ઉત્તરાખંડના પવિત્ર પ્રદેશમાં આવેલ નિસર્ગરમ્ય સ્થળ દેવપ્રયાગ બહુ જ સોહામણું છે. હરદ્વાર અને ઋષિકેશથી આગળ વધી, બદરી-કેદારની યાત્રાએ જનારના માર્ગમાં એ સ્થળ તો આવે જ.
ઊંચા પર્વતોની ગોદમાં વસેલા એ સ્થળમાં પ્રવેશતાં જ પ્રવાસીનું મન મુગ્ધ બની છલકાઈ ઊઠે છે. અલકનંદા અને ભાગીરથી નદીના સંગમની આજુબાજુ વસેલું દેવપ્રયાગ, ખરેખર, એના નામ પ્રમાણે દેવોના પ્રયાગ જેવું જ દેખાય છે.
આજથી લગભગ વીસ વર્ષ પહેલાં ત્યાં એક એકાંતપ્રિય મહાત્મા રહેતા. એમની વય ઘણી નાની હોવા છતાં, દેવપ્રયાગના લોકો એમને ખૂબ પૂજ્યભાવે જોતા. એ મહાત્મા ગામથી થોડે દૂર જંગલમાં આવેલ કોઈ જમીનદારના મકાનમાં રહેતા. લોકો સાથે એમનો બહુ ઓછો-જરૂર પૂરતો જ સંપર્ક રહેતો. તેમનો મોટા ભાગનો સમય સાધના તેમજ આત્માનુસંધાનમાં પસાર થતો.
એકવાર તેઓ રહેતા એ મકાનના માલિક-જમીનદારે એમને ત્યાં આવીને કહ્યું, ‘મારા જીવનમાં સર્વ પ્રકારનું સુખ છે-પણ પુત્રસુખની ઊણપ છે, એથી મારી માતાનું મન ઉદ્વિગ્ન રહે છે. ઘરમાં પણ શાંતિ રહેતી નથી.’
‘પુત્ર થવાથી શાંતિ મળશે જ એમ કેમ માનો છો ?’ મહાત્માએ પૂછ્યું, ‘સંતાનથી કોઈને શાંતિ મળી છે ? તમે તો પંડિત અને વિચારશીલ છો, એટલે સહેલાઈથી સમજી શકો છો કે શાંતિ બહારથી નહિ, પણ પોતાની અંદરથી જ મળે છે.’
‘છતાં મારે પુત્ર જોઈએ છે, ને મને ખાત્રી છે, કે પુત્રપ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી મારું ચિત્ત અશાંત જ રહેશે.’ પંડિત જમીનદાર બોલ્યા.
‘તમારે બે પુત્રીઓ છે તેને પુત્ર સમોવડી માની લો તો ?’
‘નથી માની શકતો એટલે હૃદય દુઃખી રહે છે.’ અને થોડી વાર શાંત રહ્યા બાદ જમીનદાર આગળ બોલ્યા, ‘મને અત્યારની સ્ત્રીથી પુત્ર નહીં મળી શકે, એમ મારા ગ્રહયોગો કહે છે. જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત હોવાનો મારો દાવો છે. અને કુંડલીનો અભ્યાસ તથા ગણતરીથી મેં જાણી લીધું છે કે આ પત્ની મને પુત્ર નહીં આપી શકે. બીજી પત્ની કરવી જ પડશે.’
જમીનદારની આવી વાત સાંભળી મહાત્મા પુરુષે ચમકીને પૂછ્યું, ‘બીજી પત્ની ? તમારા જેવા પંડિત અને શાણા પુરુષ બીજી સ્ત્રી કરે તે શું સારું કહેવાય ? એથી તમારી અત્યારની સ્ત્રીને કેટલું દુઃખ થાય તેનો વિચાર તો કરી જુઓ. વળી સામાન્ય લોકો પર પણ તેની કેવી છાપ પડે ? તમારું વર્તન તો લોકદૃષ્ટિએ પણ આદર્શ અને અનુકરણીય હોવું જોઈએ.’
મહાત્માના આ શબ્દોની કોઈ અસર જમીનદાર ઉપર થઈ નહીં. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી નાખ્યું, ‘મેં તો બીજી પત્ની કરવાનો નિર્ણય કરી લીધો છે, અને આપના આશીર્વાદ માટે જ અહીં આવ્યો છું.’
‘આવા અયોગ્ય કાર્ય માટે મારા આશીર્વાદ કેમ મળે ? તમે બીજી પત્ની કરીને અત્યારની સ્ત્રીના જીવનને વધારે દુઃખી બનાવી દેશો. અને એ બીજીને પણ પુત્ર નહિ થાય તો શું કરશો ?’
‘બીજી પત્નીને જરૂર પુત્ર થશે.’
‘તમે શી રીતે જાણ્યું ?’
‘મારા ગુરુનો પણ એ જ અભિપ્રાય છે. તેઓ જ્યોતિષના ખુબ અભ્યાસી અને અનુભવી છે. ગઢવાલમાં જ નહિ પણ ભારતમાંય એમના જેવા જ્યોતિષાચાર્ય ભાગ્યે જ મળી શકે. છેલ્લા બે દિવસથી તેઓશ્રી મારે ત્યાં પધાર્યા છે. એમના પ્રત્યે મને ભારે શ્રદ્ધાભક્તિ છે, અને એમના આશીર્વાદ પણ મળી ગયા છે.’
