે કે પ્રેરણા પાશે-પરંતુ એની ભૂમિકા અથવા જરૂરી સાધના તો આપણે જ કરવી રહેશે. સાચી ખંત, લગન તથા ઉત્સાહપૂર્વક સાધના કરનાર જ લાંબા સમયે કાંઈક નક્કર મેળવી શકે છે. આમ હોવાથી સાધકોએ બધો આધાર બીજા પર ન રાખવો જોઈએ. પહેલાં આત્મકૃપા મેળવીએ તો પછી મહાપુરુષની કૃપા, ગુરુકૃપા અને આખરે ઈશ્વરકૃપા આપોઆપ મળી રહેશે.
- શ્રી યોગેશ્વરજી