ઉત્તર પ્રદેશમાં આવેલા ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં બાબા ગોરખનાથજીની ચિત્તાકર્ષક પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ છે. એનાં દર્શન કરતાં નાથ સંપ્રદાયના યોગીઓ મછંદરનાથ, ગોરખનાથ, ચર્પટનાથ, ગહિનીનાથ જેવા મહાપુરુષોના જીવનના પ્રેરણાદાયક પ્રસંગોનો ઈતિહાસ આંખ સામે ખડો થઈ જાય છે.
નાથ સંપ્રદાયનો વિચાર કરતી વખતે યોગસાધના માટે કહેવાયેલું એક સૂત્ર યાદ આવી જાય છે. જેનો અર્થ નીચે મુજબ છે :
‘યોગના અગ્નિથી પ્રદીપ્ત થયેલા શરીરવાળા યોગીને મૃત્યુનો ભય રહેતો નથી, વૃદ્ધાવસ્થા સતાવતી નથી, કોઈ પ્રકારનો રોગ એને થતો નથી. આવો યોગી મૃત્યુંજય અને અખંડ યૌવનવાળો હોય છે.’
નાથ સંપ્રદાયના યોગીઓ પણ ઈન્દ્રિયો તથા મન પર કાબૂ મેળવી, પરમાત્માનો સાક્ષાત્કાર સાધી, પરમ શાંતિ, મુક્તિ મેળવવામાં તો માનતા, પરંતુ પોતાની સૂક્ષ્મ અને સ્થૂળ પ્રકૃત્તિને પલટાવી, એને દિવ્ય બનાવવામાં પણ રસ લેતા. આવા બેવડા રસને પરિણામે થયેલી ચોક્કસ સાધનાથી મછંદરનાથ ને ગોરખનાથ જેવા મહાયોગીઓ આત્મવિકાસના ઉચ્ચતમ શિખરે પહોંચી, નરમાંથી નારાયણ બની ગયા હતા. વિકાસના આ સર્વોચ્ચ શિખરે પહોંચવામાં આસન, પ્રાણાયમ, ષટક્રિયા અને ખેચરી મુદ્રા જેવી બીજી મુદ્રાઓને ખાસ મહત્વ અપાતું.
નાથ સંપ્રદાયમાં આજે પહેલાંના જેવા પ્રતાપી પુરુષો ભાગ્યે જ જોવા મળે છે, પણ એ સંપ્રદાયના સાચા પ્રતિનિધિ જેવા એક આદર્શ યોગીપુરુષ છેલ્લી સદીમાં થઈ ગયા.
એ પ્રતાપી મહાપુરુષ તે ગોરખપુરના ગોરખમંદિરના મહંત ગંભીરનાથજી. એકાંત અને શાંત સ્થાનોમાં વર્ષો સુધી રહીને, અનેક પ્રકારની અટપટી ગુરુગમ્ય સાધનાઓ કરી તેઓ સિદ્ધાવસ્થાએ પહોંચી ચૂક્યા હતા. જીવનના ઉત્તરાર્ધમાં એ મહાન યોગીપુરુષ ગોરખનાથ મંદિરમાં રહેતા. ઘણા ભક્તો, જિજ્ઞાસુઓ અને દર્શનાર્થીઓ એમના સત્સંગનો લાભ લઈ શાંતિ મેળવતા. આવા મહાપુરુષનો એક પાવન પ્રસંગ અહીં વર્ણવેલો છે.
ગોરખપુરમાં રહેતા એક શ્રદ્ધાળુ શ્રીમંત ભક્તે એક દિવસ બાબા ગંભીરનાથજીને વંદન કરીને કહ્યું : ‘બાબા, મારા મનને મારા યુવાન પુત્રની માંદગીની ચિંતા અસ્વસ્થ કરી રહી છે. ઈંગ્લાંડમાં રહેતા એ પુત્રની માંદગીનો પત્ર મને ઘણા દિવસો પહેલાં મળેલો. ત્યારે એ ખૂબ બિમાર હતો. હમણાં એના કોઈ જાતના સમાચાર નથી. યોગીઓ પોતાની દૂરદર્શન અને શ્રવણની શક્તિથી બધી વાતો જાણી શકે છે એવી મને શ્રદ્ધા છે. આપ કૃપા કરો અને મારા પુત્ર સંબંધી કાંઈક જણાવો તો મને શાંતિ મળે.’
યોગી ગંભીરનાથજી સિદ્ધિથી થતા ચમત્કારોનું જાહેર પ્રદર્શન કરવામાં માનતા નહોતા-છતાં ભક્તની ચિંતા-દુઃખ ઓછું કરવાના હેતુથી તેઓ દ્રવી ગયા. ભક્તને બેસવાનું કહી, પોતાના સાધનાખંડમાં જઈને પદ્માસન વાળી બેસી ગયા.
થોડીવારે બહાર આવી, પેલા ભક્તને સંબોધી એમણે કહ્યું : ‘તમારા પુત્રની બિમારી દૂર થઈ છે અને તે સ્ટીમરમાં ભારત પાછો ફરી રહ્યો છે. થોડા દિવસોમાં તમને એનો મેળાપ થશે.’
