મૃત્યુ પછી જીવનનું કોઈ અસ્તિત્વ રહે છે ખરું ? સંસ્કૃતિની શરૂઆતના કાળમાં સમજુ માનવના મનનશીલ મનને એ સમસ્યા સતાવતી હશે, પણ હવે અસંખ્ય વરસોથી એનો સંતોષકારક ઉકેલ આવી ગયો છે.
મનનશીલ માનવે શોધી કાઢ્યું છે ને સુનિશ્ચિત કર્યું છે કે મૃત્યુ પછી પણ જીવન રહે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં માનવમનના એ નિશ્ચયને પ્રકટ કરતા પેલા પ્રસિદ્ધ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ‘મનુષ્યો જેવી રીતે જૂનાં વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રોને ધારણ કરે છે તેવી રીતે જીર્ણ શરીરનો પરિત્યાગ કરી જીવાત્મા બીજા નવા શરીરમાં પ્રવેશ કરે છે.’
મૃત્યુ પછીના જીવનમાં માનવા માટે મહત્વના કારણો ત્રણ છે. એક તો કર્મના નિયમનું કારણ, બીજું જીવનના ધ્યેયનું કારણ અને ત્રીજું પ્રત્યક્ષ પ્રમાણ અથવા અનુભવોનું કારણ.
કર્મના નિયમમાં દુનિયાના મોટા ભાગના કે સઘળા સુસંસ્કૃત ધર્મો વિશ્વાસ ધરાવે છે. કર્મ અવશ્ય ફળે છે, અને સારા કર્મોનું સારું ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ જરૂર મળે છે-એ નિયમ લગભગ સર્વસંમત જેવો છે. અને એમાં હિંદુ ધર્મ, જરથુસ્ત ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામ તથા બૌદ્ધ ધર્મ પણ માને છે. એ નિયમમાં વિશ્વાસ રાખનાર સહેજે જાણે છે, કે સારાં-નરસાં બધા જ કર્મોનું ફળ એક જન્મમાં કે એક જીવનમાં નથી મળતું. તો પછી જે શુભાશુભ કર્મફળો બાકી છે તેમને ભોગવતા પહેલાં જો વર્તમાન શરીર છૂટી જાય કે સમાપ્ત થાય તો એનો અર્થ એવો ન જ થઈ શકે કે જીવનનો અંત આવ્યો. એ કર્મફળોના ઉપભોગ માટે બીજા શરીર કે જીવનને ધારણ કરવું જ પડે. ત્યાં સુધી ધારણ કરવું પડે જ્યાં સુધી એ શુભાશુભ કર્મફળોના ઉપભોગનો અંત આવે.
એવી રીતે કર્મના નિયમમાં માનનારે જન્માંતરમાં, પુનર્જન્મમાં અથવા જીવનની પરંપરા કે પુનરાવૃત્તિમાં જરૂર માનવું પડે છે.
પુનર્જન્મમાં કે જીવનની પુનરાવૃત્તિમાં વિશ્વાસ પ્રેરનારું બીજું મહત્વનું કારણ જીવનના ધ્યેયનું છે. આ જીવન સાવ નિરર્થક અથવા ધ્યેયરહીત તો ન જ હોઈ શકે.
એના ધ્યેય પ્રતિ એ ચોક્કસ રીતે પ્રયાણ કરી રહ્યું છે. ન્યુટને જોયું કે ઝાડ પરથી પડનારું ફળ ઉપરની દિશામાં નહિ, પણ નીચેની દિશામાં ગતિ કરે છે. ન્યુટને એના પરથી ગુરૂત્વાકર્ષણનો સિદ્ધાંત શોધી કાઢ્યો.
ફળ પૃથ્વી પર પડે છે ને પૃથ્વીના આકર્ષણનો અનુભવ કરે છે, કારણ કે એની મૂળ માતા પૃથ્વી છે. એ પૃથ્વીમાંથી પેદા થયું. એવી રીતે ગુરૂત્વાકર્ષણના નોંધપાત્ર નિયમાનુસાર જીવ સદાયે પોતાના મૂળભૂત શિવતત્વમાં પ્રતિષ્ઠિત થવા કે મળી જવા ઝંખે છે ને પ્રવૃત્તિ તથા પ્રગતિ કરે છે.
