ભારતમાં વૈરાગી સાધુઓની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. સમય એવો પણ હતો જ્યારે યોગીપુરુષોના આવિર્ભાવથી ઉજ્જવલ બનેલી એ પરંપરાના સાધુઓ સાંસારિક વિષયો ને મહત્વકાંક્ષાથી ઉદાસીન બની, સિદ્ધિ તથા આત્મશાંતિ મેળવતા; તેમજ કોઈ પણ જાતના ઉહાપોહ વગર પોતાની મર્યાદામાં રહી, ધર્માચરણની પ્રેરણા પાઈ, સમાજનું શ્રેય કરતા.
ત્યારે સાધુઓમાં ગુરુપરંપરાનું મહત્વ બહુ મોટું હતું. ગુરુનો અંગિકાર કર્યા વગર, આત્મવિકાસની સાધનામાં આગળ વધવાનું અને ઉત્તરોત્તર પ્રગતિ કરી, એની સફળતા મેળવવી એ અશક્ય હોવાની માત્ર માન્યતા નહિ, શ્રદ્ધા હતી. સંત કબીરે પણ ગાયું છે કે ‘ગુરૂ બિન કૌન બતાવે બાટ ..!’
કબીર સાહેબની આ ભજનપંક્તિ એમના પોતાના જીવનમાં વણાઈ ગઈ હતી. ગુરુકૃપાથી સાધક શિષ્યો તેવી આત્મસાધનામાં સફળ થઈ શકતા.
આવા સિદ્ધ ગુરુ સાથેની સાધુમંડળીઓ ઘણી વાર તીર્થયાત્રાએ અથવા પર્યટને પણ નીકળતી, ત્યારે સાધારણ જનસમુહને એના દર્શનનો લાભ મળતો. તેઓ સદુપદેશ સાંભળી આશીર્વાદ પણ મેળવતા. સંતપુરુષોની આવી મંડળીઓ કોઈ મંદિરમાં, ધર્મશાળામાં અથવા ખુલ્લા મેદાનમાં પડાવ નાખતી.
આવી મંડળીઓમાં ઘણીવાર અધિકારી સિદ્ધપુરુષો પણ આવતા. કોઈવાર પ્રતાપી તપસ્વી મહાપુરુષો પણ આવી મંડળીની શોભારૂપ બનતા. આમ છતાં, એમાં સહુથી વધુ આકર્ષણ તો એમના ગુરુનું જ રહેતું. એ સદગુરુ ખરેખર તપસ્વી, સંયમી, જ્ઞાની, ભક્તિશાળી તથા પ્રતાપી રહેતા. એમની સાથે સંભાષણ કરવું, એમના સાધનામય જ્યોતિર્મય જીવનનો પરિચય કેળવવો, એ પણ જીવનનો એક લહાવો મનાતો. આવા અમુક ગુરુઓ તો પોતાના સદગુરુઓની પ્રતાપી પ્રાચીન પરંપરાને ટકાવી રાખનારા તેમજ અસાધારણ યોગ્યતાવાળા હતા.
એવા એક લોકોત્તર શક્તિસંપન્ન સદગુરુનું આજે સ્મરણ થઈ આવે છે, અને માત્ર કૌપીનધારી, પાતળી ગૌર તથા તેજસ્વી મુખમુદ્રાવાળી આકૃતિ મારી દૃષ્ટિ આગળ ખડી થઈ જાય છે. એમની શાંત તથા પ્રદીપ્ત આંખ અને એમના સુમધુર સ્મિતવાળા હોઠ લઈને એ મારા મનઃચક્ષુ સમક્ષ ઊભી રહે છે અને વર્ષો પહેલાંના પૃષ્ઠોને ઉથલાવી એક નાનકડી ગૌરવભરી કથા કહે છે.
એ કથા ઈ.સ. ૧૯૩૬-૩૭ની છે. ત્યારે મુંબઈમાં આવી જ એક વૈરાગી સાધુઓની મંડળીએ ચોપાટીના દરિયાની રેતીના વિશાળ પટમાં પડાવ નાખ્યો હતો. મુંબઈની ત્યારની ધર્મપરાયણ અને સંતપ્રેમી પચરંગી પ્રજા સાધુઓના દર્શન-સમાગમ માટે જવા લાગી.
એ વખતે મારી ઉમર બહુ નાની હોવા છતાં, સંતપુરુષો પ્રત્યેના પ્રેમ તથા આકર્ષણથી પ્રેરાઈને હું પણ એ સાધુ મંડળીની મુલાકાતે જતો. એ મંડળીના ગુરુ નાની વયના હોવા છતાં શાંત તેજસ્વી અને પ્રતાપી હતા.
એ સાધુઓને એક દિવસ પાણીની જરૂર પડતા, ચોપાટી પરના એક મકાનમાં બે-ત્રણ સાધુ પાણી લેવા ગયા. મકાનમાં રહેનારાઓએ પાણી તો ના આપ્યું પણ ગમે તેવા શબ્દો બોલી, અપમાન કરી કાઢી મૂક્યા.