યોગીપુરુષના એ શબ્દોથી પેલા ગૃહસ્થને સંતોષ થયો અને એનું મન શાંત થઈ ગયું. એકાદ અઠવાડિયામાં એ ભક્તનો પુત્ર ઘેર આવી પહોંચ્યો.
એને સાજો-સારો જોઈ આ શ્રીમંત ભક્તને બાબા ગંભીરનાથજીની અજબ શક્તિનો ખ્યાલ આવ્યો અને એમના પ્રત્યે અસાધારણ આદરભાવ પેદા થયો.
બીજે દિવસે બાબાને દર્શને જતી વખતે એણે ઈગ્લાંડથી આવેલા પુત્રને પણ સાથે આવવા કહ્યું પણ એણે પોતાની ઈચ્છા બતાવી નહિ. આમ છતાં પિતાના વધુ પડતા આગ્રહને વશ થઈ એમની સાથે જવા એ તૈયાર થયો.
ગોરખનાથના મંદિરના પ્રાંગણમાં બીરાજેલા મહાયોગી ગંભીરનાથને જોઈ, પેલા યુવાનને આશ્ચર્ય થયું. એમને ભારે પ્રેમપૂર્વક વંદન કરી એણે પિતાને કહ્યું : ‘આ મહાત્માને તો મેં જોયા છે.’
‘તું એમને ક્યાંથી જુએ ? અત્યારે તો તું પહેલી વાર અહીં આવે છે !’ પિતાને નવાઈ લાગી.
‘અઠવાડિયા પહેલાં, સ્ટીમરમાં હું ભારત આવતો હતો ત્યારે, એક દિવસ સાંજે અમે મળ્યા હતા. એમનું સ્વરૂપ આવું જ શાંત અને તેજસ્વી હતું. મારી સાથે વાતચીત કરી, તેઓ ક્યાં ચાલ્યા ગયા તેની મને ખબર પડી નહીં.’
પુત્રના નિવેદનથી પેલા ગૃહસ્થને અઠવાડિયા પહેલાંનો પ્રસંગ યાદ આવી ગયો. હવે એને ખાત્રી થઈ ગઈ, કે ગંભીરનાથજીએ તે દિવસે સાધનાખંડમાં પ્રવેશીને આ છોકરાની મુલાકાત લીધી હશે.
‘આશ્ચર્ય પામવાની જરૂર નથી.’ યોગીશ્રીએ ખુલાસો કર્યો. ‘તમારા પુત્રની વાત સાચી છે. હું એને સ્ટીમર પર મળ્યો હતો ને તેની તબિયતના ખબર-અંતર પણ પૂછ્યા હતા.’ અને બાબાએ પેલા યુવક સામે જોઈને સ્મિત કર્યું.
પિતા-પુત્રની જિજ્ઞાસાવૃત્તિ સંતોષવા ગંભીરનાથજીએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું : ‘યોગની અમુક પ્રકારની ક્રિયા-સાધનાઓ એવી હોય છે જેથી સાધક પોતાના સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી શકે છે. અને સૂક્ષ્મદેહ કે સ્થૂલ શરીર દ્વારા જ ગમે તેટલા દૂરના સ્થળે પહોંચી જઈ ત્યાંની વસ્તુ કે વ્યક્તિના સંબંધમાં માહિતી મેળવી શકે છે. ’
પોતાની ઈચ્છાનુસાર ગતિ કરવાની એ વિદ્યા નાથ સંપ્રદાયનાં યોગીઓને હસ્તગત હતી. એ વિદ્યાનો ઉપયોગ કરી તે મહાપુરુષો ભારે આશ્ચર્ય પમાડે તેવા કાર્યો કરી શકતા. આજની હાલત તો ‘સાપ ગયા અને લીસોટા રહ્યા’ જેવી કરુણ હોવા છતાં ભારત હજુ આવા સમર્થ-પ્રાતઃસ્મરણીય યોગીઓથી રહિત નથી. હજુ અમુક સ્થાનોમાં આવા યોગીઓ વસે છે.
પૂજ્ય શ્રી ગંભીરનાથજીની મુલાકાત પછી પેલા શ્રીમંત ભક્તનો પુત્ર પણ બાબાનો શિષ્ય બની ગયો.
એ મહાપુરુષ ચમત્કાર, વિશેષ શક્તિ કે સિદ્ધિને જીવનનું ધ્યેય નહોતા માનતા. ચમત્કારના સામુહિક અથવા જાહેર પ્રદર્શનમાં પણ તેઓ રુચિ રાખતા નહીં.
સાધકો તેમજ સંતપુરુષોને પણ તેઓ ‘ચમત્કારના ચક્કર’માં પડી, જીવનના મૂળ હેતુને ભૂલી ન જવાનો ઉપદેશ આપતા. છતાં, શ્રદ્ધા-ભક્તિસંપન્ન શિષ્યો તથા ભક્તોને સહાયક બનવાના આવા પાવન પ્રસંગો એમના જીવનમાં સહજ રીતે બન્યા કરતાં.
ગોરખપુરની જ નહિ, પણ સમસ્ત ભારતની ભૂમિને પવિત્ર કરનાર આવા મહાયોગીને આપણા સદાય વંદન હજો !
- શ્રી યોગેશ્વરજી