સંત તુલસીદાસે રામાયણમાં રઘુકુળ માટે લખ્યું છે કે
‘રઘુકુળ રીતિ સદા ચલી આઈ,
પ્રાણ જાય, અરૂ વચન ન જાઈ.’
રઘુકુળમાં જન્મનારા મહાપુરુષોની વિશેષતા તથા સત્યપ્રિયતા કેવી હતી એ તેમાં દર્શાવાયું છે. રઘુકુળ માટે સાચું આ વિધાન બીજા પુરુષો માટે પણ એટલું જ સાચું ઠરે છે.
ગમે તેટલું સહન કરવું પડે-ગમે તેવો ભોગ આપવો પડે તો પણ પોતાનું વચન તે પાળે છે. પ્રાણાંતેય એ વચનનો ત્યાગ નથી કરતા. જો કે આજે આવા પુરુષો મળવા બહુ વિરલ છે. છતાં તેનો છેક અભાવ તો નથી જ.
એથી ઊલટું, એવા માણસોની સંખ્યા પણ આ યુગમાં ઘણી મોટી છે, જે બોલે છે તે પાળતા નથી. વચન અને પ્રતિજ્ઞા તોડવા માટે જ હોય છે-એવી તેમની માન્યતા હોય છે.
આવા માનવીનું તથા એની સાથે સંકળાયેલી ઘટનાનું મને અહીં સ્મરણ થઈ આવે છે, જે રજુ કરું છું.
ઋષિકેશમાં એક વેપારીની મોટી પેઢી ચાલતી. તેઓ દાણાનો વેપાર કરતા. એ વખતે સને ૧૯૪૯માં ઋષિકેશથી બદરીનાથ જતાં માર્ગે દેવપ્રયાગમાં મારો આશ્રમ હતો. અહીં એ વેપારી ઘણી વાર આવતાં. એક વાર દેવપ્રયાગના એક ભાઈ સાથે ઋષિકેશમાં એ વેપારી ભાઈને ત્યાં મારે રોકાવાનું થયું.
રાતે ભોજનકાર્યથી પરવાર્યા બાદ થોડાક સત્સંગ પછી એ વેપારી ભાઈએ મને પૂછ્યું, ‘તમારે રોજ કેટલા દૂધની જરૂર પડે છે ?’
‘પોણો શેર.’ એમ કહીને મેં સામે પ્રશ્ન કર્યો, ‘આપે શા માટે પૂછવું પડ્યું ?’
‘હું તમારી સેવા કરવા માગું છું.’ એમણે કહ્યું, ‘કાલે તમે દેવપ્રયાગ જાવ એટલે રોજ પોણો શેર દૂધ તમને મળ્યા કરશે. એનાં નાણાં હું આપી દઈશ.’
‘પણ તમારે આમ શા માટે કરવું જોઈએ ? એ કષ્ટ હું તમને નહિ આપું.’ મેં કહ્યું.
‘એમાં કષ્ટ જેવું કંઈ નથી. મારી એ ફરજ છે.’
‘પણ ઈશ્વર મારું ચલાવે છે.’
‘જેને ચરણે તમે સમગ્ર જીવન અર્પણ કરી દીધું છે એ તો ચલાવે જ ને ? પણ કૃપા કરી મને આપની સેવાનો અવસર આપો.’ એમણે હાથ જોડ્યા.
મેં એમની માગણીનો સ્વીકાર કર્યો એટલે તે બોલ્યા, ‘મારી એક બીજી પ્રાર્થના છે. આપની આવશ્યકતાનું અનાજ દેવપ્રયાગની દુકાનમાંથી મારા નામે લેતા રહેજો. દિવાળી સુધી તો આ પ્રાર્થના આપે સ્વીકારવી જ પડશે.’
‘તમે વધારે પડતી માગણી કરો છો.’
તે હસીને બોલ્યા, ‘એમાં વધુ પડતું કાંઈ નથી. ભક્તદાવે હું મારી ફરજ સમજીને જ કહું છું. જરાય સંકોચ રાખ્યા વગર મારી આ પ્રાર્થના પણ આપે સ્વીકારવી જ પડશે.’
લાચાર બની મેં એમની તે માગણી પણ સ્વીકારી. એમના મુખ પર અકથ્ય આનંદ ફરી વળ્યો અને પ્રાર્થના સ્વીકાર્યા બદલ મારો આભાર માન્યો.
બીજે દિવસે હું દેવપ્રયાગ ગયો અને પેલા વેપારી ભાઈના કહેવા મુજબ દૂધ તથા બીજી ખાદ્યસામગ્રી લેવાનો આરંભ કરી દીધો.
*
આ વાતને ત્રણેક માસ વીતી ગયા, પણ પેલા વેપારી ભાઈ દેખાયા જ નહિ, બે-ત્રણ વખતે દેવપ્રયાગ આવી ગયા છતાં મને મુલાકાત ન થઈ.
હવે તો દૂધવાળો ને અનાજની દુકાનવાળો પણ બીલની મારી પાસે ઉઘરાણી કરવા લાગ્યા. છેવટે લાચાર બની ઋષિકેશના પેલા વેપારીને મેં એક પંડા સાથે જરૂરી સૂચના મોકલી આપી.
