વેદાંતકેસરી સ્વામી વિવેકાનંદ મહાન જ્ઞાની, કર્મયોગી તથા માનવતાપ્રેમી તો હતા જ. એમના દિલમાં દેશને માટે ને દુનિયાના બધા જ નાનામોટા પીડિત ને બંધનગ્રસ્ત જીવોને માટે લાગણી હતી એ પણ સાચું, પરંતુ એમના જીવનનું એક બીજું પાસું પણ હતું. અનંત આત્મબળ અને એની પાછળ એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસની કૃપા તથા એમની પોતાની ઊંડી સાધના કામ કરતી હતી એ બહુ ઓછા માણસો જાણી શક્યા હશે.
એમના એ અદભુત આત્મબળનો અથવા એમની અસાધારણ શક્તિનો પરિચય આપતો એક પ્રસંગ અહીં લખી રહ્યો છું. તેના પરથી એ મહાપુરુષને માટે આપણા દિલમાં માન પેદા થશે. એટલું જ નહિ, પરંતુ વિવેકાનંદને જોવાની કે મૂલવવાની એક નવી જ દૃષ્ટિ પણ મળી રહેશે.
એ પ્રસંગ કોઈ સામાન્ય મનુષ્યે નથી લખેલો, પરંતુ વિવેકાનંદ પછી લાંબે વખતે અમેરિકા ગયેલા તથા ત્યાં વરસો સુધી રહેલા સ્વામી યોગાનંદે વર્ણવ્યો છે. એમની આત્મકથાના ‘હું પશ્ચિમમાં પાછો ફરું છું’ પ્રકરણમાં એ અમર છે.
યોગાનંદજી જ્યારે ભારતની મુલાકાત લઈને અમેરિકા પાછા ફર્યા ત્યારે ત્યાંના ભક્તો તથા શિષ્યોને માટે કેટલીક ભેટો લઈ ગયા.
પોતાના ભક્તોમાંના એક મિસ્ટર ડીકીન્સને એમણે એક ચાંદીનો પ્યાલો અર્પણ કર્યો. તે જોઈને ડીકીન્સને આનંદના ઉદગાર કાઢ્યા, ‘આ ચાંદીના પ્યાલાની હું છેલ્લા તેંતાલીસ વરસથી પ્રતિક્ષા કરતો’તો.’
યોગાનંદે પૂછ્યું, ‘કેવી રીતે ?’
એમણે કહ્યું, ‘વાત ઘણી લાંબી છે. અને અત્યાર સુધી મેં એને મારા હૃદયમાં સાચવી રાખી છે. મારી ઉંમર ફકત પાંચ વરસની હતી ત્યારે મારા મોટા ભાઈએ મને રમતાં રમતાં પંદર ફૂટ ઊંડા પાણીમાં ધક્કો માર્યો. તે વખતે હું ડૂબવાની તૈયારીમાં હતો. ત્યારે મને કોઈ રંગબેરંગી પ્રકાશ દેખાયો અને એની વચ્ચે કોઈ શાંત પ્રસન્ન નેત્રોવાળી માનવઆકૃતિનું મને દર્શન થયું. પછી તો મારા ભાઈ તથા મારા મિત્રોની મદદથી હું બચી ગયો.’
‘એ પછી બરાબર બાર વરસે, મારી ઉંમર સત્તર જેટલી હતી ત્યારે, મારી માતા સાથે મારે ચિકાગો જવાનું થયું. ઈ.સ.૧૮૯૩માં તે વખતે ત્યાં સર્વધર્મ પરિષદ ચાલતી હતી. મારી માતા સાથે એક દિવસ મુખ્ય રસ્તા પરથી પસાર થતી વખતે મેં અચાનક બીજી વાર એ પ્રબળ પ્રકાશનું દર્શન કર્યું. રસ્તાથી થોડેક દૂર મને એક માણસ દેખાયા. જેમને મેં સ્વપ્નમાં વરસો પહેલાં જોયા હતા. એ સભાખંડ તરફ ચાલ્યા ને અંદર પ્રવેશ્યા.’
‘માતા !’ મેં મારી માતાને કહેવા માંડ્યું, ‘હું પાણીમાં ડૂબતો હતો ત્યારે આ જ માણસે મને દર્શન આપેલું.’
અમે સભાખંડમાં પ્રવેશ્યા. એ માણસ પ્લેટફોર્મ પર બેઠા હતા. અમને માહિતી મળી કે એ સ્વામી વિવેકાનંદ હતા. એમના પ્રેરણાત્મક પ્રવચન પછી હું એમને મળવા ગયો. એ મને લાંબા વખતથી ઓળખતા હોય તેમ મારી તરફ જોઈને હસ્યા. મારે એમને ગુરુ કરવા‘તા. પરંતુ મારા વિચારને વાંચી લઈને એના ઉત્તરરૂપે એ કહેવા માંડ્યા : ‘ના, હું તારો ગુરુ નથી. તારા ગુરુને આવવાની હજી વાર છે. તે પાછળથી આવશે ને તને ચાંદીનો પ્યાલો આપશે.’
થોડી વાર અટક્યા પછી એમણે સ્મિતપૂર્વક કહેવા માંડ્યું, ‘એ તારા પર તું આજે અનુભવી શકવાને યોગ્ય છે ... એથી પણ વિશેષ કૃપા વરસાવશે.’
એ પછી અમે ચિકાગો છોડ્યું અને મહાન સ્વામી વિવેકાનંદની મુલાકાત ફરી ન થઈ. વરસો વીતી ગયા છતાં કોઈ ગુરુ ના મળ્યા ત્યારે ઈ.સ.૧૯૨૫માં એક રાતે ગુરુને માટે મેં અત્યંત ઉત્કટ ભાવે પ્રાર્થના કરી. થોડાક કલાક પછી સંગીતના સુંદર સરોદો સાથે કોઈએ મને નિદ્રામાંથી જગાડ્યો.
બીજે દિવસે સાંજે જીવનમાં પહેલી જ વાર મેં અહીં લોસ એન્જેલીસમાં તમારું પ્રવચન સાંભળ્યું અને મને ખાતરી થઈ કે મારી પ્રાર્થનાનો સ્વીકાર થયો છે. છેલ્લા અગિયાર વરસથી હું તમારો શિષ્ય થયો છું. ચાંદીના પ્યાલાની વાત યાદ કરીને મને વારંવાર વિસ્મય થતું. કેટલીક વાર એમ પણ થતું કે વિવેકાનંદના શબ્દોનો ફકત ભાવાર્થ લેવાનો હશે. પરંતુ નાતાલની રાતે તમે ચાંદીના પ્યાલાવાળી પેટી ભેટ આપી ત્યારે મારા જીવનમાં મને ત્રીજી વાર એ પ્રબળ પ્રકાશનું દર્શન થયું. બીજી જ ક્ષણે મારી નજર ચાંદીના પ્યાલા પર પડી જેને વિવેકાનંદની દિવ્ય દૃષ્ટિ તેંતાલીસ વરસ પહેલાં જોઈ ચૂકી હતી. વિવેકાનંદના શબ્દોનું સાચું રહસ્ય મને ત્યારે જ સમજાયું.’
- શ્રી યોગેશ્વરજી