સમર્પિતા

આજથી આશરે પાંચેક વરસ પહેલાંની, ઈ.સ. ૧૯૭૦ની વાત છે. હિમાલયના સુંદર સુપ્રસિદ્ધ સ્થળ મસૂરીમાં એક દિવસ મારા પર એક અપિરિચિત વ્યક્તિનો કાગળ આવ્યો. કાગળ ખૂબ જ ભાવપૂર્ણ ભાષામાં લખાયેલો અને ધાર્યા કરતાં ઘણો લાંબો હતો. એને રસપ્રદ કહેવો હોય તો પણ કહી શકાય. કાગળો તો મારા પર જુદી જુદી કેટલીય વ્યક્તિઓના આવ્યા કરે છે. પરંતુ એ કાગળ જરાક જુદી જાતનો ને વિલક્ષણ હતો. એનો અગત્યનો ટુંકસાર નીચે પ્રમાણે હતો :

‘મારો પત્ર વાંચીને તમને થોડીક નવાઈ લાગશે. તમે મને નથી ઓળખતા, મારા પ્રત્યક્ષ પરિચયમાં નથી આવ્યા, પરંતુ હું તમને ઓળખું છું. તમે આ વરસે અને એ પહેલાં પણ અહીં આવેલા ત્યારે મેં તમારા દર્શનનો લાભ લીધો છે.’

‘મારા પૂજ્ય પિતાજી તમારા સંબંધી વારંવાર વાતો કરે છે. ગઈ કાલે એમણે લગભગ કલાક લગી વાતો કરી. એમને તમારે માટે ખૂબખૂબ માન છે. પુષ્કળ પ્રેમ તથા પૂજ્યભાવ છે. તમારી વિશેષતાની વાતો કરતાં એ થાકતાં કે કંટાળતા નથી. એમને કદી તૃપ્તિ જ નથી થતી. એ પોતે પરમજ્ઞાની, સાધક અને સાક્ષર છે એટલે તમને સારી રીતે સમજી શકે છે. મને પોતાને પણ કોણ જાણે કેમ કોઈ પૂર્વ સંસ્કારોના પરિણામે તમારા પ્રત્યે અસાધારણ આકર્ષણ થયું છે. તમારું સુદર સાધના વિષયક અનુભવોનું પુસ્તક ‘શ્રેય અને સાધના’ વાંચ્યા પછી તો એ આકર્ષણ અનેક ગણું વધી ગયું છે. મને થાય છે કે તમારા જેવા સદગુરુને ચરણે બેસવાનું અને એમના સદુપદેશ પ્રમાણે સાધના કરવાનું સદભાગ્ય મળે તો કેવું સારું ?  જીવનનું કલ્યાણ સહેલાઈથી થઈ શકે. મને પરમાત્માના સાક્ષાત્કારની અને એને માટેની આવશ્યક સાધનાની ઈચ્છા છે. ઘરમાં ને સંસારની પ્રવૃત્તિમાં મારું મન જરા પણ નથી લાગતું.’

‘આ વરસે મેં એસ. એસ. સી. ની પરીક્ષા સેકન્ડ ક્લાસમાં પાસ કરી છે. મારા પૂજ્ય પિતાજીની ઈચ્છા મને આયુર્વેદ કોલેજમાં દાખલ કરવાની છે. પરંતુ મારું મન આગળ ભણવા માટે નથી માનતું. આગણ ભણવામાં જીવનનું કલ્યાણ નથી લાગતું. મારે તો એકાંતમાં રહીને સાધના દ્વારા પરમાત્માની કૃપા જ મેળવવી છે. મારા પિતાજીને કે ઘરના બીજા કોઈને આવી વાત કરું તો ગાંડપણમાં ખપાવે એટલે એમને વાત નથી કરી. કરવાની જરૂર પણ નથી. મેં તમારી પાસે આવવાનો ને જીવનભર તમારી સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. એ સંકલ્પમાં કશો ફેર નથી પડવાનો. મારી ઉંમર હાલ સોળ વરસની છે. મારું નામ સમર્પિતા. હું અહીંથી પંદર દિવસ પછી ૨૫મી તારીખે દહેરાદૂન એક્સપ્રેસમાં નીકળીને ૨૭મી તારીખે દહેરાદૂન ઉતરીશ ને રાતે મસૂરી પહોંચીશ. મેં સફેદ સાડી ને સફેદ બ્લાઉઝ પહેર્યું હશે. ઉંમરના પ્રમાણમાં મારી ઊંચાઈ થોડી વધારે છે. રંગે સહેજ શ્યામ છું. મને ઓળખી લેજો. તમારા ઉત્તરની-અનુકૂળ ઉત્તરની-૨૨મી સુધી રાહ જોઈશ. સાથે મારી બેનપણીના સરનામાવાળું કવર મોકલ્યું છે.

- તમારી આજ્ઞાકારિણી શિષ્યા

સમર્પિતા

*

કાગળ વાંચીને મને અવનવી લાગણી થઈ આવી. એનો સારાંશ સ્પષ્ટ હતો. સમર્પિતાને મેં જોઈ ન હતી. એની પરોક્ષ ઓળખાણ પણ મને ન હતી. એની નાની ઉંમરના પ્રમાણમાં એના લખાણમાં ભાષાની દૃષ્ટિએ અસાધારણતા હતી એ ચોક્કસ, પરંતુ એ લખાણ પ્રતીતિકર ના લાગ્યું. એવી કેટલીય કોમળ કન્યાઓ અને એવા અનેક ઉછરતા યુવાનો એક અથવા બીજા કારણે ત્યાગી જીવનનાં સ્વપ્નાં સેવે છે તથા ઘર છોડીને નીકળી પડે છે. આ ઉદાહરણ પણ એવું જ હતું. મેં એને સંક્ષેપમાં છતાં નિશ્ચયાત્મક રીતે લખ્યું :

‘બેન, તમારો પત્ર મળ્યો. આનંદ થયો. આટલી નાની ઉંમરમાં પરમાત્મ પ્રાપ્તિના અથવા આત્મકલ્યાણના આવા વિચારો આવે છે એ આવકારદાયક છે. પૂર્વના સારા સાનુકૂળ સંસ્કારો સિવાય આવું ભાગ્યે જ બની શકે. તો પણ તમે બાહ્ય ત્યાગના જે પંથે પ્રયાણ કરવા માગો છો તે બરાબર નથી. એવા ત્યાગ માટે મારાથી અનુમતિ નહિ આપી શકાય. ઘરને છોડીને અહીં કદાપિ ના આવશો. ઘરને છોડીને અહીં આવવાથી લાભ નહિ થાય. આવશો તો તમારા પિતાજીને ખબર આપીને તમને તરત જ પાછાં મોકલવાં પડશે. અહીં મારો કોઈ સ્વતંત્ર આશ્રમ નથી. હું માતાજી સાથે સંસ્થાની જગ્યામાં વાસ કરું છું. અહીં મારી સાથે તમારી કે કોઈની રહેવાની વ્યવસ્થા નથી. તમને નહીં રાખી શકું.’

‘તમારા પિતાજીની સુચનાનુસાર આયુર્વેદનો અભ્યાસ કરો તે જ બરાબર છે. એથી તમને લાભ થશે. એને લીધે ભવિષ્યમાં બીજાની સેવા કરી શકશો અને અનેકના આશીર્વાદ મેળવશો. લગ્નજીવનમાં પ્રવેશવાની ઈચ્છા નહિ હોય તો પણ સ્વતંત્ર રીતે જીવવામાં અને આર્થિક રીતે પગભર થવામાં એ અભ્યાસ ઉપયોગી બનશે. માટે ક્ષણિક આવેશને વશ થઈને બહાર નીકળવાને બદલે કોલેજમાં દાખલ થાવ એ જ કલ્યાણકારક છે.’

‘તમારી બેનપણી ગમે તેટલી સારી અથવા વિશ્વાસુ હોય તો પણ તમારા પિતાજીને ને ઘરના અન્ય સ્વજનોને ખબર ના પડે તેમ તેને સરનામે પત્રોત્તરોને મંગાવવાનું યોગ્ય નથી લાગતું. એનું પરિણામ કોઈ વાર ખૂબ જ પ્રતિકૂળ આવે એવો સંભવ છે. એથી એ સરનામે વધારે પત્રોત્તરો ના મંગાવશો.’

‘અભ્યાસની સાથે સાથે સમય કાઢીને રોજ નિયમિત રીતે નામજપ, ધ્યાન, પ્રાર્થના, સદગ્રંથોનું વાંચન-મનન કરવાનું ચાલુ રાખજો. એથી આત્મોન્નતિના માર્ગે આગળ વધવામાં મદદ મળશે. શિયાળામાં પ્રતિવર્ષની પેઠે મારે એ બાજુ આવવાનું થશે ત્યારે રૂબરૂ મળાશે.’

*

કાગળ સમર્પિતાની કલ્પના બહારનો હતો. એ તો ગૃહત્યાગ માટે તૈયાર થઈને બેઠેલી. એણે એવું માનેલું કે એના કાગળને વાંચીને હું એને સહર્ષ સત્વર બોલાવી લઈશ. પરંતુ એની માન્યતા મિથ્યા થઈ. એક કુમળી કળીને ખીલતા પહેલાં કસમયે કરમાવા દેવાની મારી ઈચ્છા નહોતી. એવું અમાનવીય કૃત્ય મને પસંદ નહોતું. મને ખબર હતી કે એ બિનઅનુભવી કુમારીને-વણખીલેલી કુસુમકળીને-મારો કાગળ કડવો લાગશે, કદાચ કુઠારાઘાત જેવો કઠોર થઈ પડશે, તો પણ એના જીવનને ભળતા માર્ગે જતું બચાવવા માટે, એના વાસ્તવિક જીવનવિકાસનો મંગલ માર્ગ સૂચવ્યા સિવાય છૂટકો જ નહોતો. એવી રીતે મેં તો મારું પવિત્ર કર્તવ્ય બજાવેલું. ત્યાગનો માર્ગ ધાર્યા જેટલો સરળ નથી. એની કેડી કપરી અને ક્લેશમય છે. એ કેડી પર ચઢીને કલાંત બનેલી, ક્લેશ પામેલી, આડેમાર્ગે અટવાઈ ગયેલી, જીવનને ખોઈ બેઠેલી, કેટલીય કુમારીઓને મેં જોઈ છે, આજે પણ જોઉં છું. ‘અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ’ જેવી એ કુમારીકાઓ જેમતેમ કરીને જીવતી હોય છે. સમર્પિતાને હું એમાંની એક બનાવવા નહોતો માગતો. એટલા માટે મારે એને એવો અપ્રિય ઉત્તર આપવા પડ્યો. બીજો કોઈ વિકલ્પ જ ન હતો.

સમર્પિતા મારો પત્ર વાંચીને વિસ્મય પામી, વિચારમાં પડી. એ પત્ર એને અતિશય અળખામણો લાગ્યો. પરંતુ એની આગળ બીજો વિકલ્પ ક્યાં હતો ?  અઠવાડિયા પછી એનો કાગળ આવ્યો. એનો ભાવાર્થ આવો હતો :

‘તમારા પત્રથી મને દુઃખ થયું છે. મારી ચિંતા તથા વેદના વધી પડી છે. મેં તો કેવીકેવી આશા રાખેલી ને કેવા સ્વપ્નાં સેવેલાં. મારી બેનપણીના સંપૂર્ણ સહયોગથી, ઘરના કોઈને ગંધ આવે નહિ એવી રીતે ઘરત્યાગની ગુપ્ત યોજના બનાવેલી. એ સૌની ઉપર પાણી ફરી વળ્યું. મને અસાધારણ આઘાત લાગ્યો.’

‘તમે મને જોઈ નથી નહિ તો તમારા અભિપ્રાયમાં ફેર પડત. તમે મને સંપૂર્ણપણે ના સમજી શક્યાં. હવે મારે શું કરવું ? આ બાજુ નર્મદાકિનારે એક આશ્રમ છે. ત્યાં જઉં તો કેમ ? હિમાલયમાં મારે લાયક કોઈ બીજો આશ્રમ, કોઈ બીજું અનુકૂળ સ્થાન હોય તો સૂચવશો. ત્યાં રહીને મારે આત્મકલ્યાણ કરવું છે.’

મેં એના પત્રના પ્રત્યુત્તરમાં જણાવ્યું :

‘તમારું આત્મકલ્યાણ ત્યાં રહીને આગળ અભ્યાસ કરવામાં ને બનતી સાધનાનો આશ્રય લેવામાં રહેલું છે. ચંચળતાને કાઢી નાખો. નર્મદા કિનારે કે બીજે ક્યાંય જવાનું બરાબર નથી. ત્યાં જવાથી લાભ નહિ થાય. આ બાજુ હિમાલયમાં તમારે માટે કોઈ અનુકૂળ આશ્રમ હોય તો તેનો મને ખ્યાલ નથી. સાહસ કરીને નીકળશો નહીં. પાછળથી પસ્તાવું પડે એવું ખોટું પગલું ના ભરશો.’

એ અભિપ્રાયથી એને આનંદાનુભવ ના થાય એ સ્વાભાવિક હતું. તો પણ મારે એવો અભિપ્રાય આપ્યા સિવાય છૂટકો જ નહોતો. એ અભિપ્રાય પછી એણે લખ્યું :

‘મારું નસીબ ફૂટલું લાગે છે. હું તો તમારી સેવામાં રહીને આત્મસાક્ષાત્કાર કરવાનાં સ્વપ્નાં સેવતી’તી. પરંતુ તમે મારો સ્વીકાર કરવા તૈયાર નથી એટલે તમને ગુરુ માનીને હવે અહીં રહીને આગળ અભ્યાસ કરીશ અને આધ્યાત્મિક સાધનાના માર્ગે પણ આગળ વધીશ.’

મેં એના નિર્ણયને વધાવી લીધો. એને માટે એને અભિનંદન આપ્યાં ને જણાવ્યું કે ‘આ મારો છેલ્લો પત્ર છે. આ સરનામે વધારે પત્ર લખવાની આવશ્યકતા નથી. જે કહેવાનું હતું તે મેં કહી દીધું છે.’

*

મારા ગુજરાતના પ્રવાસ દરમ્યાન સમર્પિતાનો મેળાપ થયો. એ આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતી. ત્યાગમય જીવનનું એનું આકર્ષણ હજુ મટ્યું નહોતું. એક વાર તો એણે અસંતોષથી પ્રેરાઈને આપઘાત કરવાનો દિવસ ને સમય પણ નક્કી કર્યો. એ સમય વીતી ગયો. અને એણે મારી મુલાકાત લીધી ત્યારે મેં એને જણાવ્યું કે આપઘાત કરવાનું કામ એટલું સહેલું નથી. માનવજીવન મહામૂલ્યવાન, દેવોને પણ દુર્લભ છે. એનો સદુપયોગ કરવો જોઈએ.

*

આયુર્વેદનો પાંચ વરસનો અભ્યાસક્રમ એણે પૂરો કર્યો છે. હવે એ થોડીક તાલીમ લેશે ને પછી પ્રેક્ટીસ કરશે. એની સેવાનો અનેકને લાભ મળશે. સાધના તો જેમ ચાલે છે તેમ ચાલ્યા કરશે. એ તો એના જીવનનું અભિન્ન અંગ બની રહેશે. એના સમાચાર સાંભળીને મને એટલો સંતોષ થાય છે કે અણીના વખતે એક ઉછરતા આશાસ્પદ જીવનને મેં ઉચિત માર્ગદર્શન આપીને ઉગારી દીધું ને સેવાભાવથી ભરીને સમાજસેવાની વાટે વાળ્યું. એવી રીતે એના સમર્પિતા નામને જાણ્યે-અજાણ્યે સાર્થક કરવાનું ભાથું ધર્યુ.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

Success is a journey, not a destination.
- Vince Lombardi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.