પંડાએ ઋષિકેશ જઈ બધી વાત કરી તો એ વેપારી ભાઈએ મુખ મરડીને કહ્યું, ‘મેં એવા કોઈ મહાત્માજીને મારા તરફથી દૂધ અથવા અનાજ લેવાનું કહ્યું જ નથી. મારે એવું શા માટે કહેવું પડે ? એ ખોટું બોલે છે.’
‘એ ખોટું બોલે એવા તો નથી.’ પંડાજીએ કહી દીધું, ‘એમને હું બરાબર જાણું છું. એ શા માટે ખોટું બોલે ? ખોટું તો તમે બોલો છે અને વચન આપી ફરી જાવ છો !’
પેલા વેપારીએ સાફ ઈન્કાર કરી દીધો, ‘મેં એવું વચન આપ્યું નથી. અનાજ કે દૂધની કોઈ વાત જ મારી સાથે નથી થઈ. ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું મેં કશું કહ્યું નથી.’
હવે પંડાજીએ સ્પષ્ટ સંભળાવી દીધું, ‘તમે ઈશ્વરના ખોટા સોગંદ શા માટે ખાવ છો ? નાણાં ન ચૂકવવા હોય તો ના પાડી દો, પણ આવું જુઠાણું ન ચલાવો.’
અને જે ઠીક લાગ્યું તે સારી પેઠે સંભળાવીને પંડાજી પાછા મારી પાસે દેવપ્રયાગ આવ્યા. બધી વાત સાંભળીને મને ઊંડો આઘાત લાગ્યો. માનવજાત આટલી હદ સુધી જૂઠું બોલી શકે છે એની તો મને કલ્પના નહોતી. મારા જીવનનો આ અજબ અનુભવ હતો. થોડી મુશ્કેલીઓ બાદ એ નાણાં ચુકવાઈ ગયા.
*
ઘટનાને દોઢેક વરસ વીત્યા બાદ હું ઋષિકેશ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે વચનભંજક વેપારી ભાઈની હાલત કફોડી થઈ હતી. ભાગીદારે દગો દીધાથી ધંધામાં એને ભારે ખોટ ગઈ હતી. દુકાનો બંધ થઈ ગઈ હતી. આજીવિકા માટે પણ મુશ્કેલ હાલત હતી. કુદરતે જ એને કર્મનો બદલો આપ્યો. કુદરતનો એના પર કોપ ઉતર્યો હોય તેમ એ પશ્ચાતાપથી બળી રહ્યા હતા.
એમની આવી દશા માટે મને સહાનુભૂતિ થઈ. કોઈ વાર જતાં-આવતાં તે મળી જતા તો એના ચહેરા પર શરમ અને સંકોચની શ્યામતા છવાઈ જતી. પરંતુ ભૂતકાળની ઘટના સંબંધી હું એમને કશું કહેતો નહીં. એ પણ કાંઈ બોલતા નહીં.
પરંતુ એક દિવસ એમના દિલના ડંખની વેદનાએ માઝા મૂકી ને મારી પાસે આવીને મોટેથી રડવા માંડ્યા. મેં આશ્વાસન આપ્યું. એ બોલ્યા, ‘મારે આપના આશીર્વાદ જોઈએ-તે વગર મારું દુઃખ નહીં ટળે.’
‘મારા તો તમને આશીર્વાદ જ છે-પણ સારા કર્મ કરી પ્રભુના આશીષ મેળવો.’
‘મેં આપને બહુ દુઃખી કર્યા ખરું ? આવો વર્તાવ મારે નહોતો કરવો જોઈતો ...!’ એ વધુ ન બોલી શક્યા. એમની આંખોમાંથી આંસુની ધાર ચાલી.
‘જાવ, સુખી થાવ. પણ કર્મફળથી માનવીને કોઈ બચાવી શકે તેમ નથી, માટે શુભ કાર્યો કરો.’
અને તે ચાલ્યા ગયા. બે વર્ષ બાદ હરદ્વારના બજારમાં એ વેપારી ભાઈ મળી ગયા. એમણે ઘીની નાનકડી દુકાન કરી હતી ને હાલત સુધારા પર હતી. આજે પણ એ હરદ્વારમાં જ છે.
કર્મનું ફળ મળે જ છે. વહેલું યા મોડું. એ માટે મતભેદ હોઈ શકે-પણ મળે છે એ તો નિર્વિવાદ છે. કોઈ વાર કર્મફળ આ જન્મમાં-થોડા જ સમયમાં મળી જાય છે.
પેલા વેપારી ભાઈને ‘દાનત તેવી બરકત’ પ્રમાણે જલ્દી ફળ મળી ગયું. બીજાને કદાચ થોડું મોડું મળતું હોય. માણસ આંખ ઉઘાડી રાખે તો આવા ઘણા કિસ્સા જોવા-જાણવા મળી આવે અને જીવનસુધારણા માટે એ ઘણું બળ મેળવી શકે.
- શ્રી યોગેશ્વરજી