કામિનીબેનની કથા
ઋષિકેશમાં લક્ષ્મણઝૂલાનો પવિત્ર પ્રશાંત પ્રદેશ. આજુબાજુ બધે જ આકાશને અડવાની હરિફાઈ કરતી ઉત્તુંગ પ્રેરણાત્મક પર્વતમાળા અને નીચે પર્વતના પેટાળમાંથી વહી જતી યોગીના નિર્મળ હૃદયને રજૂ કરનારી, એની સ્મૃતિ કરાવનારી વિશાળ ગંભીર ગૌરવમયી ગંગા. કેટલું સરસ હૃદયંગમ દૃશ્ય છે ? એ સુંદર દૃશ્યને જેણે પણ જોયું હશે એનું અંતર આહલાદાનુભવ કર્યા વિના નહિ રહ્યું હોય. એ દૃશ્યના અસાધારણ આનંદને અનુભવતાં અમે શાંતિપૂર્વક લક્ષ્મણ ઝૂલાના પુલ પરથી પસાર થઈને આગળ વધતાં હતાં ત્યાં જ એક સફેદ શુભવસના સ્ત્રીએ એકાએક આગળ આવીને મારા ચરણે પ્રણિપાત કર્યાં. હું સહેજ ચમક્યો. વિસ્મય પામ્યો. મને થયું કે હિમાલયના આ એકાંત પાવન પ્રશાંત ચિરપરિચિત પ્રદેશમાં આમ એકાએક પ્રણામ કરનાર વળી કોણ છે ?
સ્વલ્પ સમય પછી એ સ્ત્રીએ ઊભા થઈને મારી તરફ જોયું તો મેં એને ઓળખી કાઢી.
‘ઓહો ! કામિનીબેન તમે ? તમે અહીં ક્યાંથી ? યાત્રા કરવા આવ્યાં છો કે શું ?’ મેં ઉદગાર કાઢ્યા.
કામિનીબેનની આંખમાં આંસુ હતાં. એમનું અંતર અતિશય ભાવવિભોર બનવાથી એમનો કંઠ રૂંધાયેલો લાગ્યો. પોતાની જાતને જેમતેમ કરીને સંભાળીને એમણે કૃત્રિમ રીતે સ્મિત કરવાના પ્રયત્ન સાથે કહ્યું : ‘તમારા દર્શનથી મને અતિશય આનંદ થયો. છેલ્લા કેટલાય દિવસથી હું તમને ખૂબ જ યાદ કરતી’તી. ગઈ કાલે તો તમે ખૂબ જ યાદ આવેલા. તમે મસૂરીમાં રહો છો એ તો જાણેલું, પરંતુ તમારી પાસે પહોંચવું કેવી રીતે ?’
‘કેવી રીતે પહોંચવું એટલે ? મોટરમાં. અહીંથી દહેરાદૂન ને દહેરાદૂનથી મસૂરી.’
‘એ તો ખબર છે પણ એમ કાંઈ ત્યાં પહોંચી જવાય ? રહેવાની વ્યવસ્થા જોઈએ ને ? તમારી સાથે રહેવાની સગવડ થોડી જ છે ?’
‘તમે આવ્યાં હોત તો ગમે ત્યાં સાનુકૂળ સ્થળે સગવડ કરી શકાત. પરંતુ હવે તો અમે ઓક્ટોબરનો અંત હોવાથી ઠંડીને લીધે પ્રત્યેક વરસની પેઠે આ તરફ આવી ગયાં. ભવિષ્યમાં વાત. તમે યાત્રાએ નીકળ્યાં છો ? સુરતથી ક્યારે નીકળ્યાં ?’
‘યાત્રાએ નથી નીકળી. અથવા વિશાળ અર્થમાં કહેવું હોય તો કહી શકાય કે જીવનની યાત્રાએ નીકળી છું. સાધનાત્મક યાત્રાએ.’
