શિરડીના સમર્થ સંતશિરોમણી શ્રી સાંઈબાબાને કોણ નથી જાણતું ? એ બ્રહ્મલીન સંતની અસાધારણ શક્તિના પરચા અનેકને મળ્યા છે. એ મહાપુરુષે ઈ.સ. ૧૯૧૮માં સમાધિ લીધી ત્યાર પછી આજ સુધી, અનેકના જીવનમાં પ્રેરણા ભરીને કૈંકનો જીવનપંથ ઉજાળ્યો છે.
મને પોતાને એમની આવી શક્તિનો લાભ ઘણી વાર મળ્યો છે. એમના પરચાનો ઉલ્લેખ મેં પ્રસંગોપાત કર્યો પણ છે. એવો જ એક વધુ પ્રસંગ અહીં આપું છું.
મુંબઈથી શિરડીધામ જવા માટેનો રસ્તો ત્યારે ધાર્યા જેટલો સહેલો નહોતો. આજે તો સીધી સ્પેશિયલ બસ સર્વીસ શરૂ થઈ છે. ત્યારે પ્રવાસ કંટાળાજનક હોવા છતાં હું સાંઈબાબાની પ્રેરણાથી શિરડીધામની મુલાકાતે જતો.
સાત વર્ષ પહેલાં મારે શિરડી જવાનું થયું ત્યારે તો મેં સમાધિસ્થાનમાં ઊભા રહી, મારી સાથે આવેલાં ભાઈબહેનો સાંભળે તેમ સાંઈબાબાને ઉદ્દેશીને કહ્યું, ‘આજ સુધી તો આપની પ્રેરણા અથવા સૂચનાને માન આપી હું અહીં આવ્યો છું પરંતુ મને થાય છે, કે આટલું કષ્ટ વેઠીને અહીં શા માટે આવવું ? બીજાને અનેક પ્રકારની આશા કે જિજ્ઞાસા હોવાથી આવે પણ મારે એવી કોઈ જરૂર નથી. દરેક વખતે તમારી પ્રેરણાથી આવ્યો છું. પણ હવે તો તમે પ્રેરણા કરશો તોય નહિ આવું. હવે તમારે મને અહીં લાવવો જ હોય તો કોઈ મોટરની વ્યવસ્થા કરશો તો જ આવીશ. તમારી અમાપ શક્તિ જોતાં તમારે માટે કશું અશક્ય નથી, મુશ્કેલ પણ નહિ.’
આમ બોલી સાંઈબાબાને પ્રણામ કરી અમે પાછા ફર્યા. આ વાતને ત્રણ વર્ષ થઈ ગયા. એ દરમ્યાન શિરડી આવવાની સુચના મળી પણ હવે એમ શિરડી જવાય ? શરત પ્રમાણે જરૂરી વાહન (મોટર) એમણે મોકલવું જ જોઈએ, નહિ તો મને ત્યાં જવાનો આગ્રહ જ ન રાખે.
મુંબઈમાં એકાદ બે ઓળખીતા ગૃહસ્થોને આડકતરી રીતે વાત કરી જોઈ, પણ મુંબઈ બહાર મોટર મોકલવા તેઓ તૈયાર નહોતા. મને શ્રદ્ધા હતી કે સાંઈબાબાની તીવ્ર ઈચ્છા હશે તો એ કોઈના દિલમાં પ્રેરણા કરી ધારેલું કામ કરી આપશે.
એ વખતે વાલકેશ્વરના એક આરોગ્યભુવનમાં મારો સત્સંગ ચાલતો. તેમાં એક મોટી વયના ભાવિક બહેન પણ આવતા. તેમની આર્થિક હાલત ઘણી સારી હતી. પ્રવચન પૂરું થયા બાદ એક વાર એમણે મને પૂછ્યું, ‘તમે ક્યાંય ફરવા જતા નથી ?’
‘કેમ ? હું રોજ જાઉં છું.’ મેં કહ્યું.
‘પગે ચાલીને જાવ છો ?’
‘હા, મોટે ભાગે તો પગે ચાલીને જાઉં છું. કોઈ વાર બહુ દૂર જવાનું હોય તો ટેક્ષી કરી લઉં છું.’
‘મને પણ કાંઈક સેવાનો લાભ આપોને ! મારી મોટર છે. તમે કહેશો ત્યારે મારો ડ્રાઈવર તમને ફરવા લઈ જશે.’
‘જોઈશ.’ મેં ટુંકેથી પતાવ્યું.
પછી પણ એ બહેને ત્રણ-ચાર વખત મોટરની સેવા બતાવવા કહ્યું. એમનો ભાવ તથા આગ્રહ જોઈ મેં સ્પષ્ટ વાત કરી, ‘મારે મોટરની જરૂર છે. પણ મુંબઈમાં ફરવા માટે નહિ. મારે તો શિરડીધામ મોટર લઈ જવી છે.’
‘કેટલા દિવસ થાય ?’
‘ત્રણેક દિવસ થાય.’
આ સાંભળી પેલા બહેને કહ્યું, ‘મોટર તમારી જ છે. હું ઘેર જઈ એમને પૂછી જોઈશ. એ ના તો નહિ પાડે.’