‘ત્યારે તો બીજાં લગ્ન કરવાનાં જ છો ?’
‘જરૂર. મારો એ નિર્ધાર છે.’ જમીનદાર બોલ્યા.
‘મને તમારો આ વિચાર પસંદ નથી.’ મહાત્મા મક્કમતાથી બોલ્યા.
‘પણ મારા ગુરુને પસંદ છે, એટલે મને નિરાંત છે.’
‘મારો અંતરાત્મા કહે છે, કે તમારા ગુરુજીનું કથન બરાબર નથી. મારું માનો તો હજુ પણ નિર્ણય બદલો અને બીજું લગ્ન કરવાનું માંડી વાળો. તમને પુત્રસુખ મળશે પણ તે નવી પત્નીથી નહિ, જૂની સ્ત્રીથી જ મળશે. હું ઈશ્વરની અનંત કૃપાથી એ જાણી શક્યો છું.’
‘આપની વાતમાં મને શ્રદ્ધા નથી બેસતી.’ જમીનદારે કહ્યું.
‘તો પછી જોયા કરો. મારી આગાહી જરૂર સાચી પડશે.’ મહાત્મા પુરુષ આટલું બોલી પોતાના કામમાં લાગી ગયા, ને પંડિતજી પોતાના ઘર તરફ વળ્યા.
એ પછી પંદર દિવસમાં જ પેલા જમીનદાર-પંડિતે ફરીથી લગ્ન કર્યું. અલબત્ત ધામધૂમથી નહિ-પણ શાંતિથી, ગુપ્ત રીતે. એમની જૂની પત્ની અણમાનીતી બની, આંસુ સારતી રહી.
આ વાતને લાંબો સમય થઈ ગયો. નવી પત્નીને એક પુત્રી થઈને ગુજરી ગઈ. બીજી દીકરી આવી. પંડિતજી અને નવી સ્ત્રી પુત્રની આશામાં દિવસો પસાર કરવા લાગ્યાં.
બીજા લગ્ન પછી ત્રણેક વરસે પંડિતજી એક વાર પેલા મહાત્મા પુરુષને લઈ, દેવપ્રયાગથી દશ-બાર માઈલ દૂર આવેલા ચંદ્રવદની દેવીના એકાંત સ્થળે થોડાક દિવસો રહેવા અને એક શેઠનું અનુષ્ઠાન કરવા ગયા. અનુષ્ઠાન પૂરું કરી, બીજા બે-ત્રણ પંડિતો સાથે, પર્વત પરથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે રસ્તામાં, એક ભાઈનો મેળાપ થયો. એ ભાઈએ કહ્યું : ‘હું આપને ખાસ શુભ સમાચાર આપવા આવ્યો છું. તમારે ઘેર આજે પુત્રજન્મ થયો છે.’
આ શુભ સંદેશ સાંભળી, પંડિતજીના આનંદનો પાર રહ્યો નહીં. એમની લાંબા સમયની એક માત્ર આશા પાર પડી હતી.
‘પુત્ર કોની કુખે આવ્યો ? નવીને કે જૂનીને ?’ મહાત્માએ પૂછ્યું.
‘જૂની સ્ત્રીને.’ વધામણી લાવનાર ભાઈ બોલ્યો.
‘ઈશ્વરે સારું કર્યું. એને ન્યાય મળ્યો. હવે તે શાંતિથી જીવી શકશે.’
અને પેલા જમીનદાર-પંડિત મહાત્મા પુરુષના પગમાં પડી ગયા.
*
થોડા મહિના પછી પેલી નવી પત્નીને ક્ષયરોગ લાગુ પડતાં તે મરણ પામી અને એ ઘટનાને વધારે વખત વીતે તે પહેલાં જૂની સ્ત્રી પણ મૃત્યુ પામી. એની યાદગીરી સાચવતો પુત્ર આજે તો મોટો થઈ ગયો છે અને હાઈસ્કૂલમાં ભણે છે.
પેલા મહાત્મા પુરુષે પણ દેવપ્રયાગ છોડી દીધું છે. પરંતુ આ ઘટનાના સાક્ષીરૂપ પંડિતજી તેમજ એમના સાથીદાર દેવપ્રયાગમાં હજુ છે.
મહાત્મા પુરુષોની વાણીની અમોઘતાનો આ પ્રેરણાદાયક પ્રસંગ છે. જ્યોતિષનો પ્રકાશ નથી પહોંચતો ત્યાં અવધુત-યોગીઓની આત્મજ્યોતિ પહોંચી જાય છે. એમની અમોઘ શક્તિ બીજી બધી શક્તિઓથી વધી જાય છે, એની પ્રતીતિ આ પ્રસંગ સહેલાઈથી કરાવી આપે છે. એવા મહાત્મા પુરુષોની અસીમ શક્તિને આપણા વારંવાર વંદન !
- શ્રી યોગેશ્વરજી