ભક્ત કવિ નિષ્કુળાનંદે કહ્યું છે કે ‘ત્યાગ ન ટકે રે વૈરાગ વિના’ એ વાત સાચી છે. એમના જ શબ્દોમાં કહીએ તો
‘વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ અચ્છો બન્યો, માંહે મોહ ભરપૂર જી.’
એવી દશા મોટાભાગના વૈરાગી, ત્યાગી કે સંન્યાસીઓની હોય છે. બીજા સાધકોના સંબંધમાં પણ સામાન્ય રીતે એવું જ બનતું હોય છે.
એને લીધે એમના જીવનની સાર્થકતા નથી થઈ શકતી. ત્યાગ, સંન્યાસ અથવા તો એકાંતિક જીવન આકર્ષક છે, પરંતુ એની પાછળ વૈરાગ્યનું પીઠબળ હોવું જોઈએ. તો જ તે ફળી શકે. વૈરાગ્યના પૂરતા પીઠબળ વિનાના પુરુષોએ ત્યાગ કે સંન્યાસને માટે ઉતાવળ કરવાની જરૂર નથી. એવી ખોટી ઉતાવળ કરવાને બદલે જરૂરી યોગ્યતા તૈયાર કરવાના મહત્વના કામમાં તેમણે લાગી જવાની જરૂર છે.
એવી જ એક અધકચરી યોગ્યતાવાળા જિજ્ઞાસુ અમેરીકન ભાઈ ત્રણેક વરસ પહેલાં ઋષિકેશમાં રહેવા આવેલા. એમને મારો પરિચય થવાથી એ મારી પાસે અવારનવાર આવવા માંડ્યા. એ અતિશય શ્રીમંત હતા. શોખને લીધે રેશમી ભગવી કફની પહેરતા તથા દાઢી રાખતા, અને તત્વજ્ઞાન તથા યોગની સાધનામાં રસ લેતા. દેશમાં વિચરણ કરીને એ અનેક જ્ઞાત-અજ્ઞાત સંતપુરુષોનો સમાગમ કરી ચૂક્યા હતા.
એક દિવસ રાતે તેમણે મને પ્રશ્ન કર્યો : ‘ભારતમાં કોઈ ઊંચી કોટિના શક્તિ સંપન્ન મહાત્માઓ છે કે નહિ ?’
મેં કહ્યું, ‘કેમ નથી ? જેના દિલમાં એવા મહાત્માઓને મળવાની લગન હોય છે તેને એવા મહાત્માઓ પણ મળી રહે છે.’
થોડીવાર સુધી શાંત રહીને એ ફરી બોલ્યા, ‘મારો વિચાર કોઈ યોગ્ય ગુરુ પાસેથી સંન્યાસ લેવાનો છે. હું ભગની કફની પહેરું છું, પણ મેં હજી વિધિપૂર્વકનો સંન્યાસ નથી લીધો.’
મેં કહ્યું, ‘સંન્યાસ કોઈ લેવાની વસ્તુ નથી. એ કાંઈ કોઈને આપી નથી શકાતો. એ તો અંતરમાંથી આપોઆપ જ ઊગી નીકળે છે. સંન્યાસ કોઈ સોદો કે વ્યાપાર નથી પરંતુ જીવનવિકાસની અંતરંગ અવસ્થા છે. છતાં પણ જો વિધિપૂર્વક સંન્યાસ લેવાની ઈચ્છા હોય તો તમારે એવો સંન્યાસ ના લેવો એવી મારી સલાહ છે !’
‘કારણ ?’
‘કારણ કે તમારા હૃદયમાં તે માટેનો જરૂરી વૈરાગ્ય નથી.’
‘મારા હૃદયમાં ઊંડો વૈરાગ્ય છે.’
‘બિલકુલ નહિ. તમારા હૃદયમાં શું છે તે કહી બતાવું ? તેમાં એક પચ્ચીસેક વરસની અમેરીકન છોકરી છે. તમને તેના પર પ્રેમ છે છતાં તમે તેને છોડીને આવ્યા છો. એ છોકરી માંદી પડી છે ને હાલ ન્યૂયોર્કની હોસ્પીટલમાં છે.’
પેલા અમેરીકન ભાઈ ચમક્યા ને પૂછવા લાગ્યા, ‘તમે આ બધું કેવી રીતે જાણ્યું ?’
‘કેવી રીતે જાણ્યું એ પ્રશ્ન અલગ છે. પરંતુ મારી વાત સાચી છે કે નહિ તે કહો.’
‘સાચી છે.’
‘બસ ત્યારે.’
બીજે દિવસે તે ભાઈ એક નાનું સરખું આલ્બમ લઈ આવી પહોંચ્યા. તેમાં પેલી અમેરીકન છોકરીના ફોટા હતા.
એક ફોટામાં તે બહેને સરસ શીર્ષાસન કરેલું. બીજામાં હલાસન, ત્રીજામાં પદ્માસન અને ચોથામાં પશ્ચિમોત્તાનાસન કરેલું. થોડા બીજા સામાન્ય ફોટાઓ પણ હતા.
મેં કહ્યું, ‘આટલી બધી સારી કે સંસ્કારી છોકરી છે છતાં તેને મૂકીને અહીં આવતા રહ્યા છો ને હવે સંન્યાસ લેવાની ઈચ્છા રાખો છો ? ન્યૂયોર્ક જઈને એને અપનાવો ને શાંતિ આપો. જ્યાં સુધી એ છોકરી માટેની લાલસા કે વાસના તમારા દિલમાં ભરેલી છે ત્યાં સુધી બહારનો સંન્યાસ લેશો તો પણ સફળ નહિ થાય. તમારા ત્યાગને તમે શોભાવી નહિ શકો.’
એમણે કહ્યું, ‘મારે સંન્યાસ નથી લેવો પરંતુ આશીર્વાદ લેવા છે. તે છોકરી વહેલી તકે સારી થઈ જાય એવો આશીર્વાદ આપો.’
‘ઈશ્વર તેને સારી કરી દેશે. પહેલા અંદરનો ત્યાગ તૈયાર કરો. અંદરનો ત્યાગ એટલે કામના કે વાસનાઓનો ત્યાગ. પછી બહારનો ત્યાગ તો આપોઆપ આવી જશે.’
એમના મનનું સમાધાન થયું.
- શ્રી યોગેશ્વરજી