‘તો તમે પૂછીને જવાબ આપજો.’
પછી એ બેન ગયા એટલે મને થયું કે સાંઈબાબાએ પોતાની ઈચ્છાનો અમલ કરવાની તૈયારી કરવા માંડી લાગે છે નહિ તો થોડા મહિનાથી પરિચયમાં આવેલા બહેન આટલા પ્રેમભાવથી બોલે જ કેમ ?
પરંતુ બીજા દિવસથી ત્રણ-ચાર દિવસ સુધી પેલાં બહેન દેખાય જ નહિ. સત્સંગમાં આવતા એમની બાજુમાં રહેતાં એક બહેને મને કહ્યું, ‘એ તો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયાં છે.’ વધુ ખુલાસો કરતા એમણે વાત વિસ્તારથી કરી : ઘેર જઈને એમણે પતિદેવને મોટરની વાત કરી તો એકાએક ઉશ્કેરાઈને તેણે કહ્યું, ‘સાધુસંતો માટે કાર નથી લીધી, સમજી ? આજથી તારે સત્સંગમાં પણ નથી જવાનું.’
હું બધી વાત સમજી ગયો. અમુક ભાઈઓ કહેવા લાગ્યા, ‘આના કરતાં ટ્રેનમાં જાવ તો શું ખોટું ? રીઝર્વેશન કરાવી લઈએ. કશી તકલીફ નહિ પડે.’ પણ મારું મન માન્યું નહિ.
ત્રણ-ચાર દિવસ પછી પેલાં મોટરવાળા બહેન સત્સંગમાં આવવા લાગ્યાં પણ મોટરની વાત એમણે કાઢી જ નહિ. મને પણ સામે ચાલીને પૂછવાનું ઠીક ન લાગ્યું. મેં વિચાર્યું, ઘણીવાર માણસની ભાવના હોવા છતાં પ્રતિકુળ સંજોગોને લીધે તેનો અમલ થઈ જ શકતો નથી.
બીજા ત્રણ દિવસ પસાર થઈ ગયા. ચોથે દિવસે સત્સંગ પૂરો થઈ ગયા પછી પેલાં બહેને મને પૂછ્યું, ‘તમારે શિરડી ખરેખર જવું જ છે ?’
‘હા. કેમ આમ પૂછો છો ?’
‘તમારે મોટર ક્યારે જોઈએ ?’ મને બીજો પ્રશ્ન કર્યો. હું એમની સામે તાકી રહીને બોલ્યો, ‘જ્યારે મળે ત્યારે. રવિવારે પણ ચાલે. શું તમારી મોટરકાર મળી શકે તેમ છે ?’
‘હા. પહેલાં તો એમણે ક્રોધે ભરાઈ સાફ ના પાડેલી. પણ આજે સવારે એમના મનને કોણ જાણે શું થયું કે એમણે જ એ વાત યાદ કરી મોટર આપવા હા પાડી છે.’
એટલામાં તો પેલા ભાઈ આવી પહોંચ્યા. રવિવારે શિરડી જવાનું નક્કી થતાં મેં પેટ્રોલ ખર્ચ આપવા કહ્યું, એટલે તે બોલ્યા, ‘અમે તમારા જેવા સાધુપુરુષ પાસેથી પેટ્રોલનો ખર્ચ લઈએ ? સંતસેવાનો લાભ મળે એ જ સાચું ધન છે. હા, ડ્રાઈવર જરા ચાહનો રસિયો છે. એને જાળવી લેજો !’
‘એની ચિંતા તમે ન કરતા, પણ તમને બે-ત્રણ દિવસ તકલીફ પડશે.’
‘એનો કાંઈ વાંધો નહિ. રવિવારે અગિયાર વાગે ડ્રાઈવર સાથે મોટર લઈ આવી પહોંચીશ.’
*
અમે રવિવારે મોટરમાં શિરડી જવા ઉપડ્યા, ત્યારે પેલા ભાઈએ કહ્યું, ‘શાંતિથી યાત્રા કરજો.’
એ બહેનની આંખ ભરાઈ આવી. એમના પતિદેવના મનમાં પલટો લાવનાર ને મારો નિર્ધાર સફળ કરનાર સાંઈબાબા જ હતા. એમની અગમ્ય શક્તિએ જ અનુકુળતા કરી આપી હતી.
શિરડીના સમાધિમંદિરમાં સાંઈબાબાની પ્રતિમા સમક્ષ ઊભા રહી, હાથ જોડી મેં એમનો આભાર માન્યો અને કહ્યું, મને અહીં લાવો ત્યારે મોટરમાં જ લાવશો તો સારું, છતાં દરેક સંજોગોમાં તમારા પ્રત્યેનો મારો પ્રેમભાવ ટકી રહે એવું તો અવશ્ય કરજો.‘
પ્રતિમા સજીવ બની. જાણે કે મારા શબ્દો સાંભળી સાંઈબાબા સ્મિત કરવા માંડ્યા !
- શ્રી યોગેશ્વરજી