જીવન દ્વારા સચ્ચિદાનંદ સ્વરૂપના સ્વાનુભવની અને એમાં પ્રતિષ્ઠિત થવાની કે મળી જવાની એ પ્રવૃત્તિ ચાલુ જ રહે છે, અને એની પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી જીવનની સમાપ્તિ થતી નથી. એ રીતે વિચારતા જીવનની પુનરાવૃત્તિનો વિશ્વાસ સહજ બને છે.
ત્રીજી વાત પ્રત્યક્ષ પ્રમાણની છે. હિંદમાં પ્રાચીન અર્વાચીન કાળમાં એવા પ્રતાપી સ્ત્રી-પુરુષો થઈ ગયા છે જેમણે સાધનાપરાયણ જીવન જીવી પોતાના પૂર્વજન્મોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તથા બીજાના પૂર્વજન્મો વિશે પણ પ્રકાશ ધર્યો છે.
નારદજી, જડભરત, ભગવાન કૃષ્ણ, બુદ્ધ ને મહાવીરના જીવન એના ઉત્તમ ઉદાહરણરૂપ છે. અર્વાચીન કાળમાં પણ ભારતનાં ને ભારતની બહાર પોતાની પૂર્વજન્મની સ્મૃતિવાળા કેટલાક આત્માઓ જન્મે છે.
તેમના કહ્યા પ્રમાણેની તેમના પૂર્વજન્મની વિગતોની ચકાસણી થાય છે, ને એ બધી ચકાસણી સાચી ઠરે છે. એ આત્માઓ આત્મિક વિકાસના બીજા પાસાંઓની દૃષ્ટિએ સાવ સાધારણ હોય છે તો ય પૂર્વજન્મના અસાધારણ જ્ઞાનથી સંપન્ન હોય છે. એમના સંસર્ગમાં આવનાર આશ્ચર્યનો અનુભવ કરે છે. છતાં એમની પૂર્વજન્મની સ્મૃતિ સાચી હોય છે એ હકીકત અવારનવાર પુરવાર થઈ ચૂકી છે.
ખ્રિસ્તી ધર્મ તથા ઈસ્લામ ધર્મ ‘ડે ઓફ જજમેન્ટ’ અને ‘કયામત’ના દિવસમાં માને છે. એ પ્રમાણે મૃત્યુ પછી કબરમાં સૂતેલા જીવોને ઈશ્વર એક નિશ્ચિત દિવસે ઊઠાડે છે, ને એમના કર્મોના હિસાબ સંભળાવે છે.
પરંતુ પ્રશ્ન એ થાય છે કે ઈશ્વર બધો હિસાબ સંભળાવીને બેસી રહે છે, કે એથી આગળ વધીને એ જીવોને કર્મના શુભાશુભ ફળો ભોગવવા બાધ્ય કરે છે ? ઈશ્વર જો એવી રીતે બાધ્ય કરતા હોય, ને કરે જ, તો કર્મફળના ભોગ માટે શરીર તો જોઈએ જ.
ઈશ્વર કબરમાં સૂતેલાઓને એમના કર્મોનો હિસાબ સંભળાવવા જગાડે છે એ માન્યતામાં પુનર્જન્મનો સિદ્ધાંત સમાયેલો છે. પરંતુ હિંદુ ધર્મે એ સિદ્ધાંતને વધારે વાસ્તવિક ને વિશાળ રૂપ આપ્યું છે. એ દૃષ્ટિએ જોતાં હિંદુધર્મની આગળ એ ધર્મો ઘણા સાધારણ તથા પછાત લાગે છે. હિંદુ ધર્મે પોતાના સુંદર સદગ્રંથો દ્વારા પુનર્જન્મ-પૂર્વજન્મના સિદ્ધાંતોનું અત્યંત સુંદર, હૃદયંગમ તેમજ તર્કબદ્ધ રીતે પ્રતિપાદન કરી બતાવ્યું છે. એ સંબંધી આટલો નિર્દેશ પૂરતો થઈ પડશે.