આ સાધુઓ પાછા ફર્યા અને ગુરુદેવને બધી હકીકત કહી બતાવી. ગુરુએ શાંતિથી કહ્યું, ‘આજથી તમે ક્યાંય પાણી લેવા ના જતા. આ રેતીમાં ગમે ત્યાં ઊંડો ખાડો ખોદો, એટલે એમાંથી પાણી નીકળશે.’
‘પણ એ પાણી તો ખારું હશે ને ?’ શિષ્યોએ શંકા કરી. ‘એવું ખારું પાણી તો દરિયામાં પણ છે. એવું ખારું પાણી કાંઈ પીવાના અને રસોઈ કરવાના કામમાં થોડું આવશે ?’
આ સાંભળી ગુરુએ જરાક હસી, સંપૂર્ણ સ્વસ્થતાથી જવાબ આપ્યો, ‘મારા વચનમાં વિશ્વાસ રાખો, અને મારી આજ્ઞા પ્રમાણે કરો. તે પાણી ખારું નહિ પણ મીઠું જ હશે. એ પીવાના તથા રસોઈના કામમાં પણ આવશે. ઈશ્વર પર શ્રદ્ધા રાખી કામ શરૂ કરો.’
સાધુઓએ ગુરુની સૂચના પ્રમાણે ખાડો ખોદ્યો, અને એમના આશ્ચર્યની વચ્ચે એમાંથી સ્વચ્છ તથા મીઠું પાણી નીકળ્યું. ગુરુને પણ તેથી સંતોષ થયો કે પાણી માટે હવે કોઈને ત્યાં જવું નહિ પડે.
પછી તો આ ચમત્કારની વાત સાધુમંડળી તથા દર્શનાર્થે આવતા લોકોમાં વહેતી થઈ, એટલે માનવસમુદાય ઉમટી પડ્યો.
અમુક લોકોએ આ ખાડાથી થોડે દૂર દરિયાની રેતીમાં બીજા ખાડા પણ ખોદાવી જોયા. પણ કોઈ ખાડામાંથી મીઠું પાણી ના નીકળ્યું, ત્યારે સાધુઓના ગુરુ પ્રત્યે એમની શ્રદ્ધા વધી ગઈ.
એ શ્રદ્ધાને વધુ દૃઢ બનાવે તેવી એક બીજી ઘટના પણ એ જ સાધુમંડળીના વસવાટ દરમ્યાન બનવા પામી હતી.
એક દિવસ સાધુઓને માલપૂઆ ખાવાનો વિચાર થયો, પણ ઘી વગર એ શી રીતે બની શકે ? એમણે પોતાની મુશ્કેલી ગુરુદેવને જણાવી, તો જરાક હસીને ગુરુ બોલ્યા ‘એમાં શું ? તમારે માલપુઆ ખાવા સાથે કામ છે ને ? ખાડામાંથી પાણી લઈ એનાથી બનાવી લ્યો ને ! એ ઘી જ છે ! પછી આપણી પાસે ઘી આવે ત્યારે સાગરદેવને, વપરાયું હોય તેટલું, ઘી અર્પણ કરી દેજો.’
સાધુઓએ ગુરુવચનમાં વિશ્વાસ રાખી, પાણીની મદદથી માલપુઆ બનાવ્યા. આ વાત લોકોએ જાણી ત્યારે તેઓ હર્ષઘેલા થઈ ગયા. હવે તો સાધુઓને સેવા અને મેવા બેઉ મળવા લાગ્યા.
મોટી સંખ્યામાં બનાવાયેલા એ માલપૂઆનો પ્રસાદ ઘણા લોકોને અપાયો હતો. આવો પ્રસાદ પામી લોકો ધન્યતાનો અનુભવ કરવા લાગ્યા.
લોકો સાથે વાતો કરતા મંડળીના મહંતે કહ્યું, ‘સાધુજીવનનું રહસ્ય લોકોત્તર શક્તિ કે સિદ્ધિમાં નથી રહ્યું, સાધુ જીવન તો પવિત્રતાનું, ઈશ્વરપ્રેમનું ને સેવાનું જીવન છે. શક્તિ તો પ્રભુકૃપાથી આપોઆપ આવી જાય છે. પરંતુ સાચા સાધુ, તે શક્તિનું સ્વાર્થી હેતુથી પ્રેરાઈને પ્રદર્શન નથી કરતા. મહત્વ પણ નથી આપતા, અને તેમાં જ આત્મવિકાસની સાધનાનું સર્વકાંઈ સમાયેલું છે એવું પણ નથી સમજતા. સાચી શક્તિ સ્વભાવને સુધારવામાં, મન તથા ઈન્દ્રિયોને વશ કરવામાં તથા ઈશ્વરને ઓળખવામાં રહેલી છે, એનું ધ્યાન રાખવું જોઈએ.’
એકાદ માસ જેટલો લાંબો વખત રહીને એ મંડળી વિદાય થઈ ત્યારે ઘણા લોકોની આંખો પ્રેમ ને ભક્તિભાવથી ભીની થઈ હતી.
હજુ આજેય એ ગુરુદેવની શાંત, નિર્વિકાર મૂર્તિનું દર્શન કરીને, હૃદય એમના પ્રત્યેના ઊંડા આદરભાવથી ભરાઈ જાય છે.
- શ્રી યોગેશ્વરજી