સેવાભાવી સાધુપુરુષ
ગુજરાતના પુણ્યપ્રદેશમાં છેલ્લા ત્રણેક વરસથી કેટલેય ઠેકાણે વરસાદ ના વરસવાથી દુષ્કાળની પરિસ્થિતિ રહી. મૂંગા પ્રાણીઓને અને માણસોને ખૂબ જ મુસીબતમાં મૂકાવું પડ્યું. ઘાસની, અનાજની, પાણીની તંગી રહી. પ્રજા કુદરતી કોપનો સામનો કરીને જેમતેમ કરીને જીવી રહી. એવે વિપરીત વખતે કેટલાક દેવદૂત જેવા માનવોએ પોતપોતાની સાધનસામગ્રી અને શક્તિની મર્યાદામાં રહીને ઠેકઠેકાણે સ્વેચ્છાએ સેવાકાર્ય ઉપાડી લીધું. એમાં નાના મોટા અનેકનો સહયોગ સાંપડી શક્યો. એ એક ઉજળું અને પવિત્ર પાસુ હતું. એની સ્મૃતિથી અંતર આનંદ અનુભવે છે.
જામનગર એના જ્ઞાનભક્તિભરપૂર ધાર્મિક વાયુમંડળને લીધે વખણાય છે તથા છોટી કાશી તરીકે ઓળખાય છે. ત્યાંના પ્રખ્યાત ભીડભંજન મહાદેવના મંદિરમાં એના સત્સંગ મંડળના આમંત્રણથી મારે એપ્રિલ ૧૯૭૪માં સૌથી પ્રથમ વાર પ્રવચનો કરવા જવાનું થયું. ત્યાંના પ્રવચનો દરમ્યાન માહિતી મળી કે પ્રવચનના સમય પછી રોજ સાંજે મંદિરના પ્રાંગણની એક બાજુએ કેટલાંય આબાલવૃદ્ધ ગરીબ લોકો એકઠા થાય છે, રામધૂન બોલે છે, અને એમને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. એ માહિતી મેળવીને મને આનંદ થયો. એમાં પણ જ્યારે જાણવામાં આવ્યું કે એ પવિત્ર પ્રવૃત્તિના પ્રણેતા અને સંચાલક એક સાત્વિક સાધુપુરુષ છે ત્યારે તો મારી પ્રસન્નતાનો પાર ના રહ્યો. એક દિવસ એ સેવાભાવી સાધુપુરુષને મેં અભિનંદન આપ્યાં તો એમણે અત્યંત નમ્રતાપૂર્વક જણાવ્યું : ‘ઈશ્વરનું કામ ઈશ્વર કરે છે. એને માટે અભિનંદનના સાચા એકમાત્ર અધિકારી તો એ છે. હું તો માત્ર નિમિત્ત છું.’
‘ઈશ્વરના હાથમાં શુભ સેવાકાર્યમાં નિમિત્ત બનવું એ પણ કાંઈ જેવું તેવું ભાગ્ય નથી.’ મેં કહ્યું.
‘એ ભાગ્ય પણ એ જ આપે છે. એ એમની કૃપા છે.’
એ મને મંદિરની એક તરફ લઈ ગયા. ભોજન માટે ભેગાં મળેલાં લોકોની સંખ્યા સાતસો જેટલી હતી. એમના મુખમંડળ અને શરીર પરથી લાગ્યું કે એ બધાં જ અભાવગ્રસ્ત હતાં. ભગવાનનું નામસંકીર્તન ચાલુ હતું ત્યારે જ એમને પીરસવામાં આવ્યું. એ પછી સૌએ શાંતિપૂર્વક ભોજન કર્યું ને વિદાય લીધી. મારા પર એ પ્રવૃત્તિનો પ્રભાવ ઘણો સારો પડ્યો. બીજા દિવસના મારા પ્રવચનમાં મેં એનો સુચારુરૂપે પરિચય કરાવ્યો.
બે ત્રણ દિવસ પછી એ સાધુપુરુષે માતાજીને જણાવ્યું : ‘યોગેશ્વરજીની અમારી ઉપર ખાસ કૃપા છે. તેમનો ખાસ આભાર માનવાનો છે.’
‘કેમ ?’
‘એમણે એમના પ્રવચનમાં મારા કામની જાહેરાત કરી છે ત્યારથી અમારી ભિક્ષાની સામગ્રી ખૂબ જ વધવા માંડી છે. જનતા ખૂબ જ પ્રેમથી આપે છે.’
‘ઘણું સારું છે. સારા કામની જાહેરાત કરવી જોઈએ. તમે આટલી બધી મહેતન કરો છો તો એમને તો અંજલિ જ આપવાની છે.’
મહેનત પણ કેવી ? એ સાધુપુરુષ બીજા બેત્રણ સાધુઓ સાથે ૧૧।।-૧૨ ના સમયે ખભે કાવડ લઈને ઘંટડી વગાડતા ને રામધૂન કરતા ઉઘાડા પગે મંદિરમાંથી પ્રસ્થાન કરતા. શહેરના જુદા જુદા લત્તાઓમાં ફરીને જે મળે તે ભિક્ષાસામગ્રી ભેગી કરીને બપોરે ત્રણેક વાગ્યા પછી પાછા ફરતા. પછી પોતે એ ભિક્ષાન્નમાંથી આવશ્યકતાનુસાર ભોજન કરતા. ગરીબોને માટે જરૂર જણાતાં લગભગ રોજ શાક અને ઘી વગરની લાપસી તૈયાર કરાવતા. એની સાથે ભિક્ષાની ભેગી થયેલી સામગ્રી સાંજે ગરીબોને પીરસાવતા. એમની એ પ્રવૃત્તિ વરસોથી ચાલ્યા કરતી. એ પ્રવૃત્તિને માટે કોઈ મકાન ન હતું. સ્વતંત્ર સધ્ધર ફંડ ન હતું. કાર્યકર્તાઓનું સુસંગઠિત સારું દળ પણ ન હતું. સાધુપુરુષના ઉત્સાહ, પ્રેમ ને સેવાભાવને લીધે સઘળું ચાલ્યા કરતું. એમને મહંત બનીને બેસી રહેવાને બદલે મહેનતુ સેવક બનવાનું પસંદ પડેલું. મને થયું કે આવા થોડાક સેવાભાવી સાધુપુરુષો સમાજમાં પેદા થાય ને સ્થળે સ્થળે પોતાની આગવી રીતે સેવાપ્રવૃત્તિ કરે તો સમાજને કેટલો બધો લાભ થાય ?
ત્યાંથી નીકળતી વખતે એ સર્વોપયોગી સેવાકાર્યમાં સહાયતા કરવા માટે મેં થોડીક રકમ આપી. સાધુપુરુષને એની માહિતી મળતાં મને એમણે પોરબંદરને સરનામે પત્ર લખ્યો. એ પત્રમાં આર્થિક મદદ માટે આભાર દર્શાવેલો. આભારદર્શનની કશી આવશ્યકતા તો હતી જ નહિ, કારણ કે સમાજના શુભ સેવાકાર્યમાં સૌએ યથાશક્તિ ફાળો આપવો જોઈએ એવું સમજીને મેં તો મારું કર્તવ્ય જ બજાવેલું.
એ સેવાભાવી સાધુપુરુષનું નામ રામરોટીવાળા મહારાજ હતું. રામરોટી પહોંચાડવાનું કાર્ય કરતા હોવાથી એમનું એ નામ પ્રચલિત બનેલું.
- શ્રી યોગેશ્વરજી