‘સાધનાત્મક યાત્રાએ ?’
‘હા.’
‘એટલે તમે ઘરનો ત્યાગ કર્યો છે ? સુરત છોડી દીધું છે ?’
‘મોટે ભાગે એવું જ.’
‘શા માટે ?’
‘એ બધું પાછળથી વિગતવાર જણાવું છું. હમણાં તો મારા મુકામ પર ચાલો. મારી મઢૂલીને પાવન કરો. મારી એટલી પ્રાર્થનાને સ્વીકારો. મારે તમારું માર્ગદર્શન મેળવવું છે. તમે તે આપી શકશો ને તમે જ આપી શકશો. મને તમારી અંદર વિશ્વાસ છે. મને નિરાશ ના કરશો.’
‘પરંતુ અમે તો આ તરફ ફરવા નીકળ્યાં છીએ. નવ તો વાગી ગયા છે. હજુ તો સ્વર્ગાશ્રમ તરફ જવું છે ને બપોર પછી ઋષિકેશના ઉતારે પાછા ફરવું છે.’
‘એ બધું થઈ રહેશે. હું તમને વધારે નહિ રોકું. મારા સદભાગ્યે આજ આટલા વખતે મળી ગયા છો તો એમનેમ નહિ જવા દઉં.’
એમની આંખમાંથી અશ્રુ ટપકવાં લાગ્યાં.
મને થયું કે આ સરળ હૃદયની ભાવિક બેનને દુઃખી કરવાનો કશો અર્થ નથી.
‘તમારી મઢૂલી ક્યાં છે ?’
‘આ સામે જ પેલો આશ્રમ દેખાય છે એમાં. હમણાં જ પહોંચી જઈશું.’
સફેદ-સાધ્વી જેવા-સાલ્લાના છેડાથી આંખને લૂછીને એમણે ચાલવા માંડ્યું. અમે એમનું અનુસરણ કર્યું. આશ્રમ ત્યાંથી પાસે જ હતો. એમાં પ્રવેશતાંવેંત જ અમે એના પ્રાંગણમાં એક નવયુવાન સુદૃઢ સાધુપુરુષને એક તરફ બેઠેલા જોયા. અમને નિહાળીને એમણે કાંઈક વિચિત્ર કહી શકાય એવો દૃષ્ટિપાત કર્યો. અમારી ઉપર એમની છાપ પ્રથમ દૃષ્ટિએ જ બહુ સારી ના પડી.
કામિનીબેને એમની ઓરડીમાં લઈ જઈને અમારું સ્નેહપૂર્વક સમુચિત સ્વાગત કર્યું એટલે મેં એમને પૂછ્યું : ‘પેલા સાધુપુરુષ કોણ છે ?’
‘બહાર બેઠા છે તે ?’
‘હા.’
‘એ આ સ્થાનના અધ્યક્ષ કે મહંત છે. આ સ્થાન એમણે તાજેતરમાં જ લીધું છે.’
સહેજવાર શાંતિ રાખ્યા પછી કામિનીબેને પોતાની કથા કહેવાની શરૂઆત કરી.
‘સુરતમાં તમે જાણો છો તેમ કેટલાય સાધુમહાત્માઓ પધારે છે ને કથા કરે છે. ત્રણેક વરસ પહેલાં એક વિદ્વાન મહાત્મા પધારેલા. એમનો ઉપદેશ ત્યાગપ્રધાન હતો. મારા પર એમનો ખૂબ જ પ્રભાવ પડ્યો. મેં એમને ગુરુ તરીકે પસંદ કરવાનો વિચાર કર્યો. એમની પાસે પહોંચીને મારો વિચાર જણાવ્યો એટલે એ બોલ્યા કે તારો સંકલ્પ સારો છે. હું તને મારી શિષ્યા તરીકે સ્વીકારીશ. પરંતુ ત્યાગ કર્યા વિના કોઈનું કલ્યાણ નથી થતું. સંસાર અસાર છે. એમાં રહેવાથી પરમાત્માની પ્રાપ્તિ નથી થઈ શકવાની. એને ત્યાગીને મારી પાસે મારા ઋષિકેશના આશ્રમમાં આવી જા તો તને થોડા જ વખતમાં આત્મસાક્ષાત્કાર કરાવી આપીશ.’