છતાંય મૃત્યુ પછી બધા જ સંજોગોમાં તરત જ બીજા સ્થૂળ શરીરની પ્રાપ્તિ થાય છે એવો નિયમ નથી સ્થાપી શકાતો. મૃત્યુ પછી જીવાત્મા કેટલીક વાર તરત જ બીજા શરીરમાં પ્રવેશ કરે છે તો કેટલીક વાર અધૂરી રહેલી આકાંક્ષાઓ કે વાસનાઓના ઉપભોગ માટે આવશ્યકતાનુસાર સૂક્ષ્મ શરીર ધારણ કરીને તેમાં પણ શ્વાસ લે છે. એને લિંગ શરીર કહેવામાં આવે છે. એ વ્યવસ્થા કરી લેવાની શક્તિ કે સ્વતંત્રતા એનામાં નથી હોતી. એ વ્યવસ્થા પરમાત્માની જન્મ ને મરણની વ્યવસ્થા કરનારી પરમ શક્તિ કરતી હોય છે. સુક્ષ્મ શરીરના એ કામચલાઉ કાળચક્રમાં શ્વાસ લેનારા જીવો સારા અને નરસા અથવા સાધારણ અને અસાધારણ બંને જાતના હોય છે. કોઈવાર એમનો આશ્ચર્યકારક પરિચય થઈ જાય છે. એવા જ એક સૂક્ષ્મ શરીરધારી સાધારણ જીવાત્માના પરિચય વિશે કહી બતાવું.
એ ઘટના આજથી આશરે સાતેક વરસ પહેલાં બનેલી છે.
એ વખતે શિયાળામાં હું મુંબઈ હતો ત્યારે વાલકેશ્વર પર આવેલા એક સેનેટોરિયમમાં રહેવા ગયેલો.
સેનેટોરિયમનું સ્થાન ઘણું શાંત, સ્વચ્છ તથા સુંદર હતું એટલે મને ગમી ગયું. ત્યાંથી સમુદ્રના વિશાળ સ્વરૂપનું દર્શન થતું હોવાથી એની સુંદરતામાં વધારો થતો.
એ સેનેટોરિયમમાં પ્રવેશ કર્યા પછીની પહેલી જ રાતે હું મારા ઓરડામાં પલંગ પર બેસીને પ્રાર્થના કરતો હતો ત્યાં જ કોઈક સ્ત્રીની અજાણી આકૃતિ મારી આગળ આવીને ઊભી રહી.
બારીમાંથી બહારના રસ્તા પરની બત્તીનો સાધારણ પ્રકાશ આવતો. તેને લીધે ઓરડામાં થોડોક ઉજાસ હતો. એ ઉજાસમાં હું એને જોઈ શક્યો.
એ સ્ત્રીની ઉંમર લગભગ ૩૦-૩૫ વરસની હશે. એની મુખાકૃતિ આકર્ષક, શાંત અને ગૌર હતી. એણે ગુલાબી રંગની સુંદર સાડી પહેરેલી. મારી સામેના અંધકારમાંથી ઊપસી આવીને એ મારી તરફ નજર માંડીને ઊભી હતી.
મને થયું કે આ વળી કોણ છે ?
આજ પહેલાં મેં એવી બીજી કેટલીય આકૃતિઓ જોઈ હતી એટલે એને જોઈને મને નવાઈ ના લાગી, છતાં પણ એની આકસ્મિક હાજરીથી એક પ્રકારની અસાધારણ લાગણી તો થઈ આવી જ.
ત્યાં તો એ સ્ત્રી પોતાનો હાથ ઊંચો કરી, પલંગ તરફ આંગળી કરી મૃદુ છતાં મીઠા સ્વરે કહેવા માંડી : ‘તમે જે પલંગ પર બેઠા છો તે પલંગ-આ પલંગ-મારો છે !’
મને કાંઈ સમજ ના પડી.
મેં પૂછ્યું : ‘એટલે ?’
‘એટલે તમે ના સમજ્યા ? બે વરસ પહેલાં સુવાવડમાં આ પલંગ પર જ મારું મરણ થયેલું.’
‘એમ ?’
‘હા. તમને ખબર નહિ હોય, પરંતુ આ પલંગ મને ખૂબ જ પ્રિય હતો, અને આ ઓરડો પણ. આ સામેના આકર્ષક અરીસામાં હું આખો વખત મારું મોઢું જોયા કરતી. મારું મરણ બહુ જ કરુણ રીતે થયેલું. ત્યારથી હું અહીં જ રહું છું ને ફરું છું.’
મને એ સ્ત્રીની વાત સાંભળીને જરા નવાઈ લાગી. મેં પૂછ્યું : ‘તમે અહીં રહીને શું કરો છો ?’
‘આ જગ્યામાં કોઈ રહેવા આવે તો માંદા પાડું છું.’ તે ધીરેથી બોલી : ‘સારા કે ખરાબની ચર્ચામાં નહિ પડું, પરંતુ એથી મને એક પ્રકારનો ઊંડો સંતોષ મળે છે.’
‘બીજાને માંદા પાડવામાં સંતોષ ? એ સંતોષ ભારે વિચિત્ર કહેવાય.’
‘છતાંય એ એક હકીકત છે. અહીં એક વાત કહી દઉં-મારી વાતમાં વિશ્વાસ રાખજો કે હું બીજાને માંદા પાડીશ પણ તમને માંદા નહિ પાડું.’
એ સ્ત્રીના શબ્દોમાં એક જાતની ઘેરી કરુણતા હતી. એ હજુ મારી સામે જ ઊભી હતી. મારે માટે એ અનુભવ અત્યંત વિલક્ષણ હતો.
મેં કુતૂહલથી પ્રેરાઈને પ્રશ્ન પૂછ્યો : ‘આવું જીવન તમને ગમે છે ?’
‘શરૂઆતમાં નહોતું ગમતું.’ એણે ઉત્તર આપ્યો, ‘પરંતુ જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ આવા જીવનથી હું ટેવાઈ ગઈ. હવે તો આ જીવનથી ટેવાઈ ગઈ છું-એટલું જ નહિ, આ જીવન મને ગમે છે.’
‘આ યોનિમાં આવ્યા પછી તમને કોઈ વિશેષ શક્તિ મળી છે ખરી ?’
‘એવી ઉલ્લેખનીય વિશેષ શક્તિ તો બીજી કોઈયે નથી મળી, છતાં અમારા શરીરમાં પૃથ્વી તત્વ ન હોવાથી અમે અમારી શક્તિની મર્યાદામાં રહીને ઈચ્છાનુસાર ગતિ કરી શકીએ છીએ, દૂરની વસ્તુઓ અને ઘટનાઓ જોઈ શકીએ છીએ. આ યોનિમાં અમને પૂર્ણ શાંતિ તો નથી જ, પરંતુ થોડો ઘણો આનંદ તો છે જ.’
‘તમે આ સેનેટોરિયમમાં આવવાના છો તેની મને ખબર હતી, તમે આવ્યા તેનીયે મને ખબર હતી, એટલા માટે જ હું આજે અમુલખ અવસર જાણીને તમારું દર્શન કરવા આવી પહોંચી. હવે હું તમારી વિદાય લઉં છું.’
એટલું કહીને એ સ્ત્રી આજુબાજુના વાતાવરણમાં મળી જઈ અદૃશ્ય થઈ ગઈ. એ પછી બીજી કોઈયે વાર મને એ સ્ત્રીની ઝાંખી થઈ નહોતી.
પાછળથી તપાસ કરતાં ખબર પડી, બે વર્ષ પહેલાં એ જ ઓરડામાં એ જ પલંગ પર એક સ્ત્રીનું સુવાવડ દરમ્યાન મૃત્યુ થયેલું.
એક બીજી આશ્ચર્યકારક હકીકત એ હતી કે મારી સાથે સેનેટોરિયમના એ બ્લોકમાં રહેતાં બધાં સ્ત્રીપુરુષો વારાફરતી માંદાં પડેલા.
મૃત્યુ પછીના બીજા જીવનના આવા અનુભવો ઘણાને થતા હોય છે. કેટલાકને એ અનુભવોમાં આનંદ આવે છે તો કેટલાક એવા સુક્ષ્મ શરીરધારી સામાન્ય જીવો સાથે સંબંધ બાંધવામાં ગૌરવ માને છે. એવા માનવોએ એક વાત યાદ રાખવા જેવી છે કે શક્તિ હોય તો એનો ઉપયોગ મલિન, હલકા, સાધારણ જીવોની સાથે સંબંધ સ્થાપિત કરવાને બદલે તેને ઉત્તમ કોટિના દૈવી આત્માઓ, સંતો અને સંતોના સ્વામી પરમાત્માની સાથે સંબંધ બાંધવા માટે વાપરવામાં આવે એ જ ઉત્તમ અને હિતાવહ છે.
જીવનનું સાચું કલ્યાણ એમાં જ રહેલું છે. માણસ જેવા સંકલ્પ સેવે છે, જેવી યોજનાઓ ઘડે છે, તથા જે પ્રકારનો પુરુષાર્થ કરે છે, તેવો જ બને છે એ કથન ખોટું નથી જ.
- શ્રી યોગેશ્વરજી