‘તમે એમની વાતને સાચી માની લીધી ?’
‘હા. કારણ કે અધ્યાત્મમાર્ગનો મારો અનુભવ ઘણો કાચો હતો. એ ઉપરાંત એ સંન્યાસી મહારાજના વ્યક્તિત્વથી હું પુષ્કળ પ્રભાવિત બનેલી અને અંજાઈ ગયેલી. મારાં સગાંવહાલાંએ તો મને ઘરનો ત્યાગ ના કરવા માટે ખૂબખૂબ સમજાવી. એમણે મને સુરતમાં જ આઠવા લાઈન્સ, અશ્વિનીકુમાર અથવા એવા કોઈક સાનુકૂળ સ્થળે રહેવું હોય તો સર્વ પ્રકારની સગવડ કરી આપવા જણાવ્યું તો પણ મેં ના માન્યું. મને તો ઋષિકેશનો અને એ સંન્યાસી મહારાજનો જ નાદ લાગેલો.’
‘પહેલાં તમે કદી ઋષિકેશ જોયેલું ?’
‘એકવાર એ બાજુ યાત્રાએ ગયેલી ત્યારે જોયેલું. હરિદ્વાર અને ઋષિકેશ બંને મને ખૂબ જ ગમેલાં. બંને સ્થળોનું કુદરતી સૌંદર્ય મને સ્પર્શી ગયેલું.’
કામિનીબેને અમારી આગળ ફળ મૂક્યા. મેં એમને કહ્યું : ‘ત્યારે તમે ઋષિકેશ આવ્યાં ખરાં.’
‘હા. એ જ વરસે આવી પહોંચી.’
‘સંન્યાસી મહારાજની સાથે કે પાછળથી ?’
‘પાછળથી. મારે ઉતરવાની મુશ્કેલી તો હતી નહીં એટલે સીધી એમના આશ્રમમાં પહોંચી ગઈ. મહારાજ મને જોઈને ઘણાં રાજી થયા. એમણે મને શાબાશી આપી.’
‘તમે ઘણું મોટું સાહસ કર્યું. દુસ્સાહસ.’
‘હવે આટલા સ્વાનુભવ પરથી સમજાય છે કે એ એક દુસ્સાહસ હતું. મારા સંસ્કારો એવા હશે એટલે મારાથી એ થઈ ગયું.’
‘પછી આત્મસાક્ષાત્કાર થયો કે ના થયો ?’ મેં હસતાં હસતાં પૂછ્યું.
‘આત્મસાક્ષાત્કાર કાંઈ એટલો સહેલો છે ? એને બદલે મારે ખૂબ જ વિચિત્ર અવનવો અનુભવ કરવો પડ્યો.’ એમણે જણાવ્યું.
‘કેવો અનુભવ ?’
‘બે-ત્રણ મહિનામાં જ સંન્યાસી મહારાજે પોતાનું પોત પ્રકાશ્યું. એમનું મન મલિન હતું. એમની દૃષ્ટિ બગડેલી. એક વાર રાતે મારી પાસે એકાંતમાં આવીને એમણે મારો હાથ પકડ્યો. મેં હાથને છોડાવી દીધો તો એમણે કહ્યું કે તું તો મારી શિષ્યા છે. મેં કહ્યું કે શિષ્યા છું એનો અર્થ એવો નથી કે તમે મારી સાથે જેમ તેમ વર્તી શકો.’
તારે મને સર્વસમર્પણ કરવું જોઈએ.
સર્વસમર્પણ ?
હા. મારી મરજી મુજબ ચાલવું જોઈએ. સુરતમાં તને જોયેલી ત્યારથી જ હું તારા પર મોહિત થયો છું. તું કામિની છે. તારે મારી શરીરસુખની કામના પૂરી કરવાની છે. આશ્રમમાં તારું કામ એટલું જ છે.
હું કંપી ઊઠી. મને એ સંન્યાસીનું સ્વરૂપ ભયંકર લાગ્યું. ખૂબ જ ભયંકર. મને થયું કે આ સંન્યાસી કહેવાય ? આ તો રાગી તથા દુરાચારી છે. મેં કહ્યું કે હું તો તમારી દીકરી જેવી છું. તમે મારા પિતા છો.
ત્યાગી કોઈનો પિતા નથી હોતો.
તમે બીજાને કેવા કેવા ઉપદેશ આપો છો તેનો વિચાર તો કરી જુઓ.
મેં બધો વિચાર કરી જોયો છે. હવે વાતો કરીને વાર ના કર.
એમણે પાછો મારો હાથ પકડ્યો. મેં હાથ છોડાવીને બૂમ પાડી. એ ઝડપથી એમના ઓરડામાં જતા રહ્યા. એમને ખબર નહોતી કે એમનો એવો સામનો કરવામાં આવશે.
‘પછી ? પછી શું થયું ? આશ્રમમાં બીજું કોઈ હતું કે નહિ ? તમારી બૂમ સાંભળીને કોઈ આવ્યું કે ના આવ્યું ?’
‘બે-ત્રણ શિષ્યો દોડી આવ્યા ને શું થયું, શું થયું, પૂછવા લાગ્યા. પેલા સંન્યાસી મહારાજ પણ આવી પહોંચ્યા ને કહેવા માંડ્યા કે કોઈક ખરાબ સ્વપ્નું આવ્યું હશે. હું તો એનો અવાજ સાંભળીને ભર ઊંઘમાંથી ઝબકીને જાગ્યો.
મને એમના શબ્દો સાંભળીને દુઃખ થયું. થોડોક ક્રોધ પણ ચઢ્યો. પરિસ્થિતિને વિચારીને મેં સઘળું સ્પષ્ટીકરણ કરવાને બદલે મારી જાતને શાંત રાખી. બીજે દિવસે મેં સંન્યાસી મહારાજને એમના વર્તન માટે ઠપકો આપ્યો. મારા ઠપકાની એમની ઉપર કશી અસર ના થઈ. મેં આશ્રમનો ત્યાગ કર્યો.’
‘સંન્યાસી મહારાજે આશ્રમ છોડવા દીધો ?’
‘એ વખતે તે સનાતન ધર્મસંમેલનનું ઉદઘાટન કરવા અને સંમેલનમાં ભાગ લેવા અઠવાડિયા માટે હરિદ્વાર આવેલા. અને હોત તો પણ શું ? મને એ થોડા જ રોકી રાખવાના હતા ? રોકવાનો પ્રયાસ કરત તો હું એમના પોકળને બહાર પાડત.’
મેં કહ્યું : ‘ઈશ્વરે તમારી અણીને વખતે રક્ષા કરી.’
‘હા.’ એમણે જણાવ્યું : ‘ઈશ્વરે જ મારી રક્ષા કરી. એને માટે એમનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. એ પછી કેટલાક સમય સુધી હું એક સાધ્વી પાસે રહી, અને હમણાં જ આ સ્થાનની માહિતી મળતાં ને સ્વામીજીની ઓળખાણ થતાં અહીં રહેવા આવી છું. પરંતુ અહીં પણ અનુકૂળતા નથી. સ્વામીજીનો સ્વભાવ ખૂબ વિચિત્ર છે. એમને લક્ષ્મીનો લોભ છે. કીર્તિની વધારે પડતી કામના છે. અહંકારનો પાર નથી. દૃષ્ટિ પણ નિર્મળ નથી.’
‘તમે સુરતમાં કે ગુજરાતમાં બીજે ક્યાંક રહો તો ?’
‘ત્યાં સગાસંબંધીઓ અને ઓળખીતાઓ આવે-જાય. એના કરતાં આટલે દૂર રહું તો સારું. એમ તો મારા સાસરા પક્ષના લોકો પણ કહે છે કે ગુજરાતમાં જ્યાં ઈચ્છા હોય ત્યાં રહેવાની સગવડ કરી આપીએ. પરંતુ મારું મન માનતું નથી. તમે કૃપા કરીને આશીર્વાદ આપો કે મને રહેવા માટે સારું સ્થાન મળી જાય. મારે બને તેટલું ભજન કરીને શાંતિ મેળવવી છે. બને તો આ જ જન્મમાં ઈશ્વરનું દર્શન કરવું છે. મારી બીજી કોઈ જ કામના નથી.’
મેં એમને આશ્વાસન આપ્યું ને કહ્યું : ‘ઈશ્વર તમારી કામના પૂરી કરશે. તમારી ભાવના ઘણી જ સારી છે. કોશિશ કરતાં રહેવાથી રહેવાનું સ્થળ પણ સારું મળી રહેશે.’
એમને સંતોષ થયો.
અમે બહાર નીકળ્યાં. મેં એમને ગીતાભવન કે પરમાર્થ નિકેતનમાં રહેવાની જગ્યા મળે તો કોશિશ કરવા કહ્યું.
બીજે વરસે એમનો સુરતમાં અચાનક રીતે જ મેળાપ થઈ ગયો. એ ત્યાં ફરવા માટે આવેલાં. એમનો અસંતોષ ઓછો થયેલો દેખાયો. ખાસ તો એટલા માટે કે એમને ઋષિકેશમાં પરમાર્થ નિકેતનમાં રહેવા માટે સુંદર સાનુકૂળ સ્થાન મળેલું. એમણે પ્રસન્નતાપૂર્વક જણાવ્યું : ‘તમારા આશીર્વાદ ફળ્યા.’
મેં કહ્યું : ‘આશીર્વાદ ઈશ્વરના.’
*
કામિનીબેને પોતાનું નામ બદલીને સાધ્વી તરીકેનું નામ ધારણ કરેલું.
એમના ઉદાહરણમાંથી બીજી છોકરીઓએ કે સ્ત્રીઓએ પદાર્થપાઠ લેવા જેવો છે. ખાસ કરીને ગૃહત્યાગ કરીને બહાર જવા માગતી સ્ત્રીઓએ કોઈના ખોટા પ્રભાવ, પ્રલોભન, દબાવની અસર નીચે આવીને અથવા અંગત આવેગમાં તણાઈને જે સ્ત્રીઓ ઘરને છોડીને પૂરતા વિચાર, વૈરાગ્ય અને અનુભવ વિના નીકળી પડે છે તે પાછળથી દુઃખી થાય છે ને પસ્તાય છે. એમનું જીવન અસ્તવ્યસ્ત અને અશાંત બની જાય છે. માટે સ્ત્રીઓએ ખૂબખૂબ વિચાર કરીને સમજીને નાછૂટકે જ બહાર નીકળવાની ને પરિચિત સ્થાનમાં પરિચિત પુરુષની પાસે રહેવાની આવશ્યકતા છે. ખોટું સાહસ કરવા કરતાં ઘરનાં સુરક્ષિત વાતાવરણમાં રહીને આગળ વધવું વધારે સારું છે. સ્ત્રીઓ સારી રીતે શાંતિપૂર્વક રહીને સાધના કરી શકે એવા આશ્રમો આપણે ત્યાં અત્યંત ઓછા છે.
- શ્રી યોગેશ